Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

કોઠી કમ્પાઉન્ડમાં કરેણના ઝાડની ડાળીમાં લટકી જીતેન્દ્ર ભટ્ટીએ જિંદગી ટૂંકાવી લીધી

રજપૂત યુવાનના માતા અહિ ઘરકામ કરતાં હોઇ જેથી ઓરડી રહેવા અપાઇ છેઃ આર્થિક સંકડામણ કારણભુત હોવાની શકયતા

રાજકોટ તા. ૩૦: જંકશન પ્લોટ કોઠી કમ્પાઉન્ડમાં બંગલા નંબર સાત પાસેની સર્વન્ટની ઓરડીમાં રહેતાં જીતેન્દ્ર બહાદુરભાઇ ભટ્ટી (ઉ.૨૦) નામના રજપૂત યુવાને રાત્રે દસેક વાગ્યા પછી ઓરડી પાસે બગીચામાં જઇ કરેણની ડાળીમાં સાડીનો લાંબો ટૂકડો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકના પી.એસ.આઇ. યુ. બી. જોગરાણા અને રાઇટર શકિતસિંહ ગોહિલે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર જીતેન્દ્ર બે ભાઇમાં નાનો હતો અને ફોટાફ્રેમ બનાવવાના કારખાનામાં કામ કરતો હતો. તેના માતા કોઠી કમ્પાઉન્ડના બંગલાઓમાં સફાઇ કામ કરતાં હોઇ જેથી ઓરડી રહેવા માટે અપાઇ છે. જીતેન્દ્રના પિતા બહાદુરભાઇ રિક્ષા હંકારે છે. જીતેન્દ્રએ બગીચામાં કરેણના ઝાડની ડાળીમાં ફાંસો ખાઇ લીધો હતો. આર્થિક સંકડામણ કારણભુત હોવાનું પ્રાથમિક તારણ છે. પરિવારજનોના નિવેદન નોંધાયા બાદ વિગતો બહાર આવશે. (૧૪.૬)

(4:17 pm IST)