Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

નવા વર્ષના સ્વાગત માટે યુવા પેઢી સંપૂર્ણપણે સજ્જ

આવતીકાલે રાજયભરમાં ડાન્સ, ધમાલ-મસ્તી વચ્ચે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી નવા વર્ષેને વધાવશે : ર૦૧૯ને કરશે બાય બાય... : મોટાભાગની હોટલ, રેસ્ટોરસ, કલબો-ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ પહેલેથી જ બુક થઇ ગયાઃ રાજમાર્ગો ઉપર કિડીયારૂ ઉભરાશે : રાતભર ધમાલ-મસ્તી થશે : સર્વત્ર કડક પોલીસ બંદોબસ્ત

અમદાવાદ,તા. ૩૦: શહેર સહિત રાજયભરમાં આવતીકાલે ડાન્સ, ધમાલ-મસ્તી વચ્ચે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ભારે હર્ષોલ્સાસ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી નવા ૨૦૧૯ના નવા વર્ષને વધાવવા પ્રજાજનો આતુર બન્યા છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી અને ન્યુ યરને લઇ શહેરની મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટ્સ, કલબો-ફાર્મહાઉસ અને પાર્ટીપ્લોટોમાં ડાન્સ પાર્ટી, નાચ-ગાન, ડિનર પાર્ટી, ડીજેના તાલ સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે અમદાવાદ શહેરમાં સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ કન્સેપ્ટ પર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવનાર છે. શહેરના એસ.જી. હાઇવે પરના પાર્ટી પ્લોટમાં આવતીકાલે ફેમસ ડીજે  ન્યુ યરની ધમાલ મચાવશે.  બીજીબાજુ, થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરની ઉજવણીને લઇ મોડી રાત સુધી ચાલનારી પાર્ટીઓ અને યુવા હૈયાઓની ઉજવણીને લઇ શહેર પોલીસ અને સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. શબાબ અને શરાબની જામનારી મહેફિલો વચ્ચે ખાસ કરીને યંગસ્ટર્સ થર્ટી ફર્સ્ટની ઉજવણી અને નવા વર્ષને આવકારવા  ભારે થનગની રહ્યા છે અને આવતીકાલની ઉજવણીને લઇ યંગસ્ટર્સ દ્વારા ખાસ પ્લાનીંગ કરાયું છે. તો આવતીકાલે દર વર્ષની જેમ હજારો યુવા હૈયાઓ રાત્રે સી.જી.રોડ અને એસ.જી.હાઇવે સહિતના માર્ગો પર કિડિયારાની જેમ ઉભરાશે અને ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહના માહોલ વચ્ચે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને ન્યુ યરની ઉજવણી કરશે. આવતીકાલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ અને નવા વર્ષ ૨૦૨૦ના વધામણાંનો સોનેરી અવસર હોઇ શહેર સહિત રાજયભરમાં ન્યુ યરનો માહોલ છવાયો છે.

ખાસ કરીને અમદાવાદ શહેરની મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટ્સ, કલબો-ફાર્મ હાઉસ, પાર્ટીપ્લોટો પહેલેથી જ બુક થઇ ગયા છે. આ તમામ સ્થળોએ આ વખતે વિવિધ થીમ બેઝ અને ડીજેના તાલ અને રોકીંગ રમઝટ સાથે ડાન્સ પાર્ટી, નાચ-ગાન, ડિનર પાર્ટી સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ અને હાઇવે પરની કેટલીક હાઇફાઇ અને વૈભવી હોટલોમાં તો, શરાબ અને શબાબની મહેફિલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેટલાક ડાન્સ પાર્ટીના સ્થળોએ તો વિદેશી યુવતીઓ-ડાન્સરને બોલાવવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. યંગસ્ટર્સ દ્વારા આવતીકાલની થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરની ઉજવણીને લઇ ખાસ આયોજન કર્યું છે. તેઓ પોતાના મિત્ર વર્તુળમાં અથવા તો, કપલ તરીકે તેમ જ ગ્રુપમાં ડાન્સ પાર્ટી સહિતના રંગારંગ કાર્યક્રમોની ઉજવણી કરવા આતુર બન્યા છે. કેટલીક હોટલ-રેસ્ટોરન્ટ્સ અને કલબો-ફાર્મહાઉસમાં તો, થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરને લઇ ડિનર અને મિજબાનીની કંઇક અલગ જ મનભાવન તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં આ વખતે અલગ પ્રકારની વાનગીઓ અને આઇટમો મેનુમાં ઉમેરવામાં આવી છે. થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરની ઉજવણીને લઇ શહેરની કેટલીક શાળાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાડી, ગીત-સંગીત અને સાંસ્કૃતિ કાર્યક્રમોના વિશેષ આયોજન કરાયા છે.

બીજીબાજુ, આવતીકાલે થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરની ઉજવણીને લઇ શહેર પોલીસ તંત્રને હાઇ એલર્ટ પર રખાયું છે. ખાસ કરીને  મહિલા પોલીસની વિવિધ ટીમો પણ છૂપા વેશમાં સી.જી રોડ, એસ.જી. હાઇવે સહિતના કેટલાક સ્થળોએ પેટ્રોલીંગમાં રહેશે અને દારૂ પીને છાકટા બનતા કે, યુવતીઓ-મહિલાઓની છેડતી કરતા તત્વો પર ચાંપતી નજર રાખી તેઓને જબ્બે કરશે. આવતીકાલે પોલીસ દ્વારા રાતભર શહેરભરમાં  ખાસ કરીને સીજી રોડ, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં પેટ્રોલીંગ અને ખાસ વોચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. પોલીસ સાદા વેશમાં પણ વોચ રાખી રહી છે. જો કે, યંગસ્ટર્સમાં થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરને લઇ જોરદાર ક્રેઝ છવાયો છે. નવાવર્ષના સ્વાગત માટે અમદાવાદ શહેરના યુવાનો પણ કમરકસી ચુક્યા છે. જેના ભાગરુપે આવતીકાલે સાંજે ભવ્ય ઉજવણીનો દોર હાથ ધરવામાં આવનાર છે. આના માટે તંત્રએ પણ તૈયારી કરી છે. આવતીકાલે નવા વર્ષના સ્વાગત માટે શહેરના તમામ વિસ્તારોમાં જુદા જુદા આયોજન કરવામાં આવી રહ્યા છે. હંમેશાની જેમ જ આ વખતે પણ સીજી રોડ પર વિશેષ આયોજન કરવામાં આવનાર છે. ૩૧મીની ઉજવણી દરમિયાન કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પગલા લેવાયા છે. આવતીકાલે સ્ટેડિયમ ચાર રસ્તાથી લઇને પંચવટી સર્કલ સુધી સીજી રોડના સમગ્ર પટ્ટાને બંધ રાખવામાં આવશે. આ વિસ્તારને નો વ્હીકલ  અને નો પાર્કિંગ ઝોન તરીકે ૩૧મી ડિસેમ્બરના દિવસે આઠ વાગ્યાથી લઇને વહેલી પરોઢે ત્રણ વાગ્યા સુધી જાહેર કરાશે.

(4:14 pm IST)