Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રાજકોટ મ્યુ.કોર્પોરેશનના સહયોગથી

કાલે ગુજરાત બેંક વર્કર્સ યુનિયન ખાતે બેંકર્સ તથા પરિવારજનો માટે ફ્રી કોરોના વેકસીન પ્રથમ ડોઝનો કેમ્પ યોજાશે

સવારે ૧૧ થી ર દરમ્યાન ૪પ થી ઉપરની ઉંમરના બેંક કર્મચારીઓ-પરિવારજનોને રસી અપાશે

રાજકોટ તા. ૩૧: રાજકોટ મ્યુ.કોર્પોરેશનના સહયોગથી આવતીકાલે સવારે ૧૧ થી ર દરમ્યાન ગુજરાત બેંક વર્કર્સ યુનિયન ઓફીસ, રાહબર, ૮-જાગનાથ પ્લોટ, જાગનાથ મંદિરની પાછળ, રાજકોટ ખાતે બેંક કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે વિનામુલ્યે કોરોનાની રસી આપવાનો કેમપ યોજવામાં આવ્યો હોવાનું યુનિયનના સહમંત્રી ચંદ્રકાંત સુચકની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

યાદીમાં જણાવાયા અનુસાર ૪પ થી ઉપરની વયના બેંક કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. આ માટે લાભાર્થીએ પોતાનું આધાર કાર્ડ લાવવું જરૂરી રહેશે. રસી લીધા પછી અડધી કલાક સુધી ઓબઝર્વેશન માટે બેસવાનું રહેશે. રસીકરણનો લાભ લેનારને યુનિયન તરફથી વિના મુલ્યે ચા/કોફી તથા બિસ્કીટનું રીફ્રેેશમેન્ટ પણ આપવામાં આવશે.

યુનિયન દ્વારા બેંક કર્મચારીઓ માટે આ અગાઉ રકતદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં રકત એકઠું કરવામાં આવ્યું હતું. એટલું જ નહી યુનિયન દ્વારા વર્ષ દરમ્યાન યુનિયન પ્રવૃતિની સાથે સાથે અનેકવિધ સમાજલક્ષી કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે.

આ રસીકરણ કેમ્પમાં બહોળી સંખ્યામાં ઉમટી પડવા યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીએ બેંક કર્મચારીઓને અપીલ કરી છે.

(3:06 pm IST)