Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

છેલ્લો દિ'

મિલ્કત વેરામાં ૧૦% વળતર યોજના આજે પૂર્ણઃ ૯૪.૬૧ કરોડ ની આવક

કોર્પોરેશનની વોર્ડ ઓફીસ-તથા સિવિક સેન્ટરોમાં રાત્રે ૮ વાગ્યા સુધી અને રાત્રીના ૧ર સુધી ઓનલાઇન વેરો ભરી શકાશે : કાલથી પ ટકા ડિસ્કાઉન્ટ

રાજકોટ, તા.૩૧: મ્યુ. કોર્પોરેશન દ્વારા એડવાન્સ મિલ્કત વેરો ભરનાર કરદાતાઓને એપ્રિલ થી ૩૧મે સુધી ૧૦ થી ૧૫ ટકા અને  જુનમાં ૫ થી ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.આ ૧૦ થી ૧૫ ટકા વળતર યોજનાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે  મ્યુ. કોર્પોરેશનની તિજોરીમાં કુલ ૧.૯૩ લાખ પ્રમાણિક કરદાતાઓએ રૂ. ૯૪.૬૧ કરોડ મિલ્કત વેરો ભર્યો છે. મ્યુ.કોર્પોરેશનનાં સિવિક સેન્ટરો તથા વોર્ડ ઓફિસે રાત્રીનાં ૮ વાગ્યા સુધી તથા રાત્રીનાં ૧૨ વાગ્યા સુધી ઓનલાઇન વેરો ભરી શકાશે. આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં વેરા શાખાનાં સુત્રો માંથી મળતી માહિતી મુજબ તા. ૯મીએ એપ્રિલે મંગળવારથી એડવાન્સ ટેકસ ભરનાર નાગરિકોને ડિસ્કાઉન્ટ આપવાની યોજના અમલી બનાવવા આવી છે ત્યારે આજ દિન સુધી એટલે કે તા.૩૧ સુધીનાં બપોરનાં ૨ વાગ્યા સુધીમાં કુલ ૧.૯૩ લાખ કરદાતાઓએ રૂ. ૯૪.૬૧ કરોડ મિલ્કત વેરા પેટે ભર્યા છે. જેમાં ૭૫ હજાર કરદાતાઓએ ઓન લાઇનથી  રૂ. ૩૨.૪૩ કરોડનો વેરો ભર્યા છે. ઓનલાઇન વેરો ભરનાર કરદાતાઓને રૂ.૫૦ વધારાનું ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. ગત વર્ષ કરતા આ વર્ષે ઓનલાઇન વેરો ભરનાર કરદાતાની સંખ્યામાં વધારો થયેલ છે. અત્રે નોંધનીય છે કે, ૩૧ મે સુધી પુરૂષ કરદાતાઓને તેઓના કુલ ટેકસની રકમ ઉપર ૧૦ ટકા તથા મહિલા કરદાતાઓને ૧૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને ત્યાર બાદ જૂનમાં ૧ થી ૩૦ જૂન સુધી પુરૂષોને ૫ ટકા અને મહિલાઓને ૧૦ ટકા વળતર એડવાન્સ ટેકસ ઉપર આપવામાં આવશે. આ ઉપરાંત જે કરદાતાઓ ઓનલાઈન એટલે કે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના માધ્યમથી પોતાનો આગોતરો મકાન વેરો ભરી દેશે તેઓને ઉપરોકત ડિસ્કાઉન્ટ ઉપરાંત વધારાનો એક ટકો ડિસ્કાઉન્ટ અપાશે જેમાં ઓછામાં ઓછું ૫૦ રૂ. તથા વધુમાં વધુ ૨૫૦ રૂ.નું ડિસ્કાઉન્ટ અપાશે.

(4:08 pm IST)