Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રાજકોટ સર્વાંગી રીતે સ્વચ્છ બનેઃ મેયર

ફકત સ્વચ્છ રસ્તા નહી, વિચારો-અને લક્ષ્મી(પૈસા) પણ સ્વચ્છ બને તે જરૂરીઃ ડો.જૈમન ઉપાધ્યાય : મ્યુનિ.કોર્પોરેશન અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી શહેરમાં સ્વચ્છાગ્રહ સંકલ્પ અભિયાનનું આયોજનઃ શહેરની વિવિધ શાળાઓના ૧,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા : સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસઃ સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા અપૂર્વ સ્વામીની અપીલ

રાજકોટ,તા.૩૦: મ્યુનિ.કોર્પોરેશન અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી  શહેરમાં આજે સ્વચ્છાગ્રહ સંકલ્પ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરની વિવિધ શાળાઓના ૧,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે  સ્વચ્છાગ્રહ અંગેના ગીતો ગાયા તેમજ શેરી નાટકો ભજવ્યાં હતાં. જયાં જયાં વ્યાપક ગંદકી હતી તેવા ટી સ્ટોલ, પાનના ગલ્લા અને શાક માર્કેટ જેવાં ૧૨૫ થી વધુ સ્થળોને શેરી નાટકો માટે પસંદ કર્યા હતા. આ શેરી નાટકોને કારણે શહેરના લોકો સાથે સીધો સંવાદ અને અસરકારક રીતે સંવાદ કરી શકાયો હતો તેમજ તેમને જાહેર સ્થળોએ કચરો નહી ફેંકવા સમજાવવામાં આવ્યા હતા. 

આ અવસરે અપૂવ સ્વામીજીએ આર્શીવાચન પાઠવતા જણાવ્યું કે, સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય છે. ભારત દેશ પાસે સંસ્કૃતિનો ભંડાર છે. તેની જાળવણી કરી દેશ મહાસતા તરફ જાય તે દરેકની ફરજ છે. સ્વચ્છ ભારત મિશન સફળ બનાવવ આપણે સૌ પહેલ કરશું તો જ સફળતાના શિખરે પહોચશુ.

આ અવસરે મેયર ડો.જૈમન ઉપાધ્યાયે જણાવેલ કે, ૨-જી ઓકટોબર પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતીએ સ્વચ્છ ભારત મિશન સફળતા પ્રાપ્ત કરે તે માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કટીબદ્ઘ છે રાજકોટ મહાનગરપાલિકા પણ સ્વચ્છ શહેર બને તે માટે જુદા જુદા કદમ ઉઠાવી રહી છે. આજ રોજ યોજાયેલ સ્વચ્છતા ગ્રહ અભિયાનમાં ખુબ જ સારો પ્રતિભાવ મળેલ છે આ તકે મેયરે જણાવેલ કે, ફકત શહેર જ સ્વચ્છ નહિ આપણું ઘર, આપના વિચારો અને આપણા ઘરમાં રહેલી લક્ષ્મી પણ સ્વચ્છ હોવી જોઈએ. હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી સરકાર અને ગુજરાત રાજયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાળી સરકાર સ્વચ્છ પ્રતીભા અને સ્વચ્છ વિચાર સાથે આગળ વધી રહેલ છે ત્યારે આપણો દેશ, રાજય શહેર તમામ ક્ષેત્રે આગળ વધે તે માટે સંકલ્પ કરીએ તેમ અંતમાં જણાવેલ.

મ્યુનિ.કમિશ્નર બંછાનિધી પાની  જણાવે છે કે આ સમારંભને આટલો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો તે જોઈને અમને આનંદ થયો છે. અમને આશા છે કે આ પ્રેરણા રાજકોટને સ્વચ્છ શહેર નં.૧ બનાવવામાં સહાયક બનશે.ઙ્ખ

અદાણી ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી શ્રીમતિ શીલિન અદાણી જણાવે છે કે સ્વચ્છાગ્રહ પ્રોજેકટ  ખૂબ સારી રીતે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલો છે.  આ પ્રોજેકટનું હાર્દ  આવનારી પેઢીઓ માટે  સ્વચ્છતાની સંસ્કૃતિ' કેળવવાનો છે.

આ પ્રસંગે અપૂર્વમુની સ્વામીજીના હસ્તે કાર્યક્રમનું ઉદધાટન કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેલ. આ અવસરે ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી શાલીનીબેન અદાણી, તથા તેમના અન્ય ટ્રસ્ટીઓ, મ્યુનિસિપલ કમીશ્નર બંછાનિધિ પાની, ડે.કમીશ્નરઅરૂણ મહેશ બાબુ, સી,કે.નંદાણી, જાડેજા, દંડક રાજુભાઈ અદ્યેરા, સેનિટેશન કમીટીના ચેરમેન આશિષ વાગડિયા, ઉપરાંત કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ,જુદી-જુદી સ્કુલોના પ્રિન્સીપાલશ્રીઓ, વિદ્યાર્થીઓ, નાગરિકો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા..

કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાભુભાવોનું શાબ્દિક સ્વાગત મ્યુનિસિપલ કમીશ્નર બંછાનિધિ પાની એ કરેલ જયારે પુસ્તકથી સેનિટેશન કમીટીના ચેરમેન આશિષભાઈ વાગડિયા, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન જાગૃતિબેન દ્યાડિયા અને કોર્પોરેટર મીનાબેન પારેખએ કરેલ હતું.  અને કાર્યક્રમના અંતે ડે.કમીશ્નર અરૂણ મહેશબાબુએ આભારવિધિ કરેલ.

આ કાર્યક્રમને સફળ બનાવામાં રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારી અને કાર્યકર્તાઓએ, અદાણી ફાઉન્ડેશનની ટીમે અને રાજકોટ મહાનગરપાલિકાના તથા સ્વનિર્ભર શાળાના સંચાલકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

(4:00 pm IST)