Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

બકાલાના ધંધાર્થી મહાવીરસિંહ માલદાર થવા બેંક કર્મચારીનો સ્વાંગ રચી ૧૫ લોકોને છેતર્યા

લોન અપાવી દેવાની લાલચ આપી પેટીએમનો પાસવર્ડ મેળવી ૨ થી ૫ હજાર રૂપાડી લેતોઃ દરજી સાથે ૨.૧૫ લાખની ઠગાઇ કરતાં ધરપકડ : તાલુકા પોલીસની કાર્યવાહી

રાજકોટ,તા. ૩૦ : શહેરના સત્યસાંઇ રોડ પર શ્રી રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં આવેલી લાડલી ટેઇલર નામની દુકાન ધરાવતા દુકાન માલીકને ખાનગી બેંકનો કર્મચારી હોવાની ઓળખ આપી લોન અપાવવાના બહાને દુકાનદારના પેટીએમનો પાસવર્ડ મેળવી રૂ. ૨.૧૫ લાખની ઠગાઇ કરનાર શખ્સને તાલુકા પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ માળીયાહાટીના તાલુકાના ગડુશેરબાગ ગામના હાલ રાજકોટ યુનિવર્સિટી રોડ પર વૈદિક હોસ્ટેલમાં રૂમ નં.૬માં રહેતા ધીરજભાઇ જીવનલાલભાઇ ચાવડા (ઉવ.૪૧) એ તાલુકા પોલીસ મથકમાં રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે સોમનાથ સોસાયટી શેરી નં. ૨માં રહેતા મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. ધીરજભાઇએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે સત્યસાંઇ રોડ પર શ્રી રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં દુકાન નં. ૪માં 'લાડલી ટેઇલર'નામે લેડીઝ ટેઇલરની દુકાન ધરાવે છે. એકાદ વર્ષ પહેલા પોતાની દુકાને મહાવિરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી (રહે. સોમનાથ સોસાયટી શેરી નં. ૨) અવાર નવાર એપાર્ટમેન્ટમાં ભારત પે જેવી ઓનલાઇન એપ્લીકેશન ડાઉનલોડ કરાવવા માટે અલગ -અલગ દુકાને આવતા હોય, જેથી પોતાને તેની સાથે ઓળખાણ થઇ હતી. બાદ તા. ૮/૭ ના રોજ તે પોતાની દુકાને આવેલ અને પોતે કોટક બેંકમાં નોકરી કરતો હોવાનુ કહી પર્સનલ લોન આપવાની વાત કરી હતી. અને લોન માટે ફરજીયાત કોટક બેંકમાં ખાતુ ખોલાળવુ પડશે. તેમ કહેતા પોતે હા પાડી હતી. અને તેણે કોટક બેંકમાં ખાલુ ખોલાવવા માટે ઓનલાઇન પ્રોસેસ કરવી પડશે તેમ કહી પેટીએમ એકાઉન્ટનો પાસવર્ડ માંગતા પોતે આ મહાવીરસિંહ પર વિશ્વાસ રાખીને પાસવર્ડ આપેલ બાદ મોબાઇલમાં તેણે યુ.પી.આઇ પાસવર્ડ ફેરવી નાખી ખોટા પાસવર્ડ નાખી ૨૪ કલાક પછી ચાલુ થશે. તેમ કહીને જતો રહ્યો હતો. બાદમાં તે પેટીએમ ચાલુ કરવાના બહાને તેમજ કોટક બેંકના કેવાયસી માટે તેમજ ફોટા, ફિંગર લેવાના બહાને દુકાન આવ્યો હતો. એટલુ જ નહીં તેને કોરા ચેકમાં સહિ કરાવી લઇ ગયો હતો. તેને કયાર એકાઉન્ટ ખુલશે તેવી વાત કરતા તે ગોળગોળ વાત કરતો રહેતો હતો. દરમિયાન ઓગસ્ટ મહિનામાં પોતાના મોબાઇલમાં જુદી-જુદી ડિજિટલ બેંકના ફોન આવવાના શરૂ થયા હતા. જેમાં તમારી લોનના હપ્તા બાકી હોય ભરી દેવાની વાત કરતા હતા. ત્યારે મહાવિરસિંહ છેતરપીંડી કર્યાની ખબર પડીહતી. જેથી પોતે બેંકે જઇ તપાસ કરતા પોતાના ખાતામાંથી ત્રણ કટકે રૂ. ૧,૧૫,૫૭૦ જમા થયાનું અને બાદમાં મહાવીરસિંહ તેના ખાતામાં ટ્રાન્સફર કર્યાનું જાણવા મળ્યુ હતું. જે અંગે મહાવીરસિંહને વાત કરતા પોતાનાથી ભૂલ થયાનું અને તે હપ્તા ભરી આપશે.તેમ જણાવ્યું હતું. પરંતુ રકમ જમા નહીં કરાવતા આ અંગે પોતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. વી.પી.આહીર સહિત મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી (ઉવ.૨૬) (રહે.સોમનાથ સોસાયટી શેરી નં. ૨) ની ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં મહાવિરસિંહ બકાલાનો ધંધો કરે છે. તે ઓનલાઇન ટ્રાન્જેકશનની તમામ વિગતો જાણતો હોવાની યુટીઆઇ ટ્રાન્જેકશનમાં પોતે માહીર હોવાનું જણાવ્યુ હતુ. તેણે અત્યાર સુધી ૧૫ જેટલા લોકોને છેતર્યા હોવાનું જાણવા મળ્યુ છે.

(2:59 pm IST)