Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

આજી વસાહત રામનગરમાં કારખાના માલિકના ઝઘડામાં વચ્ચે પડતાં હસમુખ કોળીને છરીના ઘા

સોહિલ, મહેશે હુમલો કર્યોઃ સામા પક્ષે સોહિલની પણ ધીરૂ પટેલ, વલ્લભ પટેલ અને બે અજાણ્યા સામે ફરિયાદઃ ધીરૂ પટેલે સોહિલના નામે પૈસાની ઉઘરાણી કરવા માણસ મોકલતાં ડખ્ખો થયો

રાજકોટ તા. ૩૧: આજી વસાહતના રામનગરમાં પટેલની જગ્યા ભાડેથી રાખી તેમાં બફનું કારખાનુ ચલાવતાં કોળી યુવાન પર મુસ્લિમ શખ્સ અને તેની સાથેના શખ્સે છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચડતાં દાખલ કરાયો છે. કોળી યુવાનના કહેવા મુજબ કારખાનાના માલિક પટેલ યુવાનને મુસ્લિમ શખ્સ સાથે રૂપિયા બાબતે માથાકુટ થઇ હોઇ પોતે ડખ્ખામાં વચ્ચે પડતાં પોતાના પર હુમલો થયો હતો. સામા પક્ષે મુસ્લિમ યુવાને પણ પટેલ કારખાનેદાર બંધુ સહિત ચાર સામે ફરિયાદ કરી છે.

ગંજીવાડા-૩માં રહેતાં હસમુખ ધીરૂભાઇ ગોવાણી (ઉ.૩૨) નામના કોળી યુવાનને સાંજે પેટ-પડખામાં ગંભીર ઇજા થયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. થોરાળાના પી.એસ.આઇ. એમ.એફ. ડામોર અને નારણભાઇ શિરોલીયાએ તેની ફરિયાદ પરથી સોહિલ અને મહેશ (સંત કૃપા ઇન્ડસ્ટ્રીઝ) સામે ગુનો નોંધ્યો હતો.

હસમુખે જણાવ્યું હતું કે મેં આજી વસાહત રામનગરમાં ધીરૂભાઇ પટેલ અને તેના ભાઇ વલ્લભભાઇ પટેલની જગ્યા ભાડેથી રાખી છે અને તેમાં બફનું કામ કરુ છું. ગત સાંજે ધીરૂભાઇ પટેલને ખોડિયારનગર કાનાભાઇના મફતીયાપરામાં રહેતાં સોહિલ ઉર્ફ સોયલો ચાનીયા સાથે માથાકુટ થઇ હતી. તે હુમલો કરવા આવતાં પોતે વચ્ચે પડતાં પોતાને છરીના ઘા ઝીંકી દેવાયા હતાં.

સામા પક્ષે સોહિલ ઉર્ફ સોયલો કાસમભાઇ ચાનીયા (ઉ.૩૫)એ પણ ધીરૂ પટેલ અને વલ્લભ પટેલ તથા બે અજાણ્યા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. સોહિલે જણાવ્યું હતું કે ધીરૂ પટેલે મારા નામથી તેના કોઇ માણસને રમેશભાઇના ઘરે પૈસાની ઉઘરાણી કરાવા મોકલ્યા હતાં. આ બાબતે મેંતેને વાત કરી મારા નામે કોઇને મોકલવા નહિ તેમ કહેતાં બંને ભાઇઓ સહિત ચાર જણાએ ઝઘડો કરી પાઇપ-છરીથી હુમલો કરતાં હથેળીમાં ઇજા થઇ હતી. પોલીસે સોહિલ અને ધીરૂ અને વલ્લભને સકંજામાં લીધા છે. ૧૪.૬)

(2:15 pm IST)