Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

તિરંગા માટે જીવ દેનાર વિરાંગના 'માતંગિની હાજરા'

માતંગિની હાજરાનો જન્મ અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો : તેણીએ કોઈપણ પ્રકારનું શિક્ષણ મેળવ્યું ન હતું: ૧૨ : વર્ષની ઉંમરે જ તેણીના લગ્ન ૬૨ વર્ષના વિધુર સાથે થયા અને ૧૮ વર્ષની વયે નિઃસંતાન વિધવા બની ગયા! : ૭૨ વર્ષની ઉંમરે, માતંગિની હાજરા એ તામલુકમાં ભારત છોડો ચળવળનો હવાલો સંભાળ્યો : લોકો માનવા લાગ્યા કે બ્રિટિશ રાજનો અંત આવવાનો સમય નજીક છે : તામલુકના કૃષ્ણગંજ માર્કેટમાં યોજાયેલ સભામાં માતંગિની હાજરાએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં તન, મન અને ધનથી દરેક સાથે લડવાના શપથ લીધા : જેલમાંથી બહાર આવ્યા બાદ તેણીએ કાંતણ લીધું અને ખાદી પહેરવાનું શરૂ કર્યું : લોકો તેમને 'બુઢી ગાંધી'ના નામથી બોલાવવા લાગ્યા : ત્રીજી ગોળી સીધી તેના કપાળ પર વાગી, તે નીચે પડી ગયા, પરંતુ તિરંગો જમીન પર પડવા ન દીધો, તેને પોતાની છાતી પર રાખ્યો અને ફરીથી જોરથી કહ્યું - વંદે માતરમ, ભારત માતા કી જય

જયારે તેઓ દેશના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા ત્યારે તેમની ઉંમર ૬૨ વર્ષની હતી. ૭૨ વર્ષની ઉંમરે અંગ્રેજોએ ગોળીઓથી તેમને વિંધી નાંખ્યા, પરંતુ તેમણે મૃત્યુ સુધી ત્રિરંગો પડવા ન દીધો અને તેમના મોંમાંથી સતત વંદે માતરમ નીકળતું રહ્યું.! કોઈપણ બાબતમાં તેમનું પરાક્રમ અને સાહસ રાણી લક્ષ્મીબાઈથી ઓછું નથી. આજની યુવતીઓ આ મહાન મહિલા સ્વાતંત્ર્ય સેનાનીની કથા સાંભળશે તો નવાઈ પામશે. ભારતના એ ક્રાંતિકારી વિરાંગના હતા 'માતંગિની હાજરા'. તેઓ 'ગાંધી બુઢી' તરીકે પણ જાણીતા હતા.

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં એવા ઘણા લડવૈયાઓ હતા, જેમને તે ઓળખ મળી ન હતી જેના તેઓ હકદાર હતા. માતંગિની હાજરા આવા જ એક મહિલા હતા. આ મહાન મહિલા સ્વાતંત્ર્ય સેનાનીની અદ્ભૂત કહાણી જાણીને આશ્ચર્યચકિત થઈ જવાશે. માતંગિની હાજરાનો જન્મ પૂર્વ બંગાળ (હાલનું બાંગ્લાદેશ)ના મિદનાપુર જિલ્લાના હોગલા ગામમાં અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. તેના પિતા ખેડૂત હતા. તેણીએ કોઈપણ પ્રકારનું શિક્ષણ મેળવ્યું ન હતું. ગરીબીને કારણે ૧૨ વર્ષની ઉંમરે જ તેણીના લગ્ન અલિનાન ગામના ૬૨ વર્ષીય વિધુર ત્રિલોચન હાજરા સાથે થયા. આ પછી પણ દુર્ભાગ્યએ તેનો પીછો છોડ્યો નહીં. તે ૧૮ વર્ષની વયે નિઃસંતાન વિધવા બની ગયા. સાવકા-બાળકોએ તેમને ઘરમાંથી કાઢી મૂકયા. માતંગિની મિદનાપુરના તમલુક ગામમાં એક અલગ ઝૂંપડીમાં રહીને મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરવા લાગ્યા.

ગ્રામજનોના સુખ-દુઃખમાં સહભાગી બનવાને કારણે તેઓ આખા ગામમાં માતાની જેમ પૂજનીય બની ગયા હતા. જે  સ્ત્રીને તેના જીવનના ૬૨ વર્ષ પછી પણ ખબર ન હતી કે આઝાદીની ચળવળ શું છે? તેમના ગામ અને ઘરની બહાર તેમનું જીવન ખૂબ મર્યાદિત હતું. તેમ છતાં તેણી 'બુઢી ગાંધી' (વૃદ્ઘ ગાંધી મહિલા માટેનો બંગાળી શબ્દ) તરીકે ઓળખાયા.! આ રીતે એકલા રહેતા તેમને ૪૪ વર્ષ વીતી ગયા. તે લોકોના ઘરોમાં મહેનત કરીને તેમાંથી પોતાનું ઘર ચલાવતા હતા. ધીરે ધીરે તેણી લોકો પાસેથી દેશની સ્થિતિ અને ગુલામી વિશે જાણવા લાગ્યા. જયારે તે ઘરની બહાર નીકળ્યા ત્યારે તેણે અંગ્રેજોના અત્યાચારો જોયા. ધીમે ધીમે તે લોકો પાસેથી મહાત્મા ગાંધી અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે પણ જાણવા લાગી. ૧૯૩૨માં ગાંધીજીના નેતૃત્વમાં દેશભરમાં આઝાદીની ચળવળ ચાલી હતી. વંદે માતરમના નારા લગાવતા રોજ સરઘસો નીકળતા. જયારે આવું જ એક સરઘસ માતંગિનીનાં ઘરની નજીકથી પસાર થયું ત્યારે તેણીએ બંગાળી પરંપરા અનુસાર શંખના નાદ સાથે તેમનું સ્વાગત કર્યું અને સરઘસ સાથે જોડાઇ આગળ વધ્યા. તામલુકના કૃષ્ણગંજ માર્કેટમાં પહોંચ્યા બાદ એક સભા યોજાઇ. ત્યાં માતંગિની હાજરા એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં તન, મન અને ધનથી દરેક સાથે લડવાના શપથ લીધા.

માતંગિનીને અફીણની લત હતી પણ હવે તેના બદલે સ્વતંત્રતાનો નશો તેના માથા પર સવાર થઈ રહ્યો હતો. ૧૭ જાન્યુઆરી, ૧૯૩૩દ્ગક્ન રોજ જયારે બંગાળના તત્કાલીન ગવર્નર એન્ડરસન તામલુક 'કરબંધી ચળવળ ' ને ડામવા માટે તામલુક આવ્યા ત્યારે તેમની સામે વિરોધ થયો હતો. વીરાંગના માતંગિની હાજરા કાળા ધ્વજ સાથે મોખરે ઊભા હતા. તે બ્રિટિશ શાસન વિરુદ્ઘ સૂત્રોચ્ચાર કરતા કોર્ટમાં પહોંચી ગયા. આના પર પોલીસે તેની ધરપકડ કરી અને છ મહિનાની સખત કેદની સજા આપ્યા બાદ તેને મુર્શિદાબાદ જેલમાં કેદ કરવામાં આવ્યા. અંગ્રેજોએ તેણીને આકરી સજા પણ ફટકારી હતી જેમાં તેમને કેટલાંક કિલોમીટર સુધી ઉઘાડા પગે ચાલવ્યા હતા. તેમણે સેરામપુર સબ-ડિવિઝન કોંગ્રેસ કોન્ફરન્સમાં પણ ભાગ લીધો હતો. કાર્યવાહીમાં પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો, જેમાં માતંગિની હાજરા પણ ઘાયલ થયા હતા.

ત્યાર બાદ માતંગિની હાજરા એ ચોકીદારી કર રોકો પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વિરોધમાં, તેણીએ કાળા ઝંડા સાથે ચાલવાનું શરૂ કર્યું. તેના બદલે, તેને છ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણીએ કાંતણ લીધું અને ખાદી પહેરવાનું શરૂ કર્યું. લોકો તેમને 'બુઢી ગાંધી'ના નામથી બોલાવવા લાગ્યા. ૧૯૩૫ માં તામલુક પ્રદેશ ગંભીર પૂરને કારણે કોલેરા અને શીતળાનો ભોગ બન્યો હતો. માતંગિની પોતાના જીવની ચિંતા કર્યા વિના રાહત કાર્યમાં લાગી ગયા હતા. ૧૯૪૨માં મહાત્મા ગાંધીજીએ દેશમાં અંગ્રેજો સામે 'ભારત છોડો આંદોલન' નું બ્યુગલ વગાડ્યું હતું. આવી સ્થિતિમાં ગાંધીજીએ 'કરો કે મરો' નું સૂત્ર આપ્યું. ૭૨ વર્ષની ઉંમરે, માતંગિની હાજરા એ તામલુકમાં ભારત છોડો ચળવળનો હવાલો સંભાળ્યો. લોકો માનવા લાગ્યા કે બ્રિટિશ રાજનો અંત આવવાનો સમય નજીક છે. મિદનાપુરના સ્વાતંત્ર્ય સેનાનીઓએ તમામ સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનો પર ત્રિરંગો લહેરાવીને બ્રિટિશ શાસનનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો.

તે ૨૯ સપ્ટેમ્બર ૧૯૪૨ નો દિવસ હતો. તામલુકમાં છ હજારથી વધુ લોકોએ અંગ્રેજો વિરુદ્ઘ સરઘસ કાઢ્યું. આ આંદોલનમાં મોટાભાગની મહિલાઓ સામેલ હતી. સરઘસ તામલુક પોલીસ સ્ટેશન તરફ આગળ વધવા લાગ્યું. આવી સ્થિતિમાં તામલુક પોલીસે ચેતવણી આપી, લોકો પીછેહઠ કરવા લાગ્યા. માતંગિની હાજરા વચ્ચેથી નીકળીને બધાની સામે આવ્યા. તેમના જમણા હાથમાં ત્રિરંગો હતો. તેણીએ કહ્યું કે હું તિરંગો ફરકાવીશ, આજે મને કોઈ રોકી શકશે નહીં. તે વંદેમાતરમના નારા સાથે આગળ વધ્યા. પોલીસની ચેતવણી પર પણ જયારે તે ન રોકાઈ ત્યારે તેના જમણા હાથ પર ગોળી વાગી હતી. તેણી ઘાયલ થયા, પરંતુ ત્રિરંગો પડવા દીધો નહીં. ઘાયલ માતંગીનિએ બીજા હાથમાં ત્રિરંગો લઇ લીધો અને પછી આગળ વધવા લાગ્યા. ૭૨ વર્ષીય માતંગિની હાજરા એ પ્રથમ ગોળી ચલાવવાની સાથે જ 'વંદે માતરમ' કહ્યું. બીજી તરફ પોલીસે ફરીથી ગોળી ચલાવી, તેણીએ ફરીથી 'વંદે માતરમ' કહ્યું, પરંતુ કોઈ પણ રીતે ધ્વજ હાથમાં જ રાખ્યો તેને પડવા દીધો નહીં. તેણી વંદે માતરમના નારા લગાવતા રહ્યા, ધ્વજ ઉંચો પકડીને પોલીસ સ્ટેશન તરફ આગળ વધતા રહ્યા. પછી એક પોલીસ અધિકારીએ ત્રીજી ગોળી ચલાવી જે સીધી તેના કપાળ પર વાગી. તે નીચે પડી ગયા, પરંતુ તિરંગો જમીન પર પડવા ન દીધો. તેને પોતાની છાતી પર રાખ્યો અને ફરીથી જોરથી કહ્યું - વંદે માતરમ, ભારત માતા કી જય. પોતાના શરીર પર ગોળીઓ ખાવા છતાં માતંગિનીએ લોકોને હિંસા માટે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો ન હતો. ગાંધીજીના અહિંસાના સિદ્ઘાંતને ડગમગવા ન દીધો.

આ બલિદાનથી સમગ્ર પ્રદેશમાં એટલો ઉત્સાહ ઉભો થયો કે દસ દિવસમાં લોકોએ અંગ્રેજોને હાંકી કાઢ્યા અને ત્યાં એક સ્વતંત્ર સરકારની સ્થાપના કરી, જેણે ૨૧ મહિના સુધી કામ કર્યું. ડિસેમ્બર ૧૯૭૪ માં એ વખતના ભારતના વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમના રોકાણ દરમિયાન તામલુકમાં માતંગીનિ હાજરાની પ્રતિમાનું અનાવરણ કરી તેમને શ્રદ્ઘાંજલિ આપી હતી. માતંગીનિ હાજરાએ જીવનનું બલિદાન આપીને આપણને આઝાદ દેશમાં નવું જીવન આપવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આવા સ્વતંત્રતા સંગ્રામના વિરાંગનાને શત શત નમન.

મહિલા સેનાની તરીકે સ્વતંત્રતામાં મહત્વપૂર્ણ યોગદાન

વર્ષ ૧૯૪૭માં ભારતની આઝાદીમાં આ વિરાંગનાનું મહત્વનું યોગદાન હતું. તેમણે કહ્યું કે મહિલાઓ માત્ર ઘરમાં કેદ થવા માટે નથી. જો જરૂર પડે તો તે શ સ્ત્રો ઉપાડી શકે છે અને દુશ્મનનો સામનો પણ કરી શકે છે. તેણી યોગ્ય શિક્ષણ પણ મેળવી શકયા નહતા તેમજ પોતાનું બાળપણ પણ સારી રીતે વિતાવી શકયા નહતા. આજે કલકત્ત્।ામાં ઘણી શાળાઓ, કોલોનીઓ અને રસ્તાઓ તેમના નામ પર રાખવામાં આવ્યા છે. ભારતમાં આઝાદીની ચળવળ દરમિયાન આવી અનેક મહિલાઓ આગળ આવી જેણે પોતાના કૌશલ્યથી સ્વતંત્રતા ચળવળને નવી દિશા આપી. કેટલીક મહિલાઓ ઉદાર કાયદાકીય માર્ગને અનુસરીને અને કેટલીક ક્રાંતિકારી પ્રવૃત્ત્િ।ઓ દ્વારા યોગદાન આપી રહી હતી. તેઓમાં માતંગિની હાજરા એક મહાન વિરાંગના હતા.

દેશની આઝાદી માટે અંગ્રેજોએ ઠાર મારનાર માતંગિની હાજરાનું બલિદાન ભૂલી શકાય તેમ નથી. તેમણે આઝાદી માટે પોતાનું આખું જીવન બલિદાન આપ્યું. અત્યાચાર અને તામલુકની ઘટના સામે અવાજ ઉઠાવનાર માતંગિની વીરતાની યાદમાં આ મહાન નાયિકાની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. માતંગિની પ્રથમ મહિલા ફાઇટર હતા જેમની પ્રતિમા સ્વતંત્ર ભારતના કોલકાતામાં સ્થાપિત કરવામાં આવી હતી. હાથમાં પકડેલા ધ્વજ અને ચહેરા પર નિશ્ચય સાથે બનેલી આ પ્રતિમા આજે પણ તેમની વીરતાનું પ્રતિક છે. માતંગિની હાજારાની ભાવનાને વંદન!

માતંગિની હાજરાની હત્યાને લઈને ગુસ્સે ભરાયેલા લોકોએ સરકારી કચેરીઓ પર કબજો જમાવ્યો હતો!

માતંગિનીના મૃત્યુ પછી તામલુકના લોકો ગુસ્સે થઈ ગયા. એ વિસ્તારમાં તેમનું માન એ સમયે ગાંધીજી કરતાં ઓછું નહોતું. બધાએ વિચાર્યું કે જયારે એક વૃદ્ઘ મહિલા દેશની આઝાદી માટે આટલી હિંમત બતાવી શકે છે તો આપણે કેમ નહીં. લોકોનો જુસ્સો બેવડાયો. તેઓએ તમામ સરકારી કચેરીઓ કબજે કરી અને ત્યાં પોતાની સરકાર જાહેર કરી. પાંચ વર્ષ પહેલાં, તેમના વિસ્તારને અંગ્રેજોથી સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને ગાંધીજીની અપીલ પર બે વર્ષ પછી, તેઓએ સરકારી કચેરીઓ છોડી દીધી હતી. માતંગીની હાજરા ની અદમ્ય હિંમત સાંભળીને મહાત્મા ગાંધી પણ આશ્યર્યચકિત થઈ ગયા હતા!

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:53 pm IST)