Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ત્રણ મહિનામાં વૃક્ષોનું બેફામ નિકંદનઃ પર્યાવરણ પ્રેમીઓ ચિંતીત

ગેરકાયદે વૃક્ષછેદન કરનારા સામે કડક પગલા લ્યોઃ કલેકટર - મ્યુ. કમિશ્નર - પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા વૃક્ષ પ્રેમીઓનો નિર્ણય

શહેરમાં થઇ રહેલા બેફામ વૃક્ષ છેદન તસ્વીરમાં દર્શાય છે. આ વૃક્ષો નિર્મલા રોડ, હોસ્પિટલ ચોક વગેરે સ્થળોએથી કાપી નંખાતાં વૃક્ષ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે.

રાજકોટ તા. ૩૦ : શહેરમાં છેલ્લા ત્રણેક મહીનાથી કાયદાને નેવે મુકી બેફામ વૃક્ષ છેદન થઇ રહ્યું હોઇ આ બાબતે પર્યાવરણ પ્રેમીઓએ ચિંત વ્યકત કરી અને આ બાબતે જવાબદારો સામે કડક પગલા લેવડાવવા માટે કલેકટર, મ્યુ. કમિશ્નર, પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા નિર્ણય લીધો છે.

આ બાબતે વૃક્ષ પ્રેમી અશોકભાઇ રંગાણી, દિનેશ પટેલ, ભરતભાઇ સુરેજાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા બે ત્રણ માસમાં ખૂબ જ વૃક્ષનું કટિંગ થઈ રહ્યું છે. જે વૃક્ષ કટિંગ થી માનવ સહીત અને જીવોનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે. જે વિશ્વ આખામાં તેની ગંભીર સમસ્યા છે. અત્યારે હાલમાં દિલ્હી અને ગુજરાતનું અમદાવાદ જેવા શહેરો ધાતક પ્રદુષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એજ રીતે રાજકોટમાં જરૂરિયાત કરતાં ઘણાં બધા વૃક્ષો ઓછા છે અને તેમાં પણ આડેધડ રીતે વૃક્ષ કાપી કપાઇ છે, જેના માટે પ્રજાએ જાગૃત થઈને વૃક્ષ પ્રેમીઓને, રાજકોટ મામલતદાર શ્રી, કલેકટર શ્રી, મ્યુની.કમિશ્નર શ્રી, ગાર્ડન શાખાના અધિકારી શ્રી, પોલીસ કમિશ્નર શ્રી, વન વિભાગ ગુજરાત રાજય અને કેન્દ્ર સરકાર પર્યાવરણ મંત્રી શ્રી જેવા જવાબદાર વિભાગોને ફોન, રૂબરૂ કે પત્ર દ્વારા તાત્કાલિક ફરિયાદ કરીને વૃક્ષ કાપનાર ને કાયદાકીય જોગવાઈ મુજબ ૩ માસ ની જેલની સજા અને ૨૫૦૦૦ રૂપિયા થી લાખો રૂપિયા સુધીનો દંડ થાય તે મુજબ તુંરત જ પગલા લે અને કાયમી ધોરણે વૃક્ષ છેદન બંધ થાય તે માટે જવાબદાર વ્યકિતને જાણ કરવા અપીલ કરવામાં આવે છે.

રાજકોટ શહેરમાં પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે સતત કાર્યરત વૃક્ષ પ્રેમીઓ દિનેશભાઈ પટેલ, ભરતભાઈ સુરેજા, અશોકભાઈ રંગાણી, કૈલાશભાઈ સોમૈયા, રમેશભાઈ હાપલીયા, જયેશભાઈ દોશી, દિનેશભાઈ વી પટેલ વિગેરે એ વૃક્ષછેદન અટકાવવા માટે ચિતન બેઠક કરી હતી.  જેમાં ઉપરોકત નિર્ણય લેવાયો હતો તથા વૃક્ષ છેદન બાબતે દિનેશભાઈ પટેલ (૯૮૨૪૨૩૮૭૮૫ ), અશોકભાઈ રંગાણી (૯૪૨૬૨૪૯૫૬૮), ભરતભાઈ સુરેજા (૯૮૨૪૨૩૫૧૯૧)ને જાણ કરવા યાદીના અંતે અપીલ કરાઇ છે.(૨૧.૨૪)

(4:01 pm IST)