Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

ગાયકવાડીમાં નાગરિક સહકારી બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસઃ એક તસ્કર સીસીટીવીમાં દેખાયો

૩૦મીએ રાત્રે ૧:૫૪ કલાકે એક શખ્સ એકઝોસ ફેનની ખુલ્લી બારીમાંથી પ્રવેશ્યો અને કેમેરાની દિશા બદલી નાંખીઃ ડિઝીટલ લોક ખોલવા પ્રયાસઃ બ્રાંચ મેનેજર એચ. એ. મકવાણાએ પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં તપાસનો ધમધમાટ

જ્યાં ચોરી થઇ તે ગાયકવાડીની નાગરિક સહકારી બેંકનું મકાન, જેનો ડિઝીટલ લોક ખોલવા પ્રયાસ થયો તે એટીએમ, જેમાંથી ચોર ઘુસ્યો તે બારી અને સીસીટીવી કેમેરો તથા બ્રાંચ મેનેજર હેમાંગભાઇ મકવાણા જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૧: જંકશન પ્લોટ ગાયકવાડીમાં આવેલી નાગરિક સહકારી બેંકના એટીએમનો ડિઝીટલ લોક ખોલવાનો પ્રયાસ કરો ચોરીનો પ્રયાસ કરવામાં આવતાં પોલીસને જાણ કરવામાં આવી છે. ગત મોડી રાત્રે એક શખ્સ એકઝોસ ફેનની બારીમાંથી અંદર પ્રવેશી ચોરીનો પ્રયાસ કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હોઇ તેના આધારે તપાસ હાથ ધરાઇ છે.

બનાવ અંગે પોલીસે જામનગર રોડ પર બજરંગવાડી-૧૦માં 'સ્વર્ગ' ખાતે રહેતાં અને જંકશન પ્લોટની નાગરિક સહકારી બેંકમાં એક વર્ષથી બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતાં હેમાંગભાઇ અનંતરાય મકવાણા (ઉ.૪૨)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો નોંધ્યો છે.

હેમાંગભાઇએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે જંકશન રોડ ની નાગરિક સહકારી બેંકમાં હાલમાં રિનોવેશનનું કામ ચાલુ હોઇ જેથી હંગામી ધોરણે બેંકને ગાયકવાડી પ્લોટમાં 'ગુરૂ જો દર' નામના મકાનમાં શરૂ કરવામાં આવી છે. ૨૭મીએ સાંજે સાડા છએક વાગ્યે બેંકને તમામ દરવાજામાં તાળા લગાવી બંધ કરવામાં આવી હતી. ૨૮ અને ૨૯મીએ રજા હતી. ગઇકાલે પોતે સવારે બેંક ખાતે જતાં જુનિયર ઓફિસર તરીકે કામ કરતાં પ્રતિકભાઇ ધામેચાએ જાણ કરી હતી. પાસબૂક એન્ટ્રીનું ટેબલ અને ઓફિસર ટેબલ તથા બીજા ટેબલો વેરવિખેર જોવા મળ્યા છે. રૂમમાં જોતાં કબાટના ખાનાઓ પણ ખુલ્લા હતાં અને સામાન વેરવિખેર હતો.

બધા રૂમમાં તપાસ કરતાં એટીએમ રૂમમાં જોતાં એટીએમનો સેઇફનો બહારનો દરવાજો સ્હેજ ખુલ્લો હતો અને અંદર મુખ્ય ડોરનું ડિઝીટલ લોક કે જે બે પાસવર્ડથી ખુલે છે તે ખોલવાનો કોઇએ પ્રયાસ કર્યાનું જણાયું હતું. આથી એટીએમ રૂમના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં તેમાં તા. ૩૦ના રાત્રે ૧:૫૪ કલાકે એક શખ્સ એટીએમ રૂમની ઉપરની નાની એકઝોસ ફેનની બારી ખુલ્લી હોવાથી તેમાંથી પ્રવેશ કરીને આવતો અને બાદમાં સીસીટીવી કેમેરાની દિશા બદલી નાંખતો દેખાયો હતો. અન્ય કેમેરામાં આ શખ્સ દેખાયો નથી. ડિઝીટલ લોક ખોલીને તપાસ કરીએ પછી ખબર પડે કે કંઇ ચોરાયું છે કે નહિ?  તેમ વિશેષમાં હેમાંગભાઇએ જણાવતાં પ્ર.નગરના એએસઆઇ એસ.આર. જોગરાણાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (૧૪.૮)

(12:03 pm IST)