Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

સોમવારથી ઉમિયા જ્ઞાનકથાનો પ્રારંભ

ઉમિયા સેવા પ્રગતિ મંડળનું આયોજનઃ સપ્તાહભર માં ઉમિયાના ગુણગાન ગવાશેઃ વિવિધ પ્રસંગોની થશે ઉજવણી

રાજકોટ તા. ૩૦: શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતા ઉમિયા સેવા પ્રગતિ મંડળ દ્વારા તા. ૧ થી ૭ જાન્યુઆરી દરમ્યાન ઉમિયા જ્ઞાનગાથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વ્યાસાસને મોરબીના પ્રખરજ્ઞાની વકતા વેદાંતાચાર્ય ડો. દિલીપજી બિરાજમાન થઇ ઉમાકથાને પ્રવાહીત કરશે.

ભગવાન વ્યાસજી વિરચિત ૧૮ આદિ પુરાણો અનેક ધર્મગ્રંથોમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાના અનેક તાત્વીક વિવેચન, રહસ્ય, મહિમા, અને ઉપાસનાના વિસ્તૃત વર્ણનો મળે છે. આ બધાના સંકલીત અંશો સાથે કુર્મિઓના પૌરાણીક સોનેરી ઇતીહાસની પવિત્ર અને દિવ્ય જ્ઞાનમંથી કથા એટલે ઉમિયા જ્ઞાનગાથા.

તા. ૧ ને સોમવારથી તા. ૭ને રવિવાર સુધી કુમકુમ પાર્ટી પ્લોટ ૧પ૦ ફુટ રીંગ રોડ, બીગ બજારની બાજુમાં, નાનામૌવા સર્કલ, રાજકોટ ખાતે શરૂ થઇ રહેલ શ્રી ઉમિયા જ્ઞાનગાથા સપ્તાહ વ્યાસાસને મોરબીના પ્રખરજ્ઞાની વકતા વેદાંતચાર્ય ડો. દિલીપજી બિરાજમાન થઇ ઉમાકથાને પ્રવાહીત કરશે.

પોથી યાત્રા તા. ૧ ના સોમવારે બપોરે ૩ કલાકે અમરનાથ મહાદેવ મંદિરેથી ગુલાબ વિહાર થઇ કથા સ્થળે પહોંચશે. કથાનો શુભારંભ તા. ૧ને સાંજે ૪-૩૦ કલાકે દિપપ્રાગટયથી થશે. તા. ૪ને ગુરૂવારે સાંજના પ-૩૦ કલાકે ઉમિયા પ્રાગટય પ્રસંગ, તા. પ ને શુક્રવારે સાંજે પ-૩૦ કલાકે શ્રી ઉમિયા વિવાહનો પ્રસંગની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. આ જ્ઞાનગાથા સપ્તાહ દરમ્યાન વિવિધ અલૌકિક ધાર્મિક પ્રસંગો નારદ મોહ, ઉમા મહેશ્વરનું ઓમકાર સ્વરૂપ, મુર્તી પુજાનું રહસ્ય, પૂર્વભવ સતીદેવી, ભકિતના પ્રકારો, દક્ષયજ્ઞ વિધ્વંશ, સંધ્યા ચરિત્ર, કુર્મિઓનું મુળ, કુર્મિઓનું ગુજરાત પદાર્પણ, સમુદ્રમંથનના રત્નો, ખેતીવર્ધક પ્રકલ્પં, મા ઉમાના મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અવતારો, સુર્યવંશ અને પટેલ ઉત્પતિ જેવા પ્રસંગોની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવશે.

ઉમિયા જ્ઞાનગાથાના મુખ્ય યજમાન તરીકે ખીમજીભાઇ કલોલા, વેલબેન કલોલા, રમેશભાઇ કલોલા, લલીતાબેન કલોલા રામ કૃષ્ણ એન્જીનીયર તેમજ ભાનુમતીબેન કનેરીયા, રેખાબેન કનેરીયા, સવિતાબેન કનેરીયા, ભુમીકાબેન કનેરીયા, શીતલબેન કનેરીયા, જીજ્ઞાબેન કનેરીયા સીલેકમ ઇન્ડસ્ટ્રીઝ મોરબી પરિવાર ઉપસ્થિત રહેશે.

જ્ઞાનગાથા સપ્તાહ દરમ્યાન જ્ઞાતીજનો, દાતાઓ તરફથી મળેલ આર્થિક અનુદાન બી.ટી. સવાણી હોસ્પિટલ પાછળ નિર્માણાધીન ઉમાભવન સેવાસદન કે જે વિવિધ સામાજીક, મેડીકલ, સેવાકીય પ્રવૃતિઓનું કેન્દ્ર સ્થાન બની રહેશે. તેના નિર્માણમાં વાપરવામાં આવશે. તા. ૧ થી ૭ દરમ્યાન દરરોજ બપોરે ર થી સાંજે ૬-૩૦ સુધી કથા શ્રવણમાં પધારવા સૌ જ્ઞાતીજનોને શ્રી ઉમિયા સેવા પ્રગતિ મંડળના પ્રમુખ ગીરીશભાઇ ચારોલા, ઉપપ્રમુખ શામજીભાઇ રૈયાણી, જશવંતભાઇ ઠોરીયા, મંત્રી ઓધવજીભાઇ ભોરણીયા તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે. (૭.૪૩)

(4:00 pm IST)