Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

કોર્પોરેશનનાં બજેટમાં પ્રજા માથે કરોડોનાં કરબોજો નાંખી ખોટી આવક કરવાની દરખાસ્ત રદ્દ કરોઃ કોંગ્રેસ

બજેટમાં દરખાસ્ત મુકાવીને પછી રદ્દ કરવાનું ભા.જ.પ.નું વર્ષોથી ભજવાતુ નાટક હવે નહીં ચાલેઃ વિપક્ષી નેતા સાગઠિયા, પૂર્વ વિપક્ષ નેતા રાજાણી દ્વારા કમિશ્નર-મેયરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત

પ્રજા માથે કરોડોનો બોજ નાંખવાની બજેટ દરખાસ્તને રદ્દ કરવા વિપક્ષ કોંગ્રેસના પદાધિકારીઓ તથા કોર્પોરેટરોએ મેયર બીનાબેન આચાર્ય તથા કમિશ્નર બંછાનિધિ પાનીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. તે વખતની તસ્વીરમાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા, પુર્વ નેતા અતુલ રાજાણી, ઉપ નેતા મનસુખભાઇ કાલરિયા, પ્રભાતભાઇ ડાંગર, પારૂલબેન ડેર વગેરે દર્શાય છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૩૧: ગઇકાલે મ્યુ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા સ્ટેન્ડીંગ કમિટીને રજુ કરાયેલ ૨૦૫૭ કરોડનાં બજેટમાં નવા વોટરટેક્ષ સહિત ૧૬ાા કરોડનાં નવાં કરબોજાને રદ્દ કરવા વિપક્ષ કોંગ્રેસના પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ ઉગ્ર માંગ ઉઠાવી આ અંગે મેયર બીનાબેન આચાર્ય તથા મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ૨૦૧૯-૨૦ના બજેટમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર અને ભાજપના શાસકોની મીલીભગતથી રાજકોટની પ્રજા ઉપર અંદાજે ૧૮ થી ર૦ કરોડનો કરબોજ નાખવાની તમામ દરખાસ્તને રદ્દ કરવા રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના તમામ કોર્પોરેટરો ઉગ્ર રજુઆત કરીએ છીએ.

રાજકોટની પ્રજા ઉપર મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જે ડ્રેનેજ ચાર્જ, કન્ઝરવન્સી ચાર્જ, વાહન વેરા અને મુખ્ય રોડ પર પાર્કિંગ ચાર્જની દરખાસ્ત કરવામાં આવેલ છે તે શહેરના પ્રજાજનો ઉપર અન્યાય કરતા છે જેની સામે કોંગ્રેસ પક્ષનો વિરોધ છે.

આ તદ્દન ખોટા જ કરબોજ છે અને ખોટા મહેસુલી આવક વધારવાની અન્યાયી દરખાસ્તનો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે ચેતવણી પણ આપી છે કે જો આ કરબોજ રાજકોટની જનતા ઉપર નાંખવામાં આવશે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પડશે.

આ રજુઆતમાં કોર્પોરેટર દિલીપ આસવાણી, પરેશ હરસોડા, હારૂન ડાકોરા, વસંતબેન પાલવી, રવજીભાઇ ખીમસુરિયા, નિર્મળભાઇ મારૂ વગેરે જોડાયા હતા.(૧.૨૬)

 

(4:00 pm IST)