Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

બળીયા દેવ બજરંગબલીના જન્મોત્સવના વહાલથી વધામણા

જય હનુમાન જ્ઞાનગુણ સાગર જય કપિશ તીહુ લોક ઉજાગર, રામદુત અતુલિત બલધામા અંજની પુત્ર પવનસુત નામાઃ બાલાજી મંદિરે ભાવિકોનો સમુંદર ઘુઘવ્યો : દર્શનથી ભાવિકો રસતરબોળ

રાજકોટ : રામભકત હનુમાનજી મહારાજની આજે જન્મ જયંતિ હોય રાજકોટ હનુમંત ભકિતમાં ઓળઘોળ બન્યુ છે. સમગ્ર શહેરમાં આવેલ શ્રી હનુમાનજીના મંદિરો અને દેરીઓને ફુલ અને રોશનીના અનેરા શણગાર કરાયા છે. સવારથી હનુમાન ચાલીસા, પાઠ, પૂજન, સ્તુતી ધૂન ભજનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ગુંદી ગાંઠીયાનું જાણે ચલણ બની ગયુ હોય તેમ હનુમાન જયંતિ હોય અને ગુંદી ગાંઠીયાની પ્રસાદી ન મળે તો થોડુ નવાઇ પામવા જેવું બની રહે છે. આપણે ત્યાં હનુમાન જયંતિ નિમિતે કયાંક સવારે તો કયાંક સાંજે બટુક ભોજનમાં બાળકોને ગુંદી ગાંઠીયા પીરસવામાં આવે છે. તો મોટા લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થામાં પણ અન્ય વ્યંજનો ભલે હોય પણ ગુંદી ગાંઠીયા તો અચુક પીરસવામાં આવે જ! એટલે ગુંદી ગાંઠીયાનો સ્ટોક કરવા હનુમાન જયંતિના પૂર્વ દિવસથી જ તાવડા ધમધમવા લાગે છે. અજનીના જાયાના જન્મદિવસને વહાલથી વધાવવા ભાવિકજનો દ્વારા શહેરભરમાં આયોજીત યજ્ઞ, પૂજન, આરતી કાર્યક્રમોની ઝલક વિવિધ તસ્વીરોમાં જોવા મળે છે.

 

લાખો ભાવિકોનું આસ્થાનું ધામ જાગતા દેવ શ્રી બાલાજી દાદાના દર્શનાર્થે ગઈકાલે મોડી રાત્રીથી ભાવિકોએ કતાર લગાવી હતી. લાખો ભાવિકોએ આજે હનુમાન જયંતિના પાવન કાર્ય દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવી હતી. બાલાજી મંદિરે મારૂતિયજ્ઞ યોજાયો છે. સવારે આરતી બાદ બપોરે મહાઆરતી બાલાજીદાદાનો શણગાર અને રાત્રે મહાઆરતી અને પ્રસાદનું આયોજન થયુ છે. ભાવિકો બાલાજીદાદાના દર્શનથી ખૂબ રસતરબોળ થયા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૩૭.૧૩)

(2:51 pm IST)