Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

શહેર કોંગ્રેસમાંથી 'માણસ પ્રથા'ને 'તિલાંજલી' આપો !!

કાર્યકરો કામ કરવા તૈયાર છે પરંતુ નેતાઓ ઝઘડા નોતરે છે જેની સીધી અસર પાર્ટીને થાય છેઃ માલધારી અગ્રણી રડી પડયા અને પ્રવચન પુરૂ ન કરી શકયાઃ નેતાઓએ વ્યકિતગત 'પીઠા' બનાવી લીધાનો 'સૂર' !

રાજકોટ, તા. ૩૦ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે મહેસાણા ખાતે જે કાંઈ ચિંતન કે મંથન કર્યુ હોય એ ખરૂ પરંતુ ગઈકાલે નાગર બોર્ડીંગ ખાતે શહેર કોંગ્રેસના પાયાના કાર્યકરોએ ચિંતન પણ કર્યુ મંથન પણ કર્યુ અને 'મન કી બાત' પણ કરી સૌનો એક જ સૂર તો હવે શહેર કોંગ્રેસમાંથી 'માણસ પ્રથા'ને તિલાંજલી આપો એટલે ભાજપને પછડાટ આપવા બીજુ કાંઈ કરવાની જરૂર નથી. આગેવાનોના ઝઘડામાં પાર્ટીની 'ખો' બોલતી હોવાની હૈયાવરાળ ઠલવાયાના અહેવાલો મળે છે.

ડો. હેમાંગ વસાવડા સહિતના આગેવાનોએ બોલાવેલી બેઠકમાં કોઈ જુથવાદ, પક્ષાપક્ષી કે વ્યકિતગત વાત કે આક્ષેપો કરવાના બદલે કોંગ્રેસ પક્ષને વધુ જોમ, જુસ્સા અને તરવરાટથી આગળ ધપાવવા શું કરવું ? તેના માટે સૌને ખૂલ્લા મને ચર્ચા કરવા અપાયેલા આહવાહન માટેની બેઠકમાં શહેરના બસ્સોથી ત્રણસો કાર્યકરો હાજર રહ્યા હતા.

પ્રારંભમાં ગત બપોરના એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યાને વખોડી કાઢીને ઉતાવળે બેઠક પૂર્ણ કરવા નક્કી કરાયા બાદ શહેરના કોંગ્રેસી અગ્રણીઓ, પક્ષની નિષ્ઠાને વરેલા કાર્યકરો, વિવિધ સેલના આગેવાનોને પોતાના અભિપ્રાયો વ્યકત કરવા કહેવામાં આવ્યું હતું.

લીગલ સેલ, માઈનોરીટી અગ્રણી અને માલધારી સેલના આગેવાનોએ ભાવુક બનીને તેમના મનમાં ભંડારેલી વ્યથા ઠાલવ્યાનું જાણવા મળે છે.

મીટીંગમાં મુખ્ય સૂર એવો રહ્યો હતો કે હવે લગ્ન સમારંભોમાં જેમ 'વાસણ પ્રથા' બંધ છે તેમ કંકોતરીમાં લખવામાં આવે છે તેમ આપણે પણ હવે કોંગ્રેસ પક્ષમાં 'માણસ પ્રથા' બંધ કરો તેવો મેસેજ આપવો પડશે.

રાજકોટ શહેર કોંગ્રેસમાં વર્ષોથી મુખ્ય આગેવાનોએ જે વ્યકિતગત પીઠાઓ બનાવી લીધા છે તેનું નુકશાન પક્ષ ભોગવી રહ્યાની સ્પષ્ટ વાત ચર્ચામાં મુખ્ય સ્થાને રહી હતી.

કોંગ્રેસ પક્ષની નિષ્ઠાને વરેલા એક માઈનોરીટી અગ્રણીએ વિવેકપૂર્ણ રીતે એવી વ્યથા ઠાલવી હતી કે કાર્યકરો કામ કરવા તૈયાર છે પરંતુ નેતાઓ ઝઘડા કરતા હોય તેની અસર પક્ષને થાય છે.

આવા જે એક માલધારી આગેવાન પોતાના મનની વાત કરતા કરતા એટલા બધા ભાવુક બની ગયા હતા કે તે જાહેરમાં ધ્રુસકે-ધ્રુસકે રડી પડયા હતા. જો કે રડતા પહેલા તેમણે સ્પષ્ટ ધ્રુજારો આપ્યો હતો કે પક્ષમાં આ આનો માણસ અને પહેલા તેનો માણસ એ વાતને હવે કોરાણે મુકી 'માણસ પ્રથા' બંધ કરો આમા બિચારા નાના કાર્યકરોનો 'મરો' થાય છે.

કોંગ્રેસની ખરા અર્થમાં ચિંતન શિબિર બની ગયેલી આ મીટીંગમાં સૌ પોતપોતાના મનમાં રહેલ વ્યથાને વાચા આપીને હળવા ફુલ થયા હતા. જો કે વર્ષોથી ચાલી આવતી જુથવાદ, વ્હાલાદવલા, માણસ પ્રથા તથા કિન્નાખોરીની પ્રથામાં કેટલો સુધારો આવી શકે તે માટે કોઈને ખાત્રી જણાઈ ન હતી.

એક ચર્ચા એવી પણ થઈ હતી કે જો આગેવાનો પોતાના વ્યકિતગત અહ્મ કે ટકરાવને તિલાંજલી નહી આપે તો ભૂતકાળમાં જેમા સારા કાર્યકરો તથા આગેવાનોએ કોંગ્રેસથી મોઢું ફેરવી લીધુ છે તેમ વધુ સક્રીય કાર્યકરો - આગેવાનો ઘર પકડીને બેસી જશે.

(4:12 pm IST)