Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

હનુમંત ભકિતમાં રાજકોટ થયુ ઓળઘોળ

''પ્રેમ પ્રિતિ ધરકે ભજે, સદા ધરે ઉર ધ્યાન, તેહિકે કારજ સકલ શુભ, સિધ્ધ કરે હનુમાન'': હનુમાન જયંતિની ઉમંગ આસ્થાભેર ઉજવણી : શોભાયાત્રા દરમિયાન માર્ગો દાદાના જય જયકારથી ગુંજી ઉઠયા : ઠેર ઠેર પાઠ, પૂજન, આરતી મહાપ્રસાદના આયોજન

રાજકોટ તા. ૩૧ : જેમના દેહ પર તેલ અને સિંદુર ચડાવવાથી રીઝી ઉઠે એવા દેવ હનુમાનજી મહારાજની આજે જન્મ જયંતિ હોય રાજકોટ હનુમંત ભકિતમાં ઓળઘોળ બન્યુ છે. ચોમેર હનુમાન દાદાના પાઠ, પૂજન, આરતીના કાર્યક્રમો ચાલી રહ્યા છે. સવારે શોભાયાત્રાનું પણ આયોજન થતા માર્ગો દાદાના જય જયકારથી ગુંજી ઉઠયા હતા. બટુક ભોજન, મહાપ્રસાદ તેમજ રાત્રે ભજન સંતવાણીના કાર્યક્રમો પણ ગોઠવાયા છે. શહેરભરમાં આયોજીત વિવિધ કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

ચિત્રકુટધામ રામજી મંદિર

ભકિતનગર સોસાયટી શેરી નં. ૧૨, ધર્મજીવન સોસાયટી શેરી નં. ૪ ખાતે આવેલ શ્રી ચિત્રકુટધામ રામજી મંદિરે ચાલતા સત્સંગ મંડળ દ્વારા સંગીતમય સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસાના પાઠ તેમજ ધુન ભજન આજે હનુમાન જયંતિના દિવસે શનિવારે સાંજે ૬ થી ૯  રામ ઝરોખા મંદિર (મહંત શ્રી ભગવાનદાસજી), કોઠારીયા નાકા ચોક, ખીજડાવાળા મામા પાસે રાખેલ છે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા નીજ મંદિરવતી મહંતશ્રી ગોકર્ણદાસજી મહારાજ અને શ્રીરામ ઝરોખા મંદિરના ભગવાનદાસજી મહારાજે અનુરોધ કરેલ છે.

દયાળુ હનમાનજી મંદિર

સાધુવાસવાણી રોડ પર સન સીટી એપાર્ટમેન્ટ સામે આવેલ શ્રી દયાળુ હનુમાનજી મહારાજ મંદિરે આજ હનુમાન જયંતિ નિમિતે શ્રી બાલાજી ગ્રુપ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ રામધુન સાંજે ૬ વાગ્યે તેમજ રાત્રે ૮ થી મહાપ્રસાદ રાખેલ છે.

દયાસાગર હનુમાન

જામનગર રોડ સાંઢીયા પુલ પાસે લોકો કોલોનીમાં બીરાજતા શ્રી દયા સાગર હનુમાન મંદિરે આજે હનુમાન જયંતિ નિમિતે હોમાત્મક મહાયજ્ઞ રાખવામાં આવ્યો હતો. બાલાજી ગ્રુપના હનુમાન ચાલીસા પાઠ સાંજે ૬ વાગ્યે તેમજ રાત્રે ૮ વાગ્યે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.

મનોકામના સિધ્ધ હનુમાન

સંત શિરોમણી ભોલેબાબા ગ્રુપ (જોડીયાધામ) સુંદરકાંડ ગાયક સોની અલ્કેશભાઇ ગ્રુપ દ્વારા મંગળારોડ મનોકામના સિધ્ધ હનુમાન (શારદારોડ) મિત્ર મંડળ દ્વારા સાંજે ૭.૩૦ વાગ્યે સુંદરકાંડના પાઠ રાખેલ છે.

મહાવીર હનુમાન ગાંધીગ્રામ

ગાંધીગ્રામ, જીવંતીકાનગર શેરી નં. ૧/૪ ના ખુણે બટુક મહારાજની ગૌશાળામાં આવેલ શ્રી મહાવીર હનુમાન મંદિરે  હનુમાન જયંતિની ધામધુમથી ઉજવણી ચાલી રહી છે. દાદાના પાઠ, પૂજન કરી વિશેષ આરતી કરી આખો દિવસ માઇક પર હનુમાન ચાલીસા અને ધુનની સુરાવલીઓ રેલાવી  રેલાવવામાં આવી હતી. સાંજે બાળકો માટે બટુક ભોજન અને મહાપ્રસાદ રાખેલ  છે.

દામોદર હનુમાન મંદિર

જંકશન પ્લોટ ૧૫ ખાતે આવેલ શ્રી દામોદર હનુમાન મંદિરે આજે હનુમાન જયંતિ  નિમિતે સાંજે મહાઆરતી અને બાદમાં બટુક ભોજન રાખેલ છે. ધર્મપ્રેમીજનોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

ભીલવાસના રોકડીયા હનુમાન મંદિરે રાત્રે સંતવાણી

રાજકોટ : ભીલવાસ ચોકમાં આવેલ શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે આજે રાત્રે ૯ વાગ્યાથી સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં સુધીરભાઈ મકવાણા, ધુલાભાઈ અને ભુપતભાઈ જમાવટ કરશે. ધર્મપ્રેમીઓએ લાભ લેવા યુવા શકિત સેવા સંઘ દ્વારા અનુરોધ કરાયો છે.

હનુમાન જયંતિ અને શનિવારનો સંયોગ

રાજકોટ, તા. ૩૧ : આજે શનિવાર અને હનુમાન જયંતિનો સંયોગ છે.  શનિવાર એ હનુમાનજીનો પ્રિય વાર છે અને હનુમંત ઉપાસના માટે શનિવારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હનુમાન જયંતિ મંગળવાર અને શનિવારે આવે તે શુભ ગણાય છે. હનુમાન જયંતિના દિવસે પ્રથમ રામ, લક્ષ્મણ અને જાનકીની પૂજા કર્યા બાદ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

આ દિવસે સાધના સિદ્ધિ માટે ઉપયોગી છે. વીર હનુમાન એટલે બળ, બુદ્ધિ, નિષ્ઠા, ઉત્તમ સેવક, શ્રેષ્ઠ સૈનિક, કુશળ સેનાપતિ, મુત્સદ્દી રાજદૂત અને અનન્ય ભકત. ભગવાન શિવનો અવતાર ગણાતા હનુમાનજીની પૂજા મંગળવારે અને શનિવારે કરવાનો વિશિષ્ટ મહિમા છે.

એવી માન્યતા છે કે હનુમાન જયંતિના દિવસે હનુમાનજી સાથે જોડાયેલી કોઇ પણ આરાધના સાધક કે ભકત માટે વિશેષ ફળદાયી સાબિત થાય છે.

 

(2:50 pm IST)