Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

જેના જન્મ દિવસની જિંગલ ગાવાની હતી એ ૩ વર્ષના માસુમના મરશીયા ગવાયાઃ ખુશાલની હત્યારણ 'ભયંકર ભાભૂ' જેલભેગી

પોતાના દિકરાને સરખી રીતે રખાતો ન હોવાનું સમજી દિયર-દેરાણીના ૩ વર્ષના દિકરાની હત્યા કરનાર પારૂલ ઉર્ફ હકીને જરાય અફસોસ નહોતો

જેની ભાભૂના હાથે હત્યા થઇ એ માસુમ ખુશાલ (ઉ.વ.૩) :હત્યા નિપજાવનાર ભાભૂ પારૂલ ઉર્ફ હકી ડોબરીયા : ઘટના સ્થળે તપાસ કરતાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ જેબલીયા, નિલેષભાઇ મકવાણા તથા માસુમ ખુશાલનો નિષ્પ્રાણ દેહ (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦: 'ના...ના મેં કાંઇ કર્યુ જ નથી, પોલીસ તો ખોટુ બોલે છે...હું થોડી ખુશાલને મારી શકું?'...કંઇક આવુ રટણ શનિવારે રાતે નાડોદાનગર-૬માં રહેતી પારૂલ ઉર્ફ હકી અલ્પેશ ડોબરીયા નામની મહિલાએ તેના દિયર કમલેશભાઇ વલ્લભભાઇ ડોબરીયા સામે કર્યુ હતું. પારૂલે  દિયર કમલેશભાઇના જ ૩ વર્ષના દિકરા ખુશાલને આંગણવાડીથી ઉઠાવી જઇ પોતાના ઘરમાં લઇ જઇ ગળાટૂંપો દઇ હત્યા કર્યા બાદ લાશને કોથળામાં પેક કરી ઘર નજીક ફેંકી આવી હતી. ભકિતનગર પોલીસ મથકમાં શનિવારે બપોર બાદ કમલેશભાઇ ડોબરીયાએ પોતાનો પુત્ર ખુશાલ મહેશ્વરી સોસાયટીની આંગણવાડી ખાતેથી ગૂમ થયાની જાણ કર્યા બાદ પોલીસે શરૂ કરેલી તપાસમાં 'ભયંકર ભાભૂ' પારૂલ ઉર્ફ હકીએ આ માસુમનું અપહરણ કરી, હત્યા કરી લાશનો કઇ રીતે નિકાલ કર્યો તેની સનસનીખેજ વિગતો સામે આવી હતી. પારૂલના મનમાં એવી ઇર્શ્યા-શંકા ઘર કરી ગઇ હતી કે તેના ત્રણ વર્ષના પુત્ર માધવને દિયર-દેરાણી કે બીજા સગા સરખી રીતે રાખતા નથી...દિયર-દેરાણીના પુત્ર ખુશાલને જ સરખી રીતે રાખે છે. આ કારણે તેણે ખુશાલનું કાસળ કાઢી નાંખ્યાનું કબુલ્યું હતું. આવતી કાલે ૩૧મીએ ખુશાલનો જન્મદિવસ હતો. જેના જન્મદિવસની જિંગલ ગાવાની હતી એ લાડકવાયાના મરશીયા ગાવાની વેળા આવતાં  કલ્પાંત સર્જાયો હતો. પોલીસે મજબૂત પુરાવા એકઠા કર્યા બાદ પારૂલને કોર્ટ હવાલે કરતાં તે જેલ ભેગી થઇ છે.

કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ નાડોદાનગર-૬માં રહેતી પારૂલ ઉર્ફ હકી અલ્પેશ ડોબરીયા (ઉ.૪૦) નામની પટેલ મહિલાએ પોતાના જ દિયર-દેરાણીના ૩ વર્ષના પુત્ર ખુશાલને મહેશ્વરી સોસાયટી પ્રણામી ચોકમાં આવેલી રાંદલ વિદ્યાલય પાસેની આંગણવાડીમાંથી મંદિરે દર્શન કરવા લઇ જવાના બહાને તેડી જઇ પોતાની ઘરે લઇ ગયા બાદ રૂમાલથી ગળાફાંસો દઇ મોતને ઘાટ ઉતારી લાશને કોથળામાં પેક કરી ઘર નજીક કચરા પેટી પાસે ફેંકી આવ્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી. પારૂલ ઉર્ફ હકીને ભકિતનગર પોલીસે દબોચી પુછતાછ કરતાં તેણે ઇર્શ્યાની આગમાં આ ગુનો આચર્યાનું કબુલ્યું હતું. તેણે કહ્યું હતું કે મારા દિકરાને મારો પતિ, દિયર કે દેરાણી સરખી રીતે રાખતા નહોતાં અને પ્રેમ આપતાં નહોતાં. જ્યારે દિયર કમલેશભાઇ અને દેરાણી યશોદાના દિકરા ખુશાલ (ઉ.વ.૩)ને બધા વધુ પ્રેમ આપતાં હતાં. આ કારણે મને ગુસ્સો આવતાં મેં તેને આંગણવાડીમાંથી મારા ઘરે લાવી મારી નાંખ્યો હતો!

પારૂલ ઉર્ફ હકીની ઉપરોકત કબુલાતથી પોલીસ પણ ચોંકી ગઇ હતી. ભકિતનગર પોલીસ મથકે કોઠારીયા રોડ મહેશ્વરી સોસાયટી-૧માં રહેતાં કમલેશભાઇ વલ્લભભાઇ ડોબરીયા (ઉ.૩૫)એ પહોંચી  પોતાનો ૩ વર્ષનો દિકરો ખુશાલ ઘર નજીક આવેલી આંગણવાડીએથી ગૂમ થયાની જાણ કરતાં અને પુત્રને પોતાની ભાભી પારૂલબેન ઉર્ફ હકી ત્યાંથી લઇ ગયાનું કહેતાં પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. પારૂલ ઉર્ફ હકીને બોલાવી ખુશાલ વિશે પુછવામાં આવતાં તેણે પોતે અજાણ જ હોવાનું રટણ કર્યુ હતું. પણ તેણીને સાથે લઇ પોલીસ આંગણવાડી ખાતે પહોંચતા ત્યાં હાજર લોકોએ આ મહિલા (પારૂલ ઉર્ફ હકી) જ ખુશાલને તેડી ગયાનું કહેતાં પોલીસે વિશીષ્ટ પુછતાછનો દોર શરૂ કરતાં જ પારૂલ ઉર્ફ હકી ભાંગી પડી હતી અને દિયર-દેરાણીના દિકરા ખુશાલ (ઉ.વ.૩)ને રૂમાલથી ગળાટૂંપો દઇ મારી નાંખી લાશ કોથળામાં પેક કરી કોથળો માથે રાખી ખુલ્લેઆમ ઘરથી અંદાજે ૪૦૦-૫૦૦ મિટર દૂર કચરા પેટી પાસે ફેંકી આવ્યાનું કબુલતાં પોલીસ ટૂકડી તાકીદે તેને સાથે લઇ ત્યાં પહોંચતા કોથળો મળી આવ્યો હતો. જેમાંથી માસુમ ખુશાલનો મૃતદેહ મળતાં જ અરેરાટી વ્યાપી ગઇ હતી.

પોલીસે હત્યાનો ભોગ બનનાર ખુશાલના પિતા કમલેશભાઇ વલ્લભભાઇ ડોબરીયા (ઉ.૩૫)ની ફરિયાદ પરથી તેના ભાભી પારૂલ ઉર્ફ હકી અલ્પેશભાઇ ડોબરીયા  સામે આઇપીસી ૩૬૩, ૩૦૨, ૨૦૧ મુજબ અપહરણ કરી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવા સબબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ક્રાઇમ પેટ્રોલ સહિતની સિરીયલો જોઇને પારૂલ ઉર્ફ હકીએ આ હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને તેનો અમલ પણ કર્યો હતો. તેના આ કૃત્ય પર સોૈ કોઇ ફિટકાર વરસાવી રહ્યા છે. પારૂલને હતયાનો જરાપણ અફસોસ ન હોય તેમ હત્યા કર્યા બાદ પોતાના ઘરે લાશ કોથળામાં બાંધ્યા પછી ઘરના કામ નિપટાવ્યા હતાં અને પછી નિરાતે લાશ ફેંકવા ગઇ હતી. રાતે પોલીસ મથકમાં પણ તે નિરાંતે ઉંઘી ગઇ હતી.

શનિવારે કમલેશભાઇ ડોબરીયાને જ્યારે ખબર પડી કે પોતાના દિકરાને સગા ભાભીએ જ મારી નાંખ્યો છે ત્યારે તે હેબતાઇ ગયા હતાં અને પોલીસ મથકે પહોંચી ભાભીને આવુ શું કામ કર્યુ? તેમ પુછતાં તેણે ત્યારે પણ મેં કંઇ જ કર્યુ નથી, પોલીસ ખોટુ બોલે છે...તેવું કહી નિષ્ઠુરતા દેખાડી હતી. આ ભયંકર ભાભૂ તેના ભયંકર ગુના સબબ જેલ ભેગી થઇ ગઇ છે. સર્વત્ર તેના પર ફીટકાર વરસી રહ્યો છે.

બીજી તરફ આવતીકાલે ૩૧મીએ કમલેશભાઇ અને યશોદાબેન લાડકવાયા ખુશાલનો બર્થ ડે ઉજવવાના હોઇ તમામ તૈયારી કરી રાખી હતી. જમણવાર રાખ્યો હોઇ તેમાં ભાભી પારૂલ ઉર્ફ હકી અને ભાઇ અલ્પેશભાઇને પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ કોઇને કયાં ખબર હતી કે જેના જન્મદિવસની જિંગલ ગાવાની છે એ માસુમ ખુશાલના મરશીયા ગાવાની વેળા આવશે!?

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડની રાહબરીમાં પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, રણજીતસિંહ પઢારીયા, સલિમભાઇ મકરાણી, ઘનશ્યામભાઇ મેણીયા, વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, મનિષભાઇ શિરોડીયા, વાલજીભાઇ જાડા, રવિરાજભાઇ પટગીર, મયુરસિંહ પરમાર, વિશાલભાઇ બસીયા સહિતે ડિટેકશનની કામગીરી કરી હતી.

પોલીસે આ કેસમાં પુરતા સજ્જડ પુરાવા પણ એકઠા કર્યા છે. સરકારી પંચોને સાક્ષી બનાવ્યા છે. તેમજ જે રિક્ષામાં પારૂલ ખુશાલને બેસાડીને ઘરે લઇ ગઇ હતી એ રિક્ષાચાલકને પણ ફૂટેજને આધારે શોધી કાઢી તેનું પણ નિવેદન નોંધ્યું છે. પારૂલ ઉર્ફ હકીને આ કૃત્ય બદલ કોઇ જ અફસોસ નહોતો, શનિવારે રાતે તે લોકઅપમાં નિરાંતે ઉંઘી ગઇ હતી. રવિવારે કોર્ટ હવાલે કરવામાં આવી ત્યારે પણ તેના ચહેરા પર પસ્તાવાના કોઇ ભાવ નહોતાં.

અમે તો બે'ય છોકરાવને સરખા જ રાખતા'તા પણ ભાભીના મનમાં શું હોય કેમ ખબર પડે...દિકરો ગુમાવનાર

પિતાનો વલોપાત

. એકનો એક લાડકવાયો ગુમાવનાર કમલેશભાઇ વલ્લભભાઇ ડોબરીયા (રહે. મહેશ્વરી સોસાયટી)એ સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા ભાભી પારૂલબેનને કોણ જાણે શું સુઝી ગયું હશે કે તેણે અમારા લાડકવાયાને રહેંસી નાંખ્યો. અમારા માટે તો એમનો દિકરો માધવ અને અમારો દિકરો ખુશાલ બંને એક સરખા હતાં. અમે કદી પણ કોઇ પ્રત્યે રાગદ્વેશ રાખ્યો નહોતો. બંને છોકરા માટે ચીજવસ્તુઓ પણ એક સાથે જ આવતી હતી. અમે બંને ભાઇઓ સાથે જ ધંધો કરીએ છીએ. મારા પત્નિ અને ભાભી બંનેને સાથે જ કંઇપણ લેવું હોય તો લેવા જતાં હતાં. અમારા ઘર ભલે અલગ હોય પણ અમારા મન નોખા નથી પડ્યા. આમ છતાં ભાભીને આવું કેમ લાગ્યું કે અમે તેના દિકરાને ઓછો પ્રેમ કરીએ છીએ એ ખબર જ નથી પડતી. મેં લોકઅપમાં જઇને ભાભીને આ સવાલ પુછતાં તેણે ત્યારે પણ પોતે કંઇ કર્યુ જ નથી...તેવું કહી ખોટુ રટણ કર્યુ હતું. પોલીસે આ કેસમાં ઝડપથી તપાસ કરી અમને ન્યાય આપ્યો છે.

કમલેશભાઇએ વધુમાં કહ્યું હતું કે આવતી કાલે ૩૧મીએ અમારા લાડકવાયા ખુશાલનો ત્રીજો જન્મ દિવસ હતો. આ માટે અમે નવા કપડા બૂટ લીધા હતાં. આ બધુ તેના મૃતદેહને પહેરાવી તેની છેલ્લી ઇચ્છા પુરી કરી હતી. અમે બાળકોના સ્મશાનમાં અમારા લાડકવાયાની દફનવિધી કરી હતી. કાલે તેના જન્મદિવસ નિમીતે અમે આંગણવાડીમાં અને ખુશાલના અડોશ-પડોશના મિત્રોને ચોકલેટ ખવડાવી મીઠા મોઢા કરાવશું. કમલેશભાઇના પિતા હયાત નથી. પોતે પત્નિ યશોદા, માતા કાંતાબેન સાથે રહે છે. તેના ભાઇ અલ્પેશભાઇ ડોબરીયાએ પાંવ વર્ષ પહેલા કડીયા જ્ઞાતિની પારૂલ ઉર્ફ હકી સાથે લવમેરેજ કર્યા હતાં. તેને પણ સંતાનમાં એક પુત્ર માધવ છે જે સાડાત્રણ વર્ષનો છે. પારૂલ બે બહેન અને એક ભાઇમાં સોૈથી નાની છે અને તેના પિતા ઓધવજીભાઇ પરમાર હયાત નથી. માતા જયાબેન વિવેકાનંદનગરમાં રહે છે.

કાલે ખુશાલના જન્મદિવસે આંગણવાડીમાં બાળકોને ચોકલેટ ખવડાવાશે

(3:49 pm IST)