Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

દેના બેંકની કરોડોની રકમ ઓળવી જવા અંગેના ગુન્હામાં

પિતૃકૃપા કોટન ઈન્ડસ્ટ્રીઝના ભાગીદારોને જામીન પર છોડવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ

રાજકોટ, તા. ૩૧ :. તાજેતરમાં સમગ્ર ભારત દેશમાં વધી રહેલ નોનપર્ફોમીંગ એકાઉન્ટ (એન.પી.એ.) તેમજ બેન્કોના કરોડો રૂપિયા ઓળવી જવાના કિસ્સાઓ સમગ્ર ભારત દેશમાં બની રહેલ હોય, તે સમયમાં કાગદડી ગામે આવેલ પિતૃકૃપા કોટન ઈન્ડસ્ટ્રીઝના ભાગીદારોએ રકમ રૂ. ૭,૨૫,૫૨,૨૭૭ ઓળવી જઈ ગુન્હાહીત વિશ્વાસઘાત આચરી ફોર્જરી આચરવાના ગુન્હામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા (૧) દિનેશ ઠાકરશીભાઈ લીંબાસીયા, (૨) ભરત ઠાકરશીભાઈ લીંબાસીયા, (૩) હિતેષ ઠાકરશીભાઈ લીંબાસીયાનાઓને રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો રાજકોટ શહેરમાં રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ દેના બેન્કના બ્રાંચ મેનેજર રાજુલ હાથી દ્વારા રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરીયાદ નોંધાવવામાં આવેલ કે, કાગદડી મુકામે આવેલ પિતૃકૃપા કોટન ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર જેન્તીભાઈ લીંબાસીયા, નાગજીભાઈ લીંબાસીયા, દિનેશભાઈ લીંબાસીયા, ભરતભાઈ લીંબાસીયા, હિતેષભાઈ લીંબાસીયાનાઓએ ગુનાહીત કાવત્રુ રચી બેન્કમાંથી છ કરોડની સી.સી. તથા રૂ. ૧,૪૧,૦૦,૦૦૦ની ટર્મ લોન મળી રૂ. ૭,૪૭,૦૦,૦૦૦ની લોન લીધેલ અને નિયમીત રીતે ઉત્પાદન પ્રક્રિયા કરશે અને નિયમિત રકમ ભરશે તેવા વચન, વિશ્વાસ આપી કુલ રકમ રૂ. ૭,૨૫,૫૨,૨૭૦ અને તે ઉપર બાકી નીકળતી વ્યાજની રકમ બેન્કમાં ભરપાઈ ન કરી અંગત ઉપયોગમાં લઈ ઉત્પાદન પ્રક્રિયા બંધ કરી સ્ટોક અંગે ખોટા સ્ટેટમેન્ટ તેમજ ઉઘરાણી અંગેના ખોટા સ્ટેટમેન્ટો બનાવી તે ખોટા હોવાનું જાણતા હોવા છતા ખરા તરીકે બેન્કમાં રજુ કરી એકબીજાને મદદગારી કરી બેન્ક સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત આચરી ગુનો કરેલ સંબંધે ફરીયાદ આપવામાં આવેલ.

ઉપરોકત ગુનાના કામેના આરોપીઓ પૈકી (૧) દિનેશ ઠાકરસીભાઈ લીંબાસીયા (૨) ભરત ઠાકરશીભાઈ લીંબાસીયા (૩) હિતેષ ઠાકરશીભાઈ લીંબાસીયાનાઓએ રેગ્યુલર જામીન પર મુકત થવા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતા તમામ સંજોગો અને હકીકતો ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત ત્રણેય અરજદારો વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા તથા હાઈકોર્ટમાં પ્રતિકભાઈ જશાણી રોકાયેલ હતા.(૨-૧૮)

(4:18 pm IST)