Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

દારૂએ પરિવારનો માળો પીંખ્યોઃ કુવાડવાના ખેરડીમાં દંપતિએ ઝેર પી જિંદગી ટૂંકાવી

મુળ વડોદરાના પાતરવેડીના રણજીતભાઇ અને નયનાબેન એકાદ વર્ષથી ચંદુભાઇની વાડીએ રહી મજૂરી કરતા'તા : પતિ-પત્નિ બંનેએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ ૧૨ અને ૧૪ વર્ષના બે પુત્રો મા-બાપ વિહોણા થતાં અરેરાટી : ઝઘડો થતાં પતિ જમતો જમતો ઉભો થઇ બહાર ગયો ને દવા પી લીધી, ડબલામાં વધેલી દવા પત્નિ પણ પી ગઇ

રાજકોટ તા. ૩૦: દારૂનો દૈત્ય અનેક પરિવારોના માળા પીંખી ચુકયો છે. વધુ એક કિસ્સામાં દારૂને કારણે ડખ્ખો થતાં કુવાડવાના ખેરડી ગામે વાડીમાં રહી મજૂર કરતાં મુળ વડોદરા પંથકના ગામના પતિ-પત્નિએ ઝેર પી સજોડે આપઘાત કરી લેતાં બે પુત્રો મા-બાપ વિહોણા થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ ખેરડી ગામે ચંદુભાઇ કેરળીયા (પટેલ)ની વાડીએ રહી મજૂરી કરતાં વડોદરાના પાતરવેડીના રણજીતભાઇ ઉદયભાઇ રાઠોડ (ઉ.૪૨) અને તેના પત્નિ નયનાબેન રણજીતભાઇ  રાઠોડ (ઉ.૩૫)એ ગત રાતે નવેક વાગ્યે ઝેરી દવા પી લેતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન રાતે બે વાગ્યા આસપાસ પતિ-પત્નિ બંનેએ દમ તોડી દેતાં કલ્પાંત સર્જાયો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે જાણ કરતાં કુવાડવાના હેડકોન્સ. મહાવીરસિંહ ઝાલા તથા યુવરાજસિંહે રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર રણજીતભાઇ બે ભાઇમાં મોટા હતાં. તેના માતા-પિતા અને ભાઇ વતન પાતરવેડી ગામે રહે છે. રણજીતભાઇ તેના પત્નિ નયનાબેન અને બે પુત્રો સંજય (ઉ.૧૪) તથા જલદિપ (ઉ.૧૨) સાથે એકાદ વર્ષથી ખેરડીના ચંદુભાઇ કેરળીયાની વાડીએ રહી મજૂરી કરતાં હતાં.

રણજીતભાઇને દારૂ પીવાની ટેવ હોઇ આ કારણે પતિ-પત્નિ વચ્ચે માથાકુટ થતી હતી. ગત રાતે પણ બંને વચ્ચે જમતી વખતે ઝઘડો શરૂ થયો હતો. આથી રોષે ભરાયેલા રણજીતભાઇ જમતાં જમતાં ઉભા થઇ ગયા હતાં અને બહાર જઇ ઝેરી દવાનું ડબલુ ઉપાડી દવા પી ગયા હતાં અને રૂમમાં આવ્યા હતાં. એ પછી ડબલામાં વધેલી દવા તેના પત્નિ નયનાબેન પણ પી ગયા હતાં. સારવાર કારગત ન નિવડતાં બંનેએ દમ તોડી દીધો હતો.  

(2:53 pm IST)