Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

કારીગરને આપઘાતની ફરજ પાડવા અંગે પકડાયેલ કારખાનેદારનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા.૩૧ : કારખાના ના માલિક સામે કારીગરની માતાએ પુત્રને આપઘાતની ફરજ પાડવા અંગેની કરેલી ફરીયાદનાં ગુનામાંથી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો સેશન્સ અદાલતે હુકમ કર્યો હતો.

રાજકોટનાં નવા થોરાળા વિસ્તારમાં આવેલા ન્યુ વિજયનગર રહેતા હિરૂબેન દેવજીભાઇ રાઠોડ એ રાજકોટમાં રહેતા કારખાનેદાર ભાવેશભાઇ કાનજીભાઇ સાગઠીયા સામે એક ફોજદારી ફરીયાદ રાજકોટનાં થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ. એમા જણાવ્યા પ્રમાણે, પોતાનો પુત્ર મુકેશ, ભાવેશભાઇનાં કારખાનામાં કામ કરતો હતો અને તેના પુત્રએ એમ જણાવેલ કે તેણે પોતાના શેઠ પાસે  રૂ.ત્રીસ હજાર લોન પેટે લીધેલ છે જે પરત લેવા માટે તેના શેઠ અવાર નવાર તેઓને માર મારવાની ધમકી આપતા અને કહેતા કે તે રૂ.ત્રીસ હજારના બદલે હવે રૂ.સાંઠ હજાર ચુકવવા પડશે જેથી તેઓની ધમકી થી ડરીને તેઓનાં પુત્ર મુકેશ એ પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને સળગીને આત્મહત્યા કરેલ છે. આથી પોલીસએ કારખાનાદાર સામે આઇપીસી ની કલમ ૩૦૬ અને પ૦૬(૧) મુજબનો ગુનો દાખલ કરેલ અને તપાસનાં અંતે તપાસ કરનાર પોલીસ અધિકારીશ્રી એ કારખાનેદાર ભાવેશભાઇ કાનજીભાઇ સાગઠીયા સામે ચાર્જશીટ રજુ કરેલ હતુ.

સદરહંુ કેસ તાજેતરમાં સેશન્સ જજ શ્રી પરવીનકુમાર સતીષકુમારની કોર્ટમાં ચાલેલ. આ કેસમાં સરકાર તરફે ગુજરનારના કુટુંબીજનો, પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરશ્રી, ડાઇંગ ડેકલેરેશન લેનાર મામલતદારશ્રી અને પોલીસ અધિકારીશ્રીઓને સાહેદો તરીકે તપાસવામાં આવેલ.

આ પ્રમાણેની હકીકતોનાં પુરાવા સેશન્સ કોર્ટ સમક્ષ રજુ થતા સેશન્સ જજ શ્રી પરવીનકુમાર સતીષકુમાર એ બચાવ પક્ષ તરફથી રજુ થયેલ ડાઇંગ ડેકલેરેશન અંગેનાં સુપ્રીમ કોર્ટ અને અલગ અલગ હાઇકોર્ટનાં જજમેન્ટોને ધ્યાનમાં લઇને અને બચાવ પક્ષ તરફથી કરવામાં આવેલી મૌખીક દલીલોને ધ્યાનમાં લઇને કારખાનેદાર ભાવેશભાઇ કાનજીભાઇ સાગઠીયાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં કારખાનેદાર ભાવેશભાઇ કાનજીભાઇ સાગઠીયાનાં એડવોકેટ તરીકે  શ્રી અશ્વિન જે.પોપટ, રાજીવ એચ. બેડવા અને કલ્પેશ એન. વાઘેલા રોકાયેલા હતા.

(4:18 pm IST)