Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

કાલે રાજકોટ જિલ્લાના સમરસ ગામોના સરપંચોનું સન્માનઃ વિકાસકામોની વણઝાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇની હાજરીમાં કાર્યક્રમઃ ભૂપત બોદર

રાજકોટ,તા. ૩૦ : મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમવાર રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજકોટ ખાતે વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લોકાર્પણમાં ઉપસ્થિત રહેવાના છે. તેમ પ્રમુખ ભૂપત બોદર જણાવે છે.

કાલે તા. ૩૧ના રાજકોટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં તાજેતરમાં સંપન્ન થયેલ ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની સમરસ થયેલ ગ્રામ પંચાયતોના સરપંચોના સન્માનનો કાર્યક્રમ યોજાશે. ત્યારે મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લાના વિવિધ જનકલ્યાણકારી કામોના ખાતમુહૂર્ત તથા લોકાપર્ણ કરવામાં આવશે જે અંતર્ગત ૧૫માં નાણાપંચ અંતર્ગત ગ્રાન્ટમાંથી જિલ્લા, તાલુકા તથા ગ્રામ પંચાયતના ૧૧૪.૧૧ કરોડના મંજુર થયેલા વિવિધ વિકાસના કામો તથા રોડ રસ્તાઓના કામો તથા ગ્રામ યોજના એજન્સી અંતર્ગત વ્યકિતગત શૌચાલયો, કોમ્યુનીટી સોકપીટ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના કામો કેટલશેડ, ચેકડેમ, પંચાયતઘર વગેરેના ૩.૫૬ કરોડના કામો આઇ.સી.ડી.એસ. વિભાગમાં ૫૬ લાખના કામો તેમજ પેટા આરોગ્ય કેન્દ્રના ૫.૧૨ કરોડના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ તથા સમરસ ગ્રામ પંચાયતોને ૪.૫૬ કરોડની ગ્રાન્ટની ફાળવણી મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે. તેમ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર જણાવે છે.

(10:35 am IST)