Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

લોકડાઉન - મંદી છતાં મ.ન.પા.ને ૧૯૧ કરોડની વેરા આવક

રંગ છે રાજકોટ : આર્થિક તંગી છતાં મ.ન.પા.ની તિજોરી છલકાવી : ગત વર્ષ કોરોના ન હતો છતાં માત્ર ૧૮૯ કરોડે ગાડી અટકી ગયેલ : હવે એપ્રીલથી જ વેરા વસુલવા ખાસ રિકવરી સેલ ઉઘરાણીના કામે લાગી જશે : દંડાવાળા ડે. કમિશનર સિંઘની આગેવાનીમાં સ્કવોડ દ્વારા થશે વેરા વસુલાત

રાજકોટ તા. ૩૧ : આજે નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧નો છેલ્લો દિવસ છે ત્યારે મ.ન.પા.ની મિલ્કત વેરા આવક ગત વર્ષની સરખામણીએ વધુ હોવાનું સ્પષ્ટ થયું છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે ૨૦૨૦માં કોરોનાને કારણે ત્રણથી ચાર મહીના માટે સજ્જડ લોકડાઉનને કારણે પ્રત્યેક ઘરમાં આર્થિક તંગી હતી. ધંધા રોજગારોમાં મંદી આ બધા કારણોને લઇને મ.ન.પા.ની વેરા આવકમાં ગાબડુ પડશે પરંતુ શહેરનાં પ્રમાણિક કરદાતાઓએ આર્થિક તંગી અને મંદીના માહોલમાં પણ તંત્રની તિજોરી છલકાવી અને આજે વર્ષના છેલ્લા દિવસ સુધીમાં ૧૯૧ કરોડ જેટલી વેરા આવક નોંધાઇ છે.

જો કે વેરા આવકનો લક્ષ્યાંક ૨૪૮ કરોડ નિશ્ચિત થયેલ તેથી લક્ષ્યાંક સુધી પહોંચવામાં ૫૦ કરોડથી વધુનું છેટુ રહી ગયું છે પરંતુ ગત નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦ના અંતે ૧૮૯ કરોડની વેરા આવક થયેલ તેની સરખામણીએ કોરોના કાળની મંદીમાં ૧૯૧ કરોડની આવક સારી કહેવાય. કેમકે આ વર્ષે તંત્રએ બાકી વેરો વસુલવામાં પણ સંવેદનાપૂર્વક મર્યાદા રાખી હતી, મિલ્કત સીલની કામગીરી છેલ્લા ૧૫ દિવસ જ કરી, હરરાજીની કામગીરી કરી જ નથી. આથી જે આવક થઇ છે તે મોટાભાગે લોકોએ સામે ચાલીને સ્વૈચ્છીક રીતે વેરો ભર્યો છે તેના થકી જ થઇ છે.

દરમિયાન હવે આવતા નાણાકિય વર્ષ ૨૦૨૧-૨૨નો ૩૪૦ કરોડનો વેરા વસુલાતનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે એપ્રિલ મહીનાથી જ મોટા બાકીદારો પાસેથી વેરો વસુલવા ઝુંબેશ શરૂ કરવા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે કટીબધ્ધતા દર્શાવી છે.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, બજેટમાં જે મુજબ રિકવરી સેલની જોગવાઇ થઇ છે તે રિકવરી સેલ એપ્રિલથી જ કાર્યરત થઇ જશે. આ 'સેલ' ફકત વેરા વસુલવાની કામગીરી કરશે. માત્ર મિલ્કત વેરો નહી પરંતુ હોર્ડીંગ્સ ચાર્જ, વ્યવસાય વેરો વગેરે તમામ પ્રકારના વેરાની ઉઘરાણીની કાર્યવાહી ચાલુ જ રાખશે.

આ રિકવરી સેલના મુખ્ય અધિકારી તરીકે દંડાવાળા સાહેબ તરીકે ઓળખાતા ડે. કમિશનર એ.કે.સિંઘને જવાબદારી સુપ્રત કરાશે.

(3:20 pm IST)