Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

જૈન પરિવારની કરોડોની કોઠારીયાની જમીનમાં થયેલ લેન્ડ ગ્રેબીંગની ફરીયાદમાં આગોતરા જામીન અરજી પરત ખેંચાઈ

રાજકોટ : સુનિલભાઈ નવીનભાઈ પારેખ કે જેઓ હાલ મોહાલી પંજાબ ખાતે રહે છે. તેઓએ પોતાના સસરા ચુનીલાલ પિતામ્બર દોશીની કોઠારીયાના રે.સ.નં.૨૧૯, ૨૨૦ તથા ૨૨૧ના પ્લોટ નં.૮ તથા ૧૭ની કુલ જમીન ચો.મી. ૨૩૩૦-૫ અંગે રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮,૪૭૧ તથા લેન્ડ ગ્રેબીંગ કાયદાની કલમ ૫(સી) મુજબ ફરીયાદ નોંધાયેલી હતી. જેમાં આરોપીઓ તરીકે રાજુભાઈ સુમારભાઈ વગેરે તથા કિશનભાઈ બાલાભાઈ બોરીયા, ગોવિંદભાઈ બાલાભાઈ બોરીયા, ભરતભાઈ બાલાભાઈ બોરીયા સહિતના ૧૧ વ્યકિતઓ તથા અજાણ્યા ઈસમો સામે એકબીજાને મદદગારી કરી ફરીયાદીના નામની બોગસ વ્યકિત ઉભી રાખી તેમના નામની બોગસ સહીઓ કરી તેમના બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ ઉભા કરી એકબીજાઓને બોગસ દસ્તાવેજ બનાવી કિંમતી જમીન પચાવી પાડવા તેમનો ખરા તરીકે ઉપયોગ કરી ગુન્હાહીત કૃત્ય કરેલ હોય તેની ફરીયાદ નોંધાવેલી હતી.

સદરહું ફરીયાદ બાદ રાજકોટની સેશન્સ અદાલતમાં આ કામના તહોમતદાર કિશન બાલાભાઈ બોરીયા, ગોવિંદભાઈ બાલાભાઈ બોરીયા, ભરતભાઈ બાલાભાઈ બોરીયાએ થયેલ ફરીયાદમાં ધરપકડ થવાની દહેશત હોય આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી અને આગોતરા જામીન મળવા દાદ માંગેલ હતી. સદરહું કામમાં મુળ ફરીયાદ પક્ષ તરફે યુવા એડવોકેટ નિકુંજ મહેતા તથા જય બુદ્ધદેવએ ફરીયાદીની સત્ય હકીકતોવાળુ સોગંદનામું રજૂ કરેલ અને જેમાં જણાવેલ કે આ કામના આરોપીઓએ ગુન્હાહીત કાવતરૂ રચેલ છે અને ફરીયાદીની કરોડોની જમીન પચાવી પાડવા બે માસમાં ૩ બોગસ દસ્તાવેજો ઉભા કરેલા છે અને આર્થિક વ્યવહારો કરેલ નથી અને ખોટા વેચનાર ઉભા કરેલ છે. તે મતલબની રજૂઆત કરેલ હતી અને સાથોસાથ જણાવેલ કે સદરહું અરજદારોએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરેલ છે. જે કામમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સદરહું અરજદારો સામે પ્રોસીડીંગ્સ સ્ટે કરેલ છે ત્યારે આગોતરા જામીન અરજી ટકવાપાત્ર નથી. તે મતલબની રજૂઆત ફરીયાદ પક્ષે કરવામાં આવેલ હતી. ત્યારબાદ સદરહું કામમાં અરજદારોએ જામીન અરજી પરત ખેંચી લીધેલ હતી.

આ કામમાં મુળ ફરીયાદી સુનિલભાઈ પારેખ વતી યુવા એડવોકેટ નિકુંજ જે. મહેતા, જય બુદ્ધદેવ, જે.ડી.પરમાર, જયેશ ડાભી રોકાયેલ હતા. 

(2:59 pm IST)