Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

કપાસનો ભાવ ઐતિહાસિક સપાટીએઃ ૧ મણના ૨૦૧૦ રૂ.ના ભાવે સોદા પડયા

રાજકોટ યાર્ડમાં ૩૪૫૦ કવીન્ટલ કપાસની આવકોઃ ઉંચા ભાવ મળતા ખેડૂતો રાજી-રાજી

રાજકોટ, તા. ૩૦ :. રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસના ઐતિહાસિક સપાટીએ ભાવ પહોંચ્યા હતા. કપાસના ૧ મણના ભાવ ૨૦૧૦ રૂ.ના ભાવે સોદા પડતા ખેડૂતો રાજી-રાજી થઈ ગયા હતા.

રાજકોટ માર્કેટયાર્ડમાં આજે બીટી કપાસની ૩૪૫૦ કવીન્ટલની આવકો હતી. કપાસ ૧ મણના ભાવ ૧૫૦૧થી ૨૦૧૦ રૂ.ના ભાવે સોદા પડયા હતા. કપાસ ૧ મણનો ભાવ ૨૦૧૦ રૂ. ઓલ ટાઈમ હાઈ હોવાનું વેપારી સૂત્રોએ જણાવ્યુ હતું.

યાર્ડના કપાસના વેપારી અરવિંંદભાઈના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ફોરેનમાં કપાસના ભાવો સારા હોય સ્થાનિક લેવલે કપાસના ભાવોમાં રોજબરોજ નવી સપાટી જોેવા મળી રહી છે. થોડા સમય પૂર્વે કપાસ ૧ મણના ભાવ ૧૮૦૦ રૂ.ના ભાવે સોદા પડયા બાદ ચાલુ વર્ષે કપાસના ભાવ ૨૦૦૦ રૂ. થશે તેવી ધારણા સાચી પડી છે. કપાસમાં ઓછા ઉત્પાદનને કારણે ભાવો વધી રહ્યા છે. ખેડૂતોએ ચાલુ વર્ષે વીઘે ૨૫ મણ કપાસનો ઉતારો ધાર્યો હતો તેના બદલે ૧૦થી ૧૫ મણ ઉતારો આવી રહ્યો છે.

ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં કપાસનું મોટાપાયે વાવેતર થયુ છે પરંતુ કમોસમી વરસાદ અને ગુલાબી ઈયળોને કારણે કપાસનું ઉત્પાદન ઘટયુ છે. ઓછા ઉત્પાદનને કારણે પણ કપાસના ભાવો વધી રહ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ કપાસમાં નવી સપાટી જોવા મળે તેવી શકયતા છે.

(12:39 pm IST)