Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

માંડા ડુંગર ભીમરાવનગરના ''ખુન કા બદલા ખુન''ના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૩૧: શહેરના આજી ડેમ પાસે આવેલ માંડા ડુંગરના ભીમરાવનગરમાં 'ખૂન કા બદલા ખૂન'ની ઘટનામાં દલીત યુવાન ભરત નાથાભાઇ મકવાણાને વિસ્તારમાં નાગબાઇ માતાજીના મંદિરના દરવાજે છરીના ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દેવાના ગુન્હામાં પકડાયેલ આરોપીના જામીન સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, બનાવના એકાદ વર્ષ પહેલા ગુજરનાર તથા તેના ભત્રીજાએ ભેગા મળી આરોપી ઇશ્વર ઉર્ફે ઇશુ કેશુભાઇ મકવાણાના ભાઇ મોરારી મકવાણાની સાથે માથાકુટ કરી મોરારીને છરીના ઘા મારી હત્યા કરેલ હોય જે બાબતનો ખાર રાખી ગુજરનાર ભરત નાથાભાઇ મકવાણા મોરારીના ખૂનના ગુન્હામાં જામીન મુકત થતાં તેના ખૂનનો બદલો લેવા આરોપી (૧) ઇશ્વર ઉર્ફે કેશુભાઇ મકવાણા રહે. રાજકોટ, (ર) અનીલ ઉર્ફે અનીશ લક્ષ્મણભાઇ પરમાર રહે. રાજકોટ તથા (૩) ભરત ઉર્ફે રોહીત ભુપતભાઇ બારૈયા રહે. રાજકોટવાળાઓએ ગુજરનારની રેકી કરી તે ઘરની બહાર નીકળતાની સાથે જ છરી અને પથ્થરો વડે આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ કરતા ગુજરનારનું મૃત્યુ નિપજેલ જેની ફરિયાદ નિર્મળાબેન ભરતભાઇ મકવાણાએ આજીડેમ પોલીસ મથકમાં આપતા પોલીસ દ્વારા ઇ.પી.કો. કલમ-૩૦ર વિગેરે તથા એટ્રોસીટી એકટની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવેલ હતો. તેમજ સમગ્ર બનાવ મંદિર નજીકની દુકાનના સી.સી.ટી.વી. કેમેરામાં રેકર્ડ થઇ જતાં પોલીસે નજરે જોનાર સાહેદો તથા સી.સી.ટી.વી. ફૂટેજમાં કંડારાયેલ ઘટનાક્રમના આધારે આરોપીઓને પકડી જેલ હવાલે કરેલ હતા.

ગુન્હામાં એટ્રોસીટીની કલમ પણ લગાવેલ હોય સમગ્ર મામલાની તપાસ મદદનીશ પોલીસ કમીશ્નર દ્વારા ચલાવવામાં આવેલ અને આરોપીઓને ખુનના ગુન્હામાં ધરપકડ કરી જેલ હવાલે કરતા આરોપી ભરત ઉર્ફે રોહીત ભુપતભાઇ બારૈયાએ જેલમાંથી છુટવા માટે રાજકોટની સેશન્સ અદાલતમાં તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત વિગતવાર કારણો દર્શાવી જામીન અરજી દાખલ કરેલ હતી.

કોર્ટે બન્ને પક્ષકારોની દલીલોના અંતે સેશન્સ અદાલતે આરોપી તરફે થયેલ દલીલો ગ્રાહય રાખી આરોપી ભરત ઉર્ફે રોહીત ભુપતભાઇ બારૈયાને અદાલતની પરવાનગી વિના ગુજરાત રાજયની હદ ન છોડવાની તથા અન્ય શરતોને આધીન જામીન મંજુર કરેલ હતા.

આ કામનાં આરોપી ભરત ઉર્ફે રોહીત બારૈયા વતી જાણીતા ધારાશાસ્ત્રી શ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધરાંગીયા, કૃણાલ વિંધાણી, ઇશાન ભટ્ટ રોકાયેલ છે.

(3:05 pm IST)