Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

જુડો ટીમના વધુ એક ખેલાડીએ દમ તોડયોઃ સૌનો લાડકો 'ધનવાન' પરિવાર-શિક્ષકોને શોકના દરીયામાં ડુબાડી ગયો...

સ્પોર્ટસમાં ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા ધનવાને ચલ્લા-વાપીની ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતોઃ એસએનકેમાંથી ન્યુ એરા સ્કુલમાં ગત વર્ષે જ એડમીશન લીધુ'તું: લોહાણા પરિવારનું છાતીફાડ આક્રંદ સૌને હચમચાવી ગયું

રાજકોટ, તા., ૩૦: ગઇકાલે વહેલી સવારે બગોદરા-વડોદરા હાઇવે ઉપર અરણેજ નજીક બંધ ટ્રક પાછળ તુફાન જીપ ઘુસી જતા થયેલા ગોઝારા અકસ્માતમાં ધનવાન મનીષભાઇ ગઢીયા (ઉ.વ.૧૭) નામના રાજકોટના વધુ એક જુડો ખેલાડીએ અમદાવાદની હોસ્પીટલમાં દમ તોડી દેતા આ અકસ્માતનો મૃત્યુઆંક ૪ ઉપર પહોંચ્યો છે. ધનવાનના મૃત્યુના સમાચારથી ગઢીયા પરિવાર અને શિક્ષણ જગતમાં શોકની કાલીમા  છવાઇ ગઇ છે.

ધનવાનને અકસ્માતમાં પેટ અને પાસળીના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. મલ્ટીપલ ફ્રેકચર થયાનું અને ખુબ જ રકતસ્ત્રાવ થયાનું તબીબી વર્તુળોનું કહેવું છે. આજે તેનું વધુ એક ઓપરેશન થવાનું હતું. તે પહેલા જ  તેનો જીવનદીપ બુઝાઇ ગયો હતો.

જુડોમાં ઉજ્જવળ કારકીર્દી ઘડવા માટે તે તનતોડ મહેનત કરતો હતો. ડિસ્ટ્રીકટ સ્પોર્ટસ ઓથોરીટીની જે શાળાકીય રમતમાં તે ચલ્લા(વાપી) ખાતે ટીમ સાથે ભાગ લેવા ગયો હતો તેમાં પણ તેણે ઉત્કૃષ્ટ દેખાવ કરી  બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મૂળ સાવરકુંડલાના  લોહાણા પરિવારનો લાડકો ધનવાન ગઢીયા તેના પરિવાર સાથે મહાવીર પાર્ક, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ રોડ ઉપર રહેતો હતો. એસ.એન.કે. અને ન્યુ એરા સ્કુલના શિક્ષકો અને કોચનો ખુબ જ લાડલો હતો. બે વર્ષ પહેલા તેણે ન્યુ એરા સ્કુલમાં પ્રવેશ લીધો હતો. ધોરણ-૧૧માં અભ્યાસ કરતો ધનવાન ખુબ જ ડીસીપ્લીન્ડ  છોકરો હતો. સ્પોર્ટસ જગતને આંચકો આપનાર અકસ્માતે વધુ એક માસુમની જીંદગી છીનવી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. આજે અમદાવાદથી તેનો મૃતદેહ રાજકોટ તેના નિવાસસ્થાને લવાયો ત્યારે શોકનો દરીયો ઘુઘવ્યો હતો. માતા-પિતા અને ભાઇ-ભાંડરડાનું છાતીફાડ આક્રંદ સૌને હચમચાવી ગયું હતું.

(3:19 pm IST)