Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

પટેલ દંપતિના આપઘાત કેસમાં એક આરોપીની આગોતરા અરજી મંજુર

બીજા આરોપીની ધરપકડ સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો

રાજકોટ, તા. ૩૧ : વ્યાજખોરોના દબાણથી રાજકોટમાં પટેલ દંપતિએ કરેલ આપઘાતના બનાવમાં આરોપી અનવર અકબરભાઇના હાઇકોર્ટે આગોતરા જામીન મંજુર કર્યા હતાં. જયારે વિજયસિંહ પઢીયારની ધરપકડ સામે સ્ટે આપ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટમાં રહેતા રિદ્ધિબેન પ્રિન્સભાઇ અઘેરાએ ગત તા. ૧૧/૧ર/૧૭ના રોજ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ઓવી ફરીયાદ નોંધાવેલ કે તેમના પિતા હરેશભાઇ શંકરભાઇ મોરડીયા અને રસીલાબેન હરેશભાઇ મોરડીયાએ ગત તા. ૧૦/૧ર/૧૭ના રોજ મોનોસ્ટાર નામની ઝેરી દવા પી લીધેલ છે અને જેના કારણે તેમનું મૃત્યુ નિપજેલ છે. આ આપઘાત તેઓએ વ્યાજખોરોના ત્રાસથી કરેલ છે તેવી ફરીયાદ આઇ.પી.સી. કલમ ૩૦૬ વિગેરે તથા મનીલેન્ડ એકટની કલમો મુજબ નોંધાવેલ હતી.

ફરીયાદીએ સદરહું ફરીયાદમાં વિજયસિંહ પઢારીયા, આકાશ ભાવેશભાઇ, નરેન્દ્રસિંહ, હાર્દિક ભટ્ટી, અનવર માંકડીયા, જીજ્ઞાશા જુગલભાઇ તથા કિશન વિગેરે વિરૂદ્ધ ફરીયાદ નોંધાવેલ હતી અને ફરીયાદમાં જણાવેલ કે આ લોકો પાસેથી ફરીયાદીના ભાઇ જુગલએ મોટી રકમ લીધેલ હતી અને જે રકમ ચૂકવવા અંગે ઉપરોકત આરોપીઓ હરેશભાઇને દબાણ કરતા હોય તેઓ ખૂબજ દબાણમાં આવી ગયેલ અને તેના ભાઇ જુગલભાઇના પત્ની જીજ્ઞાશાબેન એ પોલીસમાં અરજીઓ કરેલ હોય જેના કારણે પણ તેઓ અસહ્ય ત્રાસથી કંટાળી ગયેલ હતા અને જેના કારણે તેઓએ અને તેમના માતા રમીલાબેનએ આપઘાત કરી લીધેલ છે.

સદરહું કામમાં અનવર અકબરભાઇ માળકીયા અને વિજયસિંહ દાનુભા પઢીયારએ રાજકોટની અદાલતમાં આગોતરા જામીન અરજી કરેલ હતી જે જામીન અરજી અદાલતે રદ કરેલ હતી. જે હુકમથી નારાજ થઇ અનવર અકબરભાઇએ પોતાના વકીલ મારફત હાઇકોર્ટમાં અરજી કરેલ અને જણાવેલ કે ગુજરનાર તેઓના સારા સંબંધી થતા હતાં અને તેઓએ કોઇ શારીરિક તથા માનસિક ત્રાસ ગુજરનારને આપેલ ન હતો અને તેઓએ તેમના પરિવારને મદદ કરેલ હતી અને કાયદેસરની રકમ ન ચૂકવવી પડે તે માટે ખોટી ફરીયાદો કરેલ છે. ઉપરાંત વિજયસિંહ પઢીયારએ એવી રજુઆત કરેલ કે કાયદેસરની રકમ અંગે રાજકોટની અદાલતમાં ચેક રીર્ટન થયા અંગેની ફોજદારી ફરીયાદ પણ કરેલ છે અને કાયદેસરની રકમ ન ચૂકવવા માટે ખોટી ફરીયાદ કરેલ છે. તેઓએ કોઇ દુઃખ ત્રાસ આપેલ નથી જેથી સદરહું કામમાં બનાવની હકીકતોને ધ્યાનમાં રાખી અનવર અકબરભાઇને રૂ. ૧૦,૦૦૦/- ના શરતી આગોતરા જામીન મંજુર કરવામાં આવેલ હતા અને વિજયસિંહ પઢીયારને ધરપકડ કરવા સામે સ્ટે આપવામાં આવેલ હતો.

આ કામમાં બચાવપક્ષે અનવર અકબરભાઇ વતી એડવોકેટ આશિષભાઇ ડગલી તથા વિજયસિંહ પઢીયાર વતી એડવોકેટ વિરાટભાઇ પોપટ, ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાસુ પારેખ, વિજયસિંહ જાડેજા, જયવીર બારેૈયા, મીલન જોષી, હીરેન ન્યાલચંદાણી એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:59 pm IST)