Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સાવકા બાપની શૈતાનિયતઃ ત્રણ વર્ષ સુધી મોટી દિકરીનો દેહ અભડાવ્યો, તેણી સાસરે જતાં નાની દિકરી પર નજર બગાડી!

મોચીબજારના સિધ્ધી વિનાયક કોમ્પલેક્ષના ચોકીદારે સાવકી દિકરીઓને હવસનો શિકાર બનાવી : મુળ એમપીના ૫૦ વર્ષના ઢગાને એ-ડિવીઝન પોલીસે દબોચી હવસનું ભૂત ઉતારી મહિલા પોલીસને સોંપ્યો

રાજકોટ તા. ૩૧: મુળ મધ્ય પ્રદેશના વતની અને હાલ રાજકોટમાં મોચી બજાર પોસ્ટ ઓફિસ પાછળ સિધ્ધી વિનાયક કોમ્પલેક્ષમાં ચોકીદારી કરી ત્યાં જ પાર્કિંગમાં રહેતાં ૫૦ વર્ષના સોહન કુંજીભાઇ ઠાકોર નામના હવસખોરે પોતાની જ બે સાવકી દિકરીને ત્રણ વર્ષમાં અવાર-નવાર હવસનો શિકાર બનાવતાં વાત પોલીસ સુધી પહોંચતા પોલીસે આ ઢગા સામે ગુનો નોંધી તેને દબોચી લઇ હવસખોરીનું ભુત ઉતાર્યુ છે.   

૧૪ વર્ષ પહેલા બે દિકરીની માતા એવી વિધવા સાથે લગ્ન કરનાર પ્રોૈઢે પહેલા ૧૯ વર્ષની સાવકી દિકરીનો દેહ અભડાવ્યો હતો, ત્રણ વર્ષ સુધી તેણીનું શોષણ કર્યુ હતું. એ પછી તેણીના હાલમાં જ થોડા દિવસો પહેલા લગ્ન થઇ ગયા બાદ ૧૪ વર્ષની સાવકી દિકરીને પણ હવસનો શિકાર બનાવી હતી. શનિવારે મોટી બહેન સાસરેથી આટો મારવા આવી ત્યારે નાની બહેને સાવકા બાપે બળજબરી આચર્યાનું કહેતાં મોટી બહેન ચોંકી ગઇ હતી અને એ-ડિવીઝન પોલીસ સ્ટેશને પહોંચી વિતક વર્ણવી ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ભોગ બનેલી યુવતિની ફરિયાદ પરથી સોહન કુંજીભાઇ ઠાકોર (ઉ.વ.૫૦) સામે આઇપીસી ૩૭૬ (૨) (એન), ૫૦૬ (૨) તથા પોકસો હેઠળ ગુનો નોધીં આ હવસખોરને સકંજામાં લઇ મહિલા પોલીસને સોંપતા પીઆઇ એસ. આર. પટેલની રાહબરીમાં  પીએસઆઇ એ. જે. લાઠીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં યુવતિએ જણાવ્યું છે કે મારા પિતાનું ૧૪ વર્ષ પહેલા અવસાન થયું છે. એ પછી મારા માતાએ સોહન સાથે બીજા લગ્ન કર્યા છે. એ પછી હું અને મારી નાની બહેન સોહનને પપ્પા કહીને જ બોલાવતી હતી. એક રાતે પિતા મારી પાસે આવ્યો હતો અને મોઢે ડૂમો દઇ બળજબરી કરી શરીર સંબંધ બાંધી લીધો હતો. તેમજ કોઇને વાત કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેથી હું ગભરાઇ ગઇ હોઇ કોઇને જાણ કરી નહોતી. એ પછી સોહને ત્રણ વર્ષમાં અવાર-નવાર બળજબરી કરી લેતો હતો.

યુવતિએ ફરિયાદમાં આગળ જણાવ્યું હતું કે આ મહિનામાં જ મારા લગ્ન થઇ જતાં હું સાસરે ગઇ હતી. શનિવારે ૨૯મીએ હું માવતરે આટો દેવા આવી ત્યારે મારી ૧૪ વર્ષની બહેને વાત કરી હતી કે પિતા તેના પર છેલ્લા બે મહિનાથી બળજબરી કરી દૂષ્કર્મ આચરે છે. આ સાંભળી હું માતાને જાણ કર્યા વગર જ નાની બહેનને લઇને પોલીસ સ્ટેશને આવી હતી. પોતાની બહેન અને માતાને મારી નાંખવાની ધમકી આપી પિતા દૂષ્કર્મ આચરતો હોઇ ગભરાઇને પોતે સહન કરતી હતી. પરંતુ પોતે સાસરે ગયા બાદ સાવકા બાપે નાની બહેન ઉપર પણ નજર બગાડતાં અંતે તેણીએ ફરિયાદ કરી હતી.

પીઆઇ સી. જી. જોષી અને પીએસઆઇ ટી. ડી. ચુડાસમા અને રાઇટર દિપકભાઇએ તુરત જ ગુનો નોંધી હવસખોર સોહનને દબોચી લઇ વધુ તપાસ માટે મહિલા પોલીસને સોંપ્યો છે. સોહને અહિ પોતે કંઇ ન કર્યુ હોવાનું રટણ કર્યુ હતું.

(11:53 am IST)