Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

કોરોનાએ સ્પીડ પકડતા તંત્ર ઉંધામાથે : શુક્રવારથી પાંચ સ્થળે ટેસ્ટીંગ બુથ

ગઇકાલે સાંજે ૩૫ કેસ મળી આવ્યા : છેલ્લા અઠવાડિયાથી દરરોજ ૨૦થી વધુ પોઝિટિવ કેસ મળી રહ્યા છે : ૩૧મીથી કે.કે.વી. ચોક, રૈયા ચોકડી, મવડી ચોકડી, આકાશવાણી ચોક અને લીમડા ચોકમાં કોરોના ટેસ્ટીંગના પબ્લીક બુથ શરૂ કરવા મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, આરોગ્ય ચેરમેન અને મ્યુ. કમિશનરની જાહેરાત

રાજકોટ તા. ૨૯ : શહેરમાં હવે કોરોનાએ સ્પીડ પકડી હોય તેમ છેલ્લા અઠવાડિયાથી દરરોજ ૨૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. પોઝિટિવીટી રેટ ૨.૯૮ ટકા સુધી પહોંચી ગયો છે ત્યારે મ.ન.પા.નું તંત્ર ચિંતીત બન્યું છે અને હવે શુક્રવારથી શહેરમાં પાંચ જાહેર સ્થળોએ કોરોના ટેસ્ટીંગ બુથ શરૂ કરી અને સંક્રમણ વધતુ અટકાવવા પ્રયાસ થઇ રહ્યો છે.

આ અંગે મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા એક યાદીમાં જણાવે છે કે, આગામી તા. ૩૧ ડિસેમ્બરથી શહેરના જુદા-જુદા પાંચ સ્થળોએ કોરોના ટેસ્ટ બુથનો પ્રારંભ કરવામાં આવશે. આ ટેસ્ટ બુથમાં લોકો વિનામૂલ્યે કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે.

શહેરમાં હાલ પ્રવર્તી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે શહેરમાં જુદા-જુદા પાંચ સ્થળો - કેકેવી ચોક, રૈયા ચોકડી, મવડી ચોકડી, આકાશવાણી ચોક અને લીમડા ચોક ખાતે આ કોરોના ટેસ્ટ બુથ શરૂ થશે.

બપોર સુધીમાં '૦'  કેસ

મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૩,૦૬૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૪૭૬  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૦૭૦ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૩૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૬૯ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૫,૩૩,૪૪૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૩,૦૬૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૧ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૬૩ ટકા એ પહોંચ્યો છે.

ગઇકાલે ૩૫ કેસ નોંધાયા

આ અંગે મનપા તંત્રના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગઇકાલે ૩૫ કેસ નોંધાયા છે. જેમાં ૫૨ વર્ષનાં મહિલા-રૈયા ટેલિફોન એકસચેન્જ, ૧૬ વર્ષનો યુવક- રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે, ૪૭ વર્ષનાં મહિલા- પર્ણકુટી સોસાયટી, ૪૭ વર્ષનાં પુરુષ-પર્ણકુટી સોસાયટી, ૭૩ વર્ષના મહિલા- સદર બજાર, ૪૭ વર્ષના પુરુષ- ક્રિસ્ટલ મોલ પાસે, ૪૩ વર્ષના મહિલા- યાજ્ઞિક રોડ, ૩૭ વર્ષની યુવતી- જનકલ્યાણ સોસાયટી, ૨૦ વર્ષની યુવતી-કાલાવડ રોડ, ૪૭ વર્ષનાં પુરુષ-૧૫૦ ફુટ રીંગ રોડ, ૬૮ વર્ષના પુરુષ- એરપોર્ટ રોડ, ૫૮ વર્ષના મહિલા-એરપોર્ટ રોડ, ૬૨ વર્ષના પુરુષ- ગુર્જરી સોસાયટી, ૬૦ વર્ષના મહિલા- ગુર્જરી સોસાયટી, ૨૫ વર્ષનાં યુવક- ગુર્જરી સોસાયટી, ૧૭ વર્ષની યુવતી- સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, ૧૭ વર્ષના યુવક- વૃંદાવન સોસાયટી, ૧૮ વર્ષની યુવતી-રેસકોર્સ પાસે, ૫૭ વર્ષનાં પુરુષ- રેસકોર્સ પાસે ,૩૨ વર્ષના પુરુષ-અમીન માર્ગ, ૩૧ વર્ષીય યુવતી- અમીન માર્ગ તથા ૨૩ વર્ષીય યુવક-જામનગર રોડ, ૫૫ વર્ષીય મહિલા- રાજકોટ , ૫૮ વર્ષીય મહિલા- મેઘાણી નગર, ૧૯ વર્ષીય યુવતી-કાલાવડ રોડ, ૧૪ વર્ષીય યુવક-સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, ૨૮ વર્ષીય યુવતી- રૈયા રોડ, ૫૩ વર્ષનાં મહિલા-જામનગર રોડ, ૫૫ વર્ષનાં પુરૂષ-જામનગર રોડ, ૫૭ વર્ષીય પુરૂષ-આવકવેરા સોસાયટી પાસે, ૧૭ વર્ષીય યુવાન- ઇન્કમટેક્ષ સોસાયટી પાસે, ૨૧ વર્ષનો યુવાન-ઇન્કમટેક્ષ સોસાયટી પાસે, ૭૩ વર્ષના મહિલા- સદર બજાર, ૭૦ વર્ષનાં મહિલા- શકિતનગર તથા મોટા મૌવામાં રહેતા ૪૪ વર્ષનાં પુરૂષ કોરોના સંક્રમિત થયા છે.

(3:01 pm IST)