Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

શહેરમાં કોરોના વકરતા ફરી ધન્વંતરી રથ દોડયા

રાજકોટ,તા૩૦: શહેરમાં હવે કોરોનાએ સ્પીડ પકડી હોય તેમ છેલ્લા અઠવાડિયાથી દરરોજ ૨૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. પોઝિટિવીટી રેટ ૨.૯૮ ટકા સુધી પહોંચી ગયો છે ત્યારે મ.ન.પા.નું તંત્ર ચિંતીત બન્યું છે અને હવે શહેરમાં સંક્રમણ વધતુ અટકાવવા પ્રયાસ થઇ રહ્યો છે. મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરી ધન્વંતરી રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમજ આવતી કાલથી જુદા-જુદા પાંચ સ્થળો કોરોના ટેસ્ટ બુથ શરૂ કરવામાં આવનાર છે. શહેરમાં ગઇકાલે ૨૦ કેસ નોંધાયા છે. આજ બપોર સુધીમાં ફરી શુન્ય કેસ નોંધાયા છે. હાલ ૧૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ કોરોનાએ હવે ગતી પકડી હોય તેમ કેસની સંખ્યા વધતી જાય છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા મનપા તંત્ર દ્વારા ૭૦ ધન્વંતરી રથ શરૂ કરવામાં આવનાર છે. અમુક વિસ્તારોમાં ધન્વંતરી રથ શરૂ થઇ ગયા છે. આગામી એક-બે દીવસમાં તમામ વિસ્તારોમાં રથ દોડવા લાગશે. આ રથમાં ટેસ્ટીંગ, નિદાન, દવા વિતરણ તથા વેકસીનેશન કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.

 કોરોના કેસ છેલ્લા અઠવાડિયાથી વધી રહ્યા છે. જો કે તંત્રએ ટેસ્ટીંગ વધાર્યુ છે. અગાઉ રોજના ૧૫૦૦ ટેસ્ટ થતાં તેમાં હવે ૨૧૦૦ જેટલા ટેસ્ટ થઇ રહ્યા છે. આથી કેસ સામે આવી રહ્યા છે.

બપોરે સુધીમાં કોરોનાના '૦' કેસ

મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૩,૦૮૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૪૭૬  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૧૪૧ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૨૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૯૩ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૫,૩૫,૫૮૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૩,૦૮૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૧ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૫૮ ટકાએ પહોંચ્યો છે.(

(3:59 pm IST)