Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

કર્ફયુ હોવાથી ૩૧મીની ઉજવણી ઘરમાં જ કરવા લોકો મજબૂર થશેઃ શહેર પોલીસને બંદોબસ્તમાં રાહત રહેશે

કોરોના-ઓમિક્રોનના જોખમ વચ્ચે લોકો જાતે જ જાગૃત બને તે આવકાર્ય ગણાશેઃ બેદરકાર લોકો નીકળી ન પડે અને નિયમોનો ભંગ ન કરે એ માટે પોલીસ પેટ્રોલીંગ રાખવામાં આવશે : અમદાવાદમાં ૩૧મીની રાતે ૧૫ હજાર પોલીસનો બંદોબસ્તઃ રાજકોટ પોલીસ હાલ મુખ્યમંત્રીના બંદોબસ્તની કામગીરીમાં વ્યસ્ત

રાજકોટ તા. ૨૮: કોરોનાને કારણે ૩૧મી ડિસેમ્બરની આ વખતની ઉજવણીને પણ ગ્રહણ લાગી ગયું છે. માંડ થોડી રાહત થતાં કર્ફયુ સહિતના નિયમોમાંથી છૂટછાટ મળી હતી. પરંતુ ઓમિક્રોને ઉપાડો લેતાં ફરીથી તંત્રવાહકો નિયંત્રણો લાદવા મજબૂર થયા છે. આ કારણે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી પણ મોટે ભાગે ઘરમાં જ કે પછી પોતાના અંગત સ્થાનો પર રહીને કરવા લોકોને મજબૂર થવું પડશે. રંગીલા રાજકોટની ઉત્સવપ્રેમી પ્રજા કોઇપણ પ્રસંગોને ઉજવવા તત્પર હોય છે અને લાખોની સંખ્યામાં ઉજવણી માટે બહાર નીકળી પડતી હોય છે. પરંતુ આ વખતેય ૩૧મી ડિસેમ્બરની ઉજવણી કરવા રાતે લોકો બહાર નીકળી શકશે નહિ. કારણ કે રાત્રીના ૧૧ વાગ્યાની કર્ફયુ અમલમાં છે. જેનો કડક અમલ કરાવવા શહેર પોલીસ કટીબધ્ધ છે.

કોરોના ઓમિક્રોનનું જોખમ ઝળુંબી રહ્યું છે ત્યારે લોકો જાતે જ સમજીને બહાર ન નીકળી પડે તે આવકાર્ય ગણાશે. શહેર પોલીસ દર વર્ષે ૩૧મી ડિસેમ્બરે ચાંપતો બંદોબસ્ત જાળવે છે. હજારના સ્ટાફે શહેરભરમાં બંદોબસ્તમાં સાંજથી ગોઠવી દઇ બીજા દિવસની વહેલી સવાર સુધી વાહન ચેકીંગ, નશાખોરોના ચેકીંગ, દારૂની પાર્ટીઓના ચેકીંગ કરવાની સુચનાઓ અપાય છે. ગેરકાયદેસર આયોજનો પર પણ પોલીસની સતત વોચ રહે છે અને આવા આયોજનમાં સામેલ થનારા સામે કાર્યવાહી કરવામાં આવે છે. જો કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ૩૧મીએ રાતે અગિયાર વાગ્યાથી જ કર્ફયુ અમલી થઇ જતો હોઇ લોકોને આપોઆપ ઘરમાં જ રહેવા ફરજ પડશે.

જે લોકો કોરોના અંતર્ગત કર્ફયુના નિયમનો ભંગ કરી બહાર નીકળી પડશે તેને પોલીસ સ્ટેશનની હવા ખાવાનો સમય આવી શકે છે. કર્ફયુને કારણે શહેર પોલીસને બંદોબસ્તની ખાસ ડ્યુટીમાંથી થોડી રાહત રહી શકે છે. જો કે આમ છતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરી હેઠળ તમામ ઝોનના એસીપીશ્રીઓની સુચના મુજબ જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જશ્રીઓ પોતાની ટીમો સાથે શહેરભરમાં ૩૧મીની રાતે રૂટીન ચેકીંગ કરશે અને કર્ફયુનો ભંગ થતો અટકાવશે તેમજ કોઇ જાહેરમાં ઉજવણી કરતાં જોવા મળશે તો કાર્યવાહી કરશે તેમ જાણવા મળ્યું છે. ૩૧મીની રાતે લોકોને બને ત્યાં સુધી ઘરે જ રહેવા પોલીસ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

અત્રે નોંધનીય છે કે અમદાવાદમાં ૩૧મીની રાત્રે ૧૩ હજાર પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત ગોઠવશે. ટ્રાફિક પોલીસ પણ વિશેષ ડ્રાઇવ યોજશે. ૩૧મીની રાત્રે અમદાવાદમાં બાવન સ્થળોએ નાકાબંધી કરવામાં આવશે. સ્પીડ ગનથી વાહન ચાલકોની ગતિને પણ ચકાસવામાં આવશે. રાજકોટ પોલીસ હાલ મુખ્યમંત્રીશ્રી ૩૧મીએ રાજકોટ આવી રહ્યા હોઇ તેના બંદોબસ્તની તૈયારીમાં છે. ૩૧મીના બંદોબસ્તની વિગતો હવે પછી નક્કી થવાની શકયતા છે.

(3:01 pm IST)