Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

ખેડવાણ જમીનના વિવાદમાં પુત્રવધુની વિરૂધ્ધમાં સાસુની તરફેણમાં મનાઇ હુકમ ફરમાવતી કોર્ટ

રાજકોટ,તા. ૩૦: પુત્રવધુ વિરૂધ્ધ સાસુની તરફેણમાં મનાઇ હુકમ અદાલતે ફરમાવેલ હતો.

આ કેસની હકિકત એવી છે કે, કુવાડવા ગામના રંજનબેન વલ્લભભાઇ સોજીત્રાનો પુત્ર ઇશ્વરભાઇ વલ્લભભાઇ સોજીત્રાનું અકસ્માતના કારણે અવસાન થયેલ હતું. ગુ.ઇશ્વરભાઇ વલ્લભભાઇ સોજીત્રાની હયાતીમાં કુવાડવાના રે.સર્વે નં.૭૩ પૈકી ૧,૪૮૨ પૈકી ૨ તથા સર્વે નં. ૫૨૯ પૈકી ૧ ની જમીન અંગે માતા રંજનબેન પુત્ર ઇશ્વરભાઇ અને તેની ત્રણ બહેનો વચ્ચે ખેતીની જમીનની વહેચણી થયેલ. ત્યારે ત્રણેય પુત્રીઓએ રીલીઝડીડ કરી જમીનમાંથી પોતાનો હિસ્સો ઉઠાવી લીધેલ. રે.સર્વે નં. ૭૩ પૈકી ૧ અને ૪૮૨ પૈકી ૨ની જમીનની વહેચણી માતા રંજનબેન તથા પુત્ર ઇશ્વરભાઇ વચ્ચે થયેલી. અને સર્વે નં. ૫૨૯ પૈકી ૧ની જમીનમાંથી માતા રંજનબેનએ પુત્ર ઇશ્વરભાઇની હયાતીમાં રીલીઝ ડીડી કરી હક્ક ઉઠાવી લીધેલ.

ત્યારબાદ પુત્ર ઇશ્વરભાઇ વલ્લભભાઇ સોજીત્રાનું અકસ્માતનાં કારણે અવસાન થતા ઇશ્વરભાઇના પત્નિ બિનાબેન તેમના સગીર સંતાનોને લઇને તેમના માવતર ચાલ્યા ગયેલા અને ગુ.ઇશ્વરભાઇના ખાતે આવેલ જમીનમાં તેઓની વારસાઇ નોંધ દાખલ કરાવવા અરજી કરતા બિનાબેન અને તેમના સંતાનોનું નામ રેવન્યુ રેકર્ડમાં દાખલ કરવામાં આવેલ અને રંજનબેનને માતા તરીકે દાખલ કરવામાં આવેલ નહીં. અને તેની સામે રંજનબેનએ કલેકટરશ્રી રાજકોટ સમક્ષ અપીલ દાખલ કરેલ છે. જે પેન્ડીંગ છે.

ત્યારબાદ માતા રંજનબેન વલ્લભભાઇ સોજીત્રાએ રાજકોટ સિવિલ કોર્ટમાં ખેડવાણ જમીનની વહેચણી કરી કબજો મળવા તથા વિજ્ઞાપન અને કાયમી મનાઇ અરજી કરેલ.

ઉપરાંત વાદી તરફે રાજકોટના એડી.સીનીયર જજ શ્રી એસ.એમ.ક્રિષ્ટીએ માતાની તરફેણમાં દાવાનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રતિવાદીઓએ મિલ્કત વેચાણ,ગીરો,બક્ષીસ કરવી નહીં. અને માતાના કબજા-ભોગવટામાં અંતરાય અવરોધ કરવો નહી તેવો કામ ચલાઉ મનાઇ હુકમ ફરમાવેલ છે.

આ કામનાં વાદી સાસુ (માતા) વતી રાજકોટના ધારાશાસ્ત્રી મનોજ એન.ભટ્ટ, નીતીન એમ.જાગાણી, આનંદ કે પઢીયાર, રચીત એમ.અત્રી, દિવ્યાબેન ગોસ્વામી તથા જુનીયર યશ ઠાકર રોકાયેલ છે. 

(2:52 pm IST)