Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

તકલીફ તો રહેવાની...બે દિવસ રિહર્સલ થયું એ કારણે, અને કાલે રોડ શોને લીધે વાહન ચાલકોને થવું પડશે હેરાન

રાજકોટઃ શહેરમાં આવતીકાલે ૩૧મી ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ભવ્ય રોડ શો યોજાવાનો છે. શહેર પોલીસ આ રોડ શો કોઇપણ જાતના વિઘ્ન વગર સંપન્ન થઇ જાય એ માટે પોલીસ છેલ્લા ચાર દિવસથી જહેમત ઉઠાવી રહી છે. મુખ્યમંત્રીનો રોડ શો હોય એટલે પોલીસને જડબેસલાક બંદોબસ્ત ગોઠવવો પડે. કોઇપણ જાતના છમકલા ન થાય કે પછી રોડ શો વખતે મુખ્યમંત્રીના કાફલા વચ્ચે કોઇ આવી ન જાય એ માટેની નાનામાં નાની વાતોનો ખ્યાલ રાખવાનો હોય છે. રોડ શો જે રૂટ પર યોજાવાનો છે એ રૂટ પર અગાઉથી જ પોલીસે રિહર્સલ યોજી તૈયારીઓ કરી લીધી છે. ગઇકાલે પોલીસે એક રિહર્સલ યોજ્યા બાદ આજે ફરીથી રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ કારણે રેસકોર્ષ રીંગ રોડ સહિતના અનેક રસ્તાઓ બંધ કરવા પડ્યા હતાં. રોડશોના રૂટના રસ્તાઓ આમ જનતા માટે બંધ કરી દેવામાં આવતાં રિહર્સલ વખતે ગઇકાલે અનેક વાહનચાલકો હેરાન થયા હતાં અને આજે પણ આવી જ હાલત થઇ હતી. ઠેકઠેકાણે વાહનચાલકોને હેરાન થવું પડ્યું હતું. પોલીસના વાહનો રોડ શોના રૂટ પરથી રિહર્સલ માટે નીકળ્યા ત્યારે અટવાઇ ગયેલા વાહનચાલકોમાંથી કોઇ બોલ્યું હતું કે-તકલીફ તો રહેવાની જ. હજુ કાલે પણ રોડ શોને કારણે અનેક રોડ રસ્તા વાહન ચાલકો માટે બંધ કરાયા હોઇ અને નો પાર્કિંગ ઝોન જાહેર થયા હોઇ જેથી સવારે નવથી બપોરના એક સુધી વાહન ચાલકોને થોડી તકલીફ વેઠવી પડશે. જે રસ્તા બંધ રહેશે તેના ટ્રાફિકને કયાંથી નીકળવું તેની વ્યવસ્થા પણ પોલીસે અગાઉથી કરી રાખી છે. આજે રિહર્સલ વખતે  ઠેકઠેકાણે મુખ્ય ચોકમાં વાહન વ્યવહાર ચારે દિશામાં રોકી દેવાતાં અડધો કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. તસ્વીરમાં રોડ શોના રિહર્સલના દ્રશ્યો જોઇ શકાય છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને તેમની ટીમોએ મુખ્યમંત્રીના રોડ શો માટે જડબેસલાક બંદોબસ્તની ગોઠવણ કરી છે. (ફોટોઃ અશોક બગથરીયા) 

(2:57 pm IST)