Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ગાંધીગ્રામના વૃધ્ધ બેંકે જવાનું કહીને નીકળ્યા ને જ્યુબીલી બાગમાં પેટ્રોલ છાંટી સળગી મર્યા

૭૦ વર્ષના મનસુખભાઇ રાઠોડ ગોઠણના દુઃખાવા અને અન્ન નળીની બિમારીથી પીડાતા હતાં

રાજકોટ તા. ૩૧: ગાંધીગ્રામની ગાંધીનગર સોસાયટીમાં રહેતાં ૭૦ વર્ષના ખવાસ વૃધ્ધ મનસુખભાઇ શામજીભાઇ રાઠોડે બપોર બાદ બેંકના કામે જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ સાંજે સાડા છએક વાગ્યે જ્યુબીલી ગાર્ડનમાં જઇ પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ગોઠણના દુઃખાવા અને અન્નનળીની તકલીફથી કંટાળીને આ પગલું ભર્યાનું બહાર આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ એક વૃધ્ધે સાંજે જ્યુબીલી બગીચામાં શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધાની જાણ થતાં ૧૦૮ પહોંચી અને તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. આ વૃધ્ધ ભાનમાં હોઇ તેણે પોતાનું નામ મનસુખભાઇ શામજીભાઇ રાઠોડ (ઉ.૭૦) હોવાનું જણાવવા ઉપરાંત પોતાના ઘરનું સરનામુ અને દિકરાઓનો ફોન નંબર પણ આપ્યા હતાં. સારવાર દરમિયાન આ વૃધ્ધે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે એ-ડિવીઝનમાં જાણ કરતાં પીએસઆઇ વી. એમ. ડોડીયા, કોન્સ. ભીખાભાઇએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર વૃધ્ધને સંતાનમાં ત્રણ પુત્રો પરેશભાઇ, મિતુલભાઇ અને રાકેશભાઇ છે. તેઓ મવડી પ્લોટમાં કારખાનુ ધરાવે છે. મનસુખભાઇ ઘરેથી બેંકના કામે જવાનું કહીને નીકળ્યા બાદ જ્યુબીલી બાગમાં જઇ આ પગલું ભર્યુ હતું. બિમારીથી કંટાળીને આપઘાત કર્યાનું ખુલ્યું હતું. (૧૪.૭)

(12:03 pm IST)