Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

સરધારના ફ્રુટ-શાકભાજીના ધંધાર્થી કલ્પેશ પટેલે વ્યાજખોરીમાં ફસાતાં ઝેરી દવા ગટગટાવી

ગામના જ અશોક કિયાડા પાસેથી ૧ લાખ ૧૦ ટક તથા બે વખત ૫૦-૫૦ હજાર વ્યાજે લીધા'તાઃ પંદર દિવસથી વ્યાજ ન ચુકવી શકતાં સતત હેરાનગતી હતીઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩૦: સરધારમાં રહેતાં ફ્રુટ-શાકભાજીના ધંધાર્થી પટેલ યુવાને મકાન માટે સગાઓ પાસેથી ઉછીના લીધેલા પૈસા ધંધાની મંદીને કારણે ચુકવી ન શકતાં ગામના જ એક પટેલ શખ્સ પાસેથી ત્રણ કટકે બે લાખ વ્યાજે લીધા હતાં. હાલમાં પંદરેક દિવસથી તેનું વ્યાજ ભરી ન શકતાં આ શખ્સે પઠાણી ઉઘરાણી શરૂ કરી હેરાન કરતાં આ યુવાને ઝેર પી આઘપાતનો પ્રયાસ કરતાં પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ વ્યાજે નાણા આપનારા સામે ગુનો નોંધ્યો છે.

આજીડેમ પોલીસે આ બારામાં સરધાર ગામે રાજદિપ સોસાયટી ખોડિયાર કૃપામાં રહેતાં અને ફ્રુટનો ધંધો કરતાં કલ્પેશ પ્રવિણભાઇ સાંયજા (ઉ.૩૫) નામના પટેલ યુવાનની ફરિયાદ પરથી સરધારના જ અશોક વશરામભાઇ કિયાડા સામે આઇપીસી ૫૦૪ તથા મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

કલ્પેશ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને સરધારમાં જેઠાભાઇ કાપડવાળાની સામે ફ્રુટ-શાકભાજીનો થડો રાખી વેપાર કરુ છું. મેં બે વર્ષ પહેલા સગા સંબંધીઓ પાસેથી હાથ ઉછીના રૂપિયા લઇ હાલ હું રહુ છું એ સોસાયટીમાં મકાન ખરીદ કર્યુ છે. મેં લીધેલા પૈસા પાછા આપવાના હતાં. પરંતુ ધંધો બરાબર ચાલતો ન હોઇ જેથી પાંચેક મહિના પહેલા અમારા ગામના અશોક કિયાડા પાસેથી મહેન્દ્રભાઇ ઉજીયા હસ્તક રૂ. ૧ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતાં. તેને દર મહિને રૂ. ૧૦ હજાર વ્યાજ ચુકવતો હતો. વધુ જરૂર પડતાં બે મહિના પહેલા ફરીથી અશોકભાઇ પાસેથી ૫૦ હજાર લીધા હતાં. જેની સામે દર અઠવાડીએ પ હજાર વ્યાજ ચુકવતો હતો.

નાણાભીડ સતત વધતી જતાં આજથી વીસ દિવસ પહેલા ફરીથી અશોકભાઇ પાસેથી રૂ. ૫૦ હજાર લીધા હતાં. જેમાં દરરોજના રૂ. ૩ હજાર વ્યાજ ચુકવવાનું નક્કી થયું હતું. આ વ્યાજ હું નિયમીત ચુકવતો હતો. પણ હાલમાં પંદરેક દિવસથી ધંધો ચાલતો જ ન હોઇ વ્યાજ ચુકવી શકયો નહોતો. આથી તે અવાર-નવાર મારા ફ્રુટના થડે આવી વ્યાજ માંગી પઠાણી ઉઘરાણી કરતો હતો. તેમજ વ્યાજ અને મુળ રકમ આપી દેવા સતત દબાણ કરતો હતો. ફોન કરીને પણ હેરાન કરતો હતો. ૨૭/૧૨ના બપોરે એકાદ વાગ્યે હું મારા થડે હતો ત્યારે અશોકભાઇ આવેલો અને વ્યાજની ઉઘરાણી કરતાં મેં તેને કાલે કંઇક કરી આપીશ તેવું કહેતાં મને બીજા દિવસે શૈલેષભાઇની દૂકાન પાસે બોલાવી સોમવાર સુધીમાં વ્યાજ અને ૫૦ હજાર તૈયાર રાખજે નહિતર સારાવટ નહિ રહે તેમ કહી ગાળો દીધી હતી.

રવિવારે સવારે આઠેક વાગ્યે હું સરધાર ટીનાભાઇનાી વાડીએ ગયો હતો. જ્યાંથી મેં ખેતરમાં છાંટવાની ઝેરી દવાની બોટલ ભરી લીધી હતી. એ પછી અગિયારેક વાગ્યે સરધાર પટેલ સમાજની વાડી પાસે પહોંચ્યો હતો. અશોકભાઇ સતત વ્યાજની ઉઘરાણી કરી હેરાન કરતો હોઇ હું આ દવા પી ગયો હતો. ત્યાં લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી અને મને હોસ્પિટલે ખસેડ્યો હતો.

આજીડેમના હેડકોન્સ. એમ. બી. જાડેજાએ ફરિયાદ નોંધી હતી. પીએસઆઇ જી. એન. વાઘેલાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:06 pm IST)