Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

ત્રણ દિ'પહેલા ગૂમ થયેલા જેતપુરના થાણાગાલોલ ગામના લલીત પરમારની કેનાલમાંથી લાશ મળી

પરિવારજનોએ હત્યાની શંકા દર્શાવતાં મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૩૦: જેતપુરના થાણાગાલોલ ગામે રહેતો લલિત ચંદુભાઇ પરમાર (વણકર) (ઉ.વ.૧૯) ગત ૨૭મીએ રાતે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ ગયો હતો. ગઇકાલે તેની લાશ ગામની કેનાલમાંથી મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. વાંસામાં ઇજા જેવા નિશાન હોઇ પરિવારજનોએ બનાવ હત્યાનો હોવાની શંકા દર્શાવતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડ્યો છે.

લલીત બે ભાઇ અને એક બહેનમાં મોટો તથા કુંવારો હતો. તે પિતા સાથે કડીયા કામની મજૂરી કરતો હતો. ૨૭મીએ રાતે તે ઘરેથી નીકળ્યા બાદ ગાયબ થઇ જતાં આકુળ વ્યાકુળ થઇ સ્વજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. ગઇકાલે પશુપાલકો કેનાલ પાસે ઢોરને પાણી પીવડાવવા લઇ ગયા ત્યારે લલીતની લાશ અડધી પાણીમાં અને અડધી બહાર પડેલી હાલતમાં જોવા મળતાં પોલીસને જાણ કરાઇ હતી.

પરિવારજનોના કહેવા મુજબ લલિતને આપઘાત કરવો પડે તેવું કોઇ કારણ નહોતું. તેને કોઇ સાથે માથાકુટ પણ નહોતી. વાંસામાં ઇજા જેવા નિશાન હોઇ મારકુટ થયાની શંકા દર્શાવતાં પોલીસે લાશને રાજકોટ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળ તપાસ થશે. યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. 

(2:55 pm IST)