Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

બે દિકરા અને પતિના મોત માટે નિમીત બનેલી અલ્પા જેસાણી જેલ હવાલે

પ્રેમી શૈલેષ ઉર્ફે કાર્તિક અને લાખો ઉર્ફે કાળુ રીમાન્ડ પર

રાજકોટ, તા. ૩૦ :. નવાગામની રંગીલા સોસાયટીમાં રહેતા કોળી યુવાને પોતાના બે માસુમ પુત્રની હત્યા કરી પોતે ગળાફાંસો ખાઈ આપઘાત પ્રકરણમાં પત્નિ અને તેના બે પ્રેમીની કુવાડવા રોડ પોલીસે ધરપકડ કરી હતી. બાદ ત્રણેયને કોર્ટમાં રજુ કરવામાં આવતા પત્નિને જેલ હવાલે અને તેના બે પ્રેમીને આવતીકાલ બપોર સુધીમાં રીમાન્ડ મેળવ્યા છે.

મળતી વિગત મુજબ રંગીલા સોસાયટીમાં રહેતા રમેશ મનસુખભાઈ જેસાણી (ઉ.વ.૩૨) એ પરમ દિવસે પોતાના બે માસુમ પુત્ર હર્ષ (ઉ.વ. ૭) અને અભી (ઉ.વ.૫)ને વારા ફરતી અગાસી પરના પ્લાસ્ટિકની ટાંકીમાં ડુબાડી મારી નાખી પોતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પત્નિ અલ્પાના બે શખ્સોના પ્રેમ સંબંધના કારણે અને અલ્પાના ત્રાસથી કંટાળી પગલુ ભર્યાનું બહાર આવતા કુવાડવા રોડ પોલીસે બે જુદા જુદા ગુન્હા દાખલ કર્યા હતા. એક રમેશ સામે તેના બે પુત્રોની હત્યા કરવાનો ગુન્હો અને બીજો રમેશને આ પગલુ ભરવા માટે મજબુર કરવા સબબ તેની પત્નિ અલ્પા, તેના પ્રેમી કાર્તિક અને કાળુ સામે નોંધાયો હતો. આ બનાવમાં પી.આઈ. મોડીયા તથા હીરાભાઈ રબારી તથા હિતેષભાઈ ગઢવી સહિતના સ્ટાફે અલ્પા રમેશભાઈ જેસાણી (ઉ.વ. ૨૯), શૈલેષ ઉર્ફે કાર્તિક દેવશીભાઈ માલકીયા (ઉ.વ. ૩૬) અને લાખો ઉર્ફે કાળુ નાથાભાઈ સોલંકી (ઉ.વ. ૩૩) (રહે. ત્રણેય નવાગામ)ની ધરપકડ કરી હતી. બાદ પોલીસે ત્રણેયને કોર્ટમાં રજુ કરતા શૈલેષ ઉર્ફે કાર્તિક અને લાખો ઉર્ફે કાળુ આવતીકાલ સુધી રીમાન્ડ પર અને અલ્પાને જેલ હવાલે કરવામાં આવી છે.(૨-૨૩)

(3:53 pm IST)