Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

બેટી પાસે 'હિટ એન્ડ રન': રાજકોટના બે લુહાર યુવાનના મોત

કોઠારીયામાં રહેતાં બે મિત્રો નિકુંજ જાલકા (ઉ.૨૫) અને સતિષ મકવાણા (ઉ.૨૦) પૂનમ ભરવા ચોટીલા જતા'તાઃ અજાણ્યો કાર ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી ગયોઃ સતિષ મુળ બાટવાનો વતનીઃ પરિવારજનોમાં શોકની કાલીમા

સતિષ બે બહેનનો એક જ ભાઇ હતોઃ નિકંજ બે ભાઇ અને એક બહેનમાં વચેટ : અકસ્માતમાં કાળનો કોળીયો બનેલા બંને લુહાર મિત્રો મંડપ સર્વિસમાં લુહારી કામ કરતાં હતાં. નિકુંજ કોઠારીયામાં અને સતિષ માંડા ડુંગર પાસે રહેતો હતો. કરૂણતા એ છે કે સતિષ બે બહેનનો એકનો એક નાનો ભાઇ અને પરિવારનો આધાર હતો. જ્યારે નિકુંજ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. બંને અપરિણીત હતાં. કુવાડવા પોલીસે મૃતક નિકુંજના મોટાભાઇ મયુરભાઇની ફરિયાદ નોંધી છે. તસ્વીરમાં નિકુંજનો ફાઇલ ફોટો તથા તેનો નિષ્પ્રાણ દેહ અને સતિષનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ રમેશભાઇ સોઢા-કુવાડવા)

 

રાજકોટ તા. ૩૧: રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવાથી આગળ બેટી ગામ નજીક અજાણ્યો કાર ચાલક બાઇકને ઠોકરે લઇ નાશી જતાં બાઇકસ્વાર રાજકોટના બે લુહાર યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. આ બંને મિત્રો  પૂનમ ભરવા માટે ચોટીલા જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં કાળ ભેટી ગયો હતો. જુવાનજોધ કંધોતરોના મોતથી બંનેના સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ કોઠારીયા ગામના ગેઇટ પાસે માનવ એપાર્ટમેન્ટમાં રહેતો નિકુંજ કાંતિભાઇ જીલકા (ઉ.૨૬) નામનો લુહાર યુવાન અને નજીકમાં જ રહેતો તેનો મિત્ર સતિષ ગિરીશભાઇ મકવાણા (ઉ.૨૦) નામનો લુહાર યુવાન આજે પૂનમ હોવાથી ચોટીલા દર્શન કરવા જવા ઘરેથી બપોરે બાઇક નં. જીજે૩એફકે-૬૨૩૬ લઇને નીકળ્યા હતાં.

બંને મિત્રો કુવાડવાથી આગળ બેટી કુચીયાદળ વચ્ચે આર. કે. ઇન્ડસ્ટ્રીઝ સામે   પહોંચ્યા ત્યારે પાછળથી કોઇ કારનો ચાલક બાઇકને ઉલાળીને ભાગી ગયો હતો. બંને મિત્રો રોડ પર ફેંકાઇ જતાં સતિષનો મોઢાનો ભાગ છુંદાઇ ગયો હતો અને નિકુંજને કમરના નીચેના ભાગે ગંભીર ઇજા થઇ હતી.

અકસ્માતના બનાવની જાણ થતાં ૧૦૮ના ઇએમટી ધનજીભાઇ પરમાર અને પાઇલોટ કિરીટસિંહે પહોંચી તપાસ કરતાં બંને યુવાનના મૃત્યુ થયાનું જણાતાં પોલીસને જાણ કરી હતી. કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. પી. સી. મુલીયા, એએસઆઇ રાયધનભાઇ ડાંગર, કોન્સ. નિલેષભાઇ અને હેમતભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મૃત્યુ પામનાર બંને મિત્રો હતાં. જેમાં સતિષ મુળ બાંટવાનો વતની હતો અને લુહારી કામ કરતો હતો. નિકુંજ પણ લુહારી કામ કરતો હતો. તે અપરિણીત અને બે ભાઇમાં મોટો હતો. અકસ્માત સર્જી નાશી ગયેલા વાહનને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૯)

(3:56 pm IST)