Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

સૂરજસિંહ રાઠોડને શ્રેષ્ઠ પ્રિન્સીપાલનો એવોર્ડ

૨૨મી એપ્રિલે ન્યુ દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ અપાશેઃ આર્ય વિદ્યાપીઠના સૂરજસિંહ કહે છે આ સ્કુલના શિક્ષકો મગજ છે, વાલીઓ હૃદય છે અને વિદ્યાર્થીઓ આત્મા છે : ટી-શર્ટ, જીન્સનો ડ્રેસકોર્ડ સૌપ્રથમ અમલ કરેલો

રાજકોટ, તા. ૩૧ : આર્ય વિદ્યાપીઠના શ્રી સૂરજસિંહ રાઠોડની શ્રેષ્ઠ પ્રિન્સીપાલના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ન્યુ દિલ્હી ખાતે તા.૨૨ એપ્રિલના એ. કે. એસ. સંસ્થા દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાઈલી એફીશ્યન્ટ પ્રિન્સીપાલનો એવોર્ડ એનાયત કરી અભિવાદન કરાશે. રાજકોટને ગૌરવ અપાવવાની સાથે સંસ્થાની યશ કલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે.

 

રાજકોટમાં છેલ્લા ૧૫ વર્ષથી વિદ્યાર્થીઓને ગુણવતાલક્ષી શિક્ષણ આપવાની સાથોસાથ તેઓમાં સારા સંસ્કારોનું સિંચન કરતા આર્ય વિદ્યાપીઠના પ્રિન્સીપાલ સૂરજસિંહ રાઠોડની રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ પ્રિન્સીપાલના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જેના પગલે આર્ય વિદ્યાપીઠની યશ કલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. તેની સાથો સાથ શ્રી રાઠોડે સૌરાષ્ટ્રના પાટનગરસમા રાજકોટ અને શિક્ષણ જગતને ગૌરવ અપાવેલ છે.

ન્યુ દિલ્હીની એ. કે. એસ. (એલર્ટ નોલેજ સર્વિસ) નામની સંસ્થા દ્વારા આર્ય વિદ્યાપીઠના સૂરજસિંહ રાઠોડને શ્રેષ્ઠ પ્રિન્સીપાલ - હાઈલી ઈફેકટીવ પ્રિન્સીપાલનો આ એવોર્ડ આગામી તા.૨૨ એપ્રિલના રોજ ન્યુ દિલ્હી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજીત સમારોહમાં એનાયત કરવામાં આવનાર છે.

અહીં ઉલ્લેખનીય છે કે આર્ય વિદ્યાપીઠમાં ધો. ૧ થી ૧૦ સુધીનો અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ સંસ્થામાં પ્રિન્સીપાલ સૂરજસિંહ રાઠોડના નેજા હેઠળ વિદ્યાર્થીઓને ગુણવતાલક્ષી શિક્ષણની સાથોસાથ તેઓના સર્વાંગી વિકાસની અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેના પગલે શિક્ષણ અને રમતોત્સવમાં આ શૈક્ષણિક સંસ્થા વખતોવખત રાજય અને રાષ્ટ્રીય લેવલે ઝળહળતી રહી છે.

આ સંસ્થાની વિદ્યાર્થીનીએ કરાટે ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ હાંસલ કરેલ છે. તેમજ તાજેતરમાં રમતોત્સવમાં આ સંસ્થા જીલ્લા કક્ષાએ તૃતીય સ્થાન હાંસલ કરતા મ્યુ. કોર્પો. દ્વારા સંસ્થાને ૧૦ હજારનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આર્ય વિદ્યાપીઠના શ્રેષ્ઠ પ્રિન્સીપાલના એવોર્ડ વિજેતા સૂરજસિંહ રાઠોડે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતું કે હું એક પ્રતિનિધિ માત્ર છું. આર્ય સ્કુલના શિક્ષકો મગજ છે, વાલીઓ હૃદય છે, અને વિદ્યાર્થીઓ આત્મા છે. ખરેખર તો આ હાઈલી ઈફેકટીવ પ્રિન્સીપાલ આર્ય સ્કુલ ફેમીલીનું સેલીબ્રેશન છે. સૂરજસિંહ રાઠોડ એક પ્રતિનિધિ છે. તેઓએ જણાવ્યુ હતું કે ૨૦ વર્ષથી અભ્યાસક્રમની પદ્ધતિમાં કોઈ મોટો બદલાવ આવેલ નથી. તેઓએ વિદ્યાર્થીઓને ગુણવતાલક્ષી શિક્ષણ પર ખાસ ભાર મૂકયો હતો. એ. કે. એસ. સંસ્થા દ્વારા રાજકોટમાંથી માત્ર એક જ આર્ય વિદ્યાપીઠના પ્રિન્સીપાલ સૂરજસિંહ રાઠોડની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આ શૈક્ષણિક સંસ્થા આર્ય વિદ્યાપીઠ દ્વારા સૌ પ્રથમ ટી-શર્ટ અને જીન્સનો ડ્રેસ કોડ અમલી બનાવાયો હતો. શ્રી સૂરજસિંહને મિત્રો વર્તુળો તરફથી મો. ૯૭૩૭૭ ૨૦૦૦૩ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.(૩૭.૧૦)

(2:52 pm IST)