Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

જયપ્રકાશનગરમાં રફિકના ઘરમાં તેના જ મિત્ર ઇમરાન ઉર્ફ ગઢવીનો ટોળકી રચી આતંકઃ ૪ ઘવાયા : હત્યાનો પ્રયાસ

ભગવતીપરાના પાનના ધંધાર્થી પઠાણ શખ્સે મિત્ર રામનાથપરાના ઇમરાનને બે વર્ષ પહેલા હત્યાના ગુનામાં જામીન પર છુટવા ૧.૪૦ લાખની મદદ કરી'તી તેની ઉઘરાણીનો ડખ્ખો કારણભુતઃ ધોકા-પાઇપ-ઇંટ-સોડા બાટલીના ઘાઃ બે વાહનમાં પણ તોડફોડ : ઇમરાન સાથે પોપટપરાનો કાસમ ઉર્ફ કડી જુણાચ, અહેમદ જુણાચ અને પાંચ અજાણ્યા હુમલામાં સામેલઃ બી-ડિવીઝન પોલીસે શોધખોળ આદરી : રફિકે કહ્યું-મિત્ર ઇમરાન પાસેથી મારે ૧.૪૦ લાખ લેવાના હતાં, તે ન આપી કાસમ કડીએ સાંજે મને ફોન કરીને કહ્યું-હવે તારે ઇમરાનને ૭૬ હજાર આપવા પડશે, તારે લેવાના હોય તો હું તારી ઘરે આવીને આપી જઇશ...એ પછી રાતે ઘરમાં ઘુસી હુમલો કર્યો

હુમલામાં ઘાયલ પૈકીનો ભાવેશ સાંજે ઘોડીપાસા રમતાં પકડાયો, જામીન પર છુટ્યા પછી રાત્રે મારામારીમાં ઘાયલ થયો : હુમલામાં ઘાયલ રફિક પઠાણના માતા ઝરીનાબેન પઠાણઃ રફિક સહિતના ત્રણ સિવિલમાં પ્રાથમિક સારવાર લઇ રાતે જતાં રહ્યા હતાં : તસ્વીરમાં જ્યાં હુમલો થયો તે ભગવતીપરા જયપ્રકાશનગરમાં આવેલુ મકાન, વાહનમાં થયેલી તોડફોડ અને ઘાયલ પૈકીનો રફિક પઠાણ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦: ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રહેતાં પાનના ધંધાર્થી પઠાણ મુસ્લિમ યુવાન પર રામનાથપરામાં રહેતાં અને અગાઉ હત્યામાં સંડોવાઇ ચુકેલા તેના જ મિત્ર મુસ્લિમ શખ્સ તથા પોપટપરાના શખ્સો સહિતની ટોળકીએ ઘુસી જઇ ધોકા-પાઇપથી હુમલો કરી તેમજ ઘર બહાર રાખેલા બે વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવતાં પોલીસે રાયોટીંગ, હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. રામનાથપરાના મિત્રને પાનના ધંધાર્થી પઠાણ યુવાને હત્યાના ગુનામાં જામીન પર છુટવા માટે ૧,૪૦,૦૦૦ની મદદ કરી હોઇ તેની ઉઘરાણી કરતાં આ રકમ આપવાને બદલે તેણે પોપટપરાના શખ્સને કહેતાં એ શખ્સે સામા ૭૬ હજારની ઉઘરાણી કરી ડખ્ખો કરી ઘરમાં ઘુસી આતંક મચાવ્યો હતો.

પોલીસે આ બનાવમાં ભગવતીપરા જયપ્રકાશનગર-૧૬માં રહેતાં અને ઘર નજીક બદ્રી પાર્ક પાસે ન્યુ બરેલી પાન નામે દૂકાન ધરાવતાં રફિક અહેમદભાઇ પઠાણ (ઉ.૪૦)ની ફરિયાદ પરથી તેના જ મિત્ર રામનાથપરામાં રહેતાં ઇમરાન ઉર્ફ ગઢવી, પોપટપરામાં રહેતાં કાસમ ઉર્ફ કડી અને અહેમદ જૂણાચ તથા પાંચ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૫૨, ૪૨૭, ૩૩૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ મુજબ મંડળી રચી, ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઘર બહાર રાખેલી રિક્ષા-બાઇકમાં તોડફોડ કરી તેમજ ઇંટ બોટલોના છુટા ઘા કરી તેમજ પાઇપથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધ્યો છે.  આ હુમલામાં રફિક તેમજ તેના માતા અને બે મિત્રોને ઇજા થઇ હતી.

રફિક પઠાણે પોલીસને જણાવ્યું છે કે અમે ચાર ભાઇ બહેનો છીઅ. મારા પિતા હયાત નથી. માતા ઝરીનાબેન અહેમદખાન પઠાણ (ઉ.૬૫) મારા ભગા રહે છે. મારા પત્નિનું નામ શીરીન છે. સંતાનમાં ત્રણ પુત્રી છે. મારા મિત્ર ઇમરાન ઉર્ફ ગઢવીએ બે વર્ષ પહેલા ખૂન કેસમાં જામીન કરાવ્યા હતાં. જેમાં રૂ. ૧,૪૦,૦૦૦નો ખર્ચ થયો હતો. એ રકમ મેં આપી હતી. આથી મારે તેની પાસે આ રકમ લેવાની હતી. બુધવારે બપોરે ત્રણેક વાગ્યે સેશન્સ કોર્ટમાં મિત્રની મુદ્દત હોઇ ત્યાં ગયો હતો. સાંજે સાડા પાંચેક વાગ્યે પોપટપરા રોડ પર તમન્ના એસ્ટેટ નામે ઓફિસ ધરાવતાં કાસમ કે. જુણાચ ઉર્ફ કાસમ કડીએ મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે-તારે ઇમરાન ગઢવીને રૂ. ૭૬ હજાર આપવાના છે એ કયારે આપીશ? જેથી મેં કહેલું કે મારે આપવાના નથી, મારે તેની પાસેથી ૧,૪૦,૦૦૦ લેવાના થાય છે. આથી તેણે કહેલું કે-તારે લેવાના થતાં હોય તો હું તને આપવા આવુ છું.આ વાત થયા બાદ રાત્રે દસેક વાગ્યે હું મારા મિત્રો ભાવેશ પંકજભાઇ તારપરા અને સતિષ ભરતભાઇ સોલંકી અમારી પાનની દૂકાને હતાં ત્યારે કાસમ ઉર્ફ કડીનો ફોન આવ્યો હતો અને કહેલું કે   હું તારા ઘરે આવ્યો છું. આથી હું અને મિત્રોભાવેશ તથા સતિષ મારા ઘરે પહોંચ્યા ત્યારે ઘર બહાર સફેદ કલરની આઇ-૨૦ કાર ૦૯૨૦ પડી હતી તેમાં ઇમરાન ઉર્ફ ગઢવી, કાસમ ઉર્ફ કડી હતાં. તેના હાથમાં પાઇપ હતો. ત્રીજો અહેમદ જુણાચ હતો. તેના હાથમાં છરી હતી અને બીજા પાંચ્ અજાણ્યા માણસો પણ હતાં.

આ બધા મારા ઘરમાં ઘુસી ગયા હતાં અને ગાળાગાળી ચાલુ કરી હતી અને ઇમરાન સહિતે 'તું કેમ અમારી પાસે ૧,૪૦,૦૦૦' માંગે છે? કહી મારામારી ચાલુ કરીહ તી. અહેમદે મને નાક પર છરી મારી દીધી હતી. કાસમ કડીએ પાઇપથી માર માર્યો હતો. મારા મમ્મી ઝરીનાબેન વચ્ચે પડતાં ત્ેને પણ કાસમે હાથમાં પાઇપ ફટકારી દેતાં તે પડી ગયા હતાં અને લોહી નીકળવા માંડ્યા હતાં. મારા મિત્રો ભાવેશ અને સતિષ વચ્ચે પડતાં તેને પણ ઇમરાન સહિતનાએ માર મારી ઇંટો-સોડાબોટલોના છુટા ઘા કરી મુંઢ ઇજા પહોંચાડી હતી.

આ ટોળકીએ અમારા ઘર પાસે પડેલી મારા મોટા બાપુની રિક્ષા અને સતિષના બાઇકમાં પણ ભારે તોડફોડ કરી નાંખી હતી. તેમજ ઇમરાને 'જો હવે મારી પાસે પૈસા માંગ્યા છે તો જાનથી મારી નાખશું' તેવી ધમકી આપી હતી અને બધા કાર-બાઇકમાં ભાગી ગયા હતાં. હુમલામાં મને, મારા બા તથા બે મિત્રોને ઇજા થતાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં હેડકોન્સ. અશ્વિનભાઇ રાઠોડે ફરિયાદ લીધી હતી. પીઆઇ અને ડી. સ્ટાફની ટીમે આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે ફરિયાદી રફિકનો મિત્ર ભાવેશ તાલપરા સાંજે બી-ડિવીઝન પોલીસે ભગવતીપરામાં નદી કાંઠે દરોડો પાડ્યો ત્યારે બીજા ચાર શખ્સો સાથે ઘોડીપાસાનો જૂગાર રમતાં પકડાયો હતો. રાતે જામીન પર છુટી સીધો મિત્ર રફિક પાસે ગયો હતો અને રફિકના ઘરે માથાકુટ થતાં ત્યાં સાથે જતાં હુમલામાં ઘાયલ થયો હતો. 

(2:54 pm IST)