Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

રાજકોટ જિલ્લા પંચાયતની સમિતિઓમાં ૭ ઓગષ્ટથી બાગી રાજ

દરેક સમિતિના અધ્યક્ષની ચૂંટણી માટે આજે એજન્ડાઃ સતામાં ભાજપનો પાછલા બારણેથી પ્રવેશઃ કારોબારીમાં ચંદુભાઇ, શિક્ષણમાં નાથાભાઇ, આરોગ્યમાં હંસાબેન, બાંધકામમાં મગનભાઇ, સામાજિક ન્યાય સમિતિમાં બાલુભાઇનું નામ મોખરે

રાજકોટ તા.૩૧: જિલ્લા પંચાયતમાં ભાજપના સહકારથી કોંગ્રેસના બળવાખોરોએ પ્રભુત્વ સ્થાપ્યા બાદ હવે વિધિવત બાગી રાજના દિવસો નજીક આવી રહયાં છે. ગઇ તા. ૨૭ મીથી સામાન્ય સભામાં કોંગ્રેસના વ્હીપ વિરૂધ્ધ સમિતિઓની રચના થયા બાદ હવે સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી માટે ૭ ઓગષ્ટ બેઠક બોલાવવાનું નક્કી થયાનું જાણવા મળે છે. દરેક સમિતિના સચિવ તરીકે જે તે અધિકારીએ સમિતિની બેઠકનો એજન્ડા પ્રસિધ્ધ કરવાનો હોય છે. છેલ્લી ઘડીના કોઇ ફેરફાર ન થાય તો ૭ ઓગષ્ટે થોડા-થોડા સમયના અંતરે તમામ ૬ સમિતિઓની બેઠક બોલાવી અધ્યક્ષની ચૂંટણી યોજવાની તૈયારી થઇ રહી છે. જિલ્લા પંચાયતમાં સૌથી 'જાણીતી' કારોબારી સમિતિના અધ્યક્ષપદ માટે ચંદુભાઇ શીંગાળાનું નામ મોખરે છે. વિકલ્પે ભાનુબેન ધીરૂભાઇ તળપદાનું નામ હોય શકે.  શિક્ષણ સમિતિમાં નાથાભાઇ મકવાણા, સામાજિક ન્યાય સમિતિમાં બાલુભાઇ વીંઝૂડા, બાંધકામ સમિતિમાં મગનભાઇ મેટાળીયા અને આરોગ્ય સમિતિમાં હંસાબેન વિપુલભાઇ વૈષ્ણવનું નામ ચાલી રહ્યું છે.

સામાન્ય સભામાં સમિતિની રચના વખતે જે યાદી રજૂ થઇ તેમાં ઉપરોકત નામો પ્રથમ ક્રમે હતાં. અપિલ સમિતિમાં હોદાની રૂએ પંચાયતના પ્રમુખ જ અધ્યક્ષ પદે રહે છે. તે મુજબ શ્રીમતી અલ્પાબેન ખાટરિયા અધ્યક્ષપદે રહેશે.

ભાજપ અને બાગી જુથના અગ્રણીઓએ ભેગા મળી અધ્યક્ષના નામ નકકી કર્યા છે. બધા નામ સર્વાનુમતે નકકી થયાનું આ વર્તુળોનું કહેવું છે. બીજી તરફ સમિતિના અધ્યક્ષની પસંદગીમાં બાગીઓમાં અસંતોષ થાય તો તેનો લાભ લેવાની ભાજપની ગણતરી છે. અત્યારની ધારણા મુજબ સમિતિઓના અધ્યક્ષ ચૂંટાઇ જાય તો સમિતિઓમાં ભાજપ પ્રેરિત-સમર્પિત જુથ સતામાં રહેશે જયારે પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ કોંગ્રેસના છે.

(11:37 am IST)