Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

હોઝીયરીની દુકાનમાં પૂર્વ કર્મચારીએ બીજીવાર હાથફેરો કર્યો : સગીર અને મિત્ર પુનીત પકડાયા

તાલુકા પોલીસ મથકના કોન્સ. સંજયભાઇની બાતમીઃ જે દુકાનમાં કામ કરતો એ જ દુકાનમાં સગીરે અગાઉ ૧૫ હજારની ચોરી કરતા કાઢી મુકયો'તોઃ બીજીવાર મિત્ર સાથે મળી ચોરી કરી

રાજકોટ તા. ૩૦ : કાલાવડ રોડ પર નંદનવન પાછળ માધવ પાર્ક મેઇન રોડ પર આવેલી વલ્લભભાઇ બારાઇની જલારામ હોઝીયરી નામની દુકાનમાં દુકાનદારની નજર ચૂકવી થયેલી રૂ. ૪૦ હજારની રોકડની ચોરીનો તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આ દૂકાનના જ પૂર્વ કર્મચારી સગીર અને સગીરના મિત્રને પકડી લીધા છે.

તાલુકા પોલીસ મથકના કોન્સ. સંજયભાઇને બાતમી મળી હતી કે ગોવર્ધન ચોક પાસે જીજે૩એમએ-૩૮૦૪ નંબરના બાઇક સાથે બે શખ્સ શંકાસ્પદ હાલતમાં ઉભા છે અને ચોરીમાં સામેલ હોવાની શકયતા છે. બાતમી આધારે બંનેને સકંજામાં લીધા હતાં. આ બંનેની વિસ્તૃત પુછતાછ થતાં બંનેએ હોઝીયરીની દૂકાનમાંથી ૪૦ હજારની ચોરી કર્યાનું કબુલતાં સકંજામાં લેવાયા હતાં.

સગીર અગાઉ આ દૂકાનમાં કામ કરતો હતો. તેણે ત્યારે ૧૫ હજારની ચોરી કરતાં નોકરીમાંથી કાઢી મુકાયો હતો. આ જ દૂકાનમાંથી મિત્ર પુનિત મનસુખભાઇ કાપડી (ઉ.૨૧-રહે. ખોડીયારપરા શેરી નં. ૨, ગોવર્ધન ચોક)ને સાથે મળી ફરી વખત ચોરી કરતાં પકડાઇ ગયો હતો.  પી.આઇ. જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ વાવડી ચોકીના પી.એસ.આઇ. એન. કે. રાજપુરોહિત તથા કોન્સ. સંજયભાઇએ આ ડિટેકશન કર્યુ હતું. 

(2:57 pm IST)