Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ટી.પી.નો ભ્રષ્ટાચાર મોટી હોનારત સર્જશે જુનવાણી મકાન ઉપર ત્રણ માળ ખડકી દેવાનું કારસ્તાન

વોર્ડ નં. ૩ના રેફયુજી કોલોનીના વર્ષો જુના કવાર્ટરોના નબળા પાયા ઉપર માર્જીન છોડયા વગર છડેચોક ગેરકાયદે બાંધકામઃ મેયર - મ્યુ. કમિશ્નર ગંભીરતાપૂર્વક પગલા લેવડાવે તે જરૂરી

રાજકોટ તા. ૩૦ : મ્યુ. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અવાર-નવાર થાય છે ત્યારે આ ભ્રષ્ટાચારને કારણે માનવ જિંદગી જોખમમાં મુકાય અને મોટી હોનારત સર્જાય તેવી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલા લેવાયા નહી હોવાની ચોંકાવનારી રજૂઆત વોર્ડ નં. ૩ના રેફયુજી કોલોની વિસ્તારના જાગૃત નાગરિકોએ કરી છે.

આ રજૂઆતમાં લતાવાસીઓએ ટી.પી. વિભાગના તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું છે કે, 'રેફયુજી કોલોનીમાં વર્ષો અગાઉ નિરાશ્રીતો માટે ઙ્ગકવાર્ટરો બનાવાયા હતા. જે-તે વખતે નિરાશ્રીતોને માત્ર આશરો આપવાના હેતુથી બનાવાયેલા આ છાપરાવાળા કવાર્ટરના પાયા મજબૂત ન હોય તે સ્વાભાવિક છે તેમ છતાં જુલેલાલ મંદિર આજુબાજુ આવેલા મનાતા બે જુનવાણી કવાર્ટરોનાં નબળા પાયા ઉપર માર્જીનની જગ્યા છોડયા વગર છડેચોક ગેરકાયદે બાંધકામ શરૂ થઇ ગયું અને આ જુનવાણી મકાનના પાયા ઉપર ત્રણ-ત્રણ માળ ખડકી દેવાનું કારસ્તાન ચાલી રહ્યું છે.' જેના કારણે આજુબાજુના મકાનો ઉપર પણ જોખમ ઉભું થયું છે.

આ બાબતે રહેવાસીઓ દ્વારા ટાઉન પ્લાનીંગ વિભાગમાં અનેક વખત રજૂઆતો કરી આમ છતાં આ ગેરકાયદે બાંધકામ અટકાવાયુ નથી કે, નિયમ મુજબના કોઇ પગલા નથી લેવાયા. આથી આ પ્રકરણમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે ત્યારે આ ગેરકાયદે બાંધકામ મોટી હોનારત સર્જે તે પહેલા મ્યુ. કમિશ્નર, મેયર સહિતના અધિકારીઓ - પદાધિકારીઓ આ બાબતે કડક પગલા લ્યે તેવી માંગ લતાવાસીઓ દ્વારા કરવામાં આવી છે.(૨૧.૧૭)

(4:07 pm IST)