Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

NSUI મહામંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યા કરી ભાગેલા અજયસિંહ અને તેના સાળાને શોધવા સાત ટીમો બનાવાઇ

હત્યા કરી ભાગેલો અજયસિંહ વાળા મુળ તળાજાનો વતનીઃ આશાપુરાનગરમાં તેના સગાના ઘર સહિતના સ્થળોએ તપાસઃ ભાવનગર-તળાજા-ગોંડલ-જુનાગઢ સહિતના શહેરોમાં તપાસ માટે ટૂકડીઓ રવાના થઇઃ જયરાજસિંહને અકસ્માત નડ્યાનો ફોન આવતાં મોટા ભાઇ ઋતુરાજસિંહ અને મિત્ર સમર્થસિંહ ઘટના સ્થળે પહોંચ્યા'તા અજયસિંહ ઋતુરાજસિંહ સામે છરી લઇ દોડ્યો ને નાનાભાઇ જયરાજસિંહ વચ્ચે પડતાં તેનો ભોગ લેવાયો

રાજકોટ તા. ૩૦: ગઇકાલે બપોર બાદ એરપોર્ટ રોડની દિવાલ પાછળ પુનિતનગરની ગોળાઇ પાસે બજરંગવાડી રેલનગર-૩ શેરી નં. ૧માં રહેતાં અને ક્રાઇસ્ટ કોલેજમાં ભણતાં તેમજ એનએસયુઆઇ મહામંત્રી જયરાજસિંહ ભુપતસિંહ જાડેજા (ઉ.૨૧)ને છરીનો ઘા ઝીંકી હત્યા કરી ભાગી ગયેલા અજયસિંહ વાળાને શોધી કાઢવા પોલીસે ઠેર ઠેર દરોડા પાડ્યા છે. જો કે તે હાથમાં આવ્યો નથી. અજયસિંહ સાથે બીજો જે શખ્સ હતો તે તેનો સાળો હોવાની વિગતો ગાંધીગ્રામ પોલીસને તપાસમાં બહાર આવી છે. દરમિયાન આરોપીઓને પકડી લેવા જુદી-જુદી સાત ટીમો બનાવવામાં આવી છે. જે ભાવનગર, તળાજા, ગોંડલ, જુનાગઢ સહિતના શહેરોમાં તપાસાર્થે રવાના થઇ છે.

હત્યાના બનાવ અંગે પોલીસે મૃતકના મોટાભાઇ ઋતુરાજસિંહ ભુપતસિંહ જાડેજા (ઉ.૨૪)ની ફરિયાદ પરથી અજયસિંહ અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો. ઋતુરાજસિંહે જણાવ્યું હતું કે હું અને મારા મિત્ર સમર્થસિંહ મારા બુલેટ પર બજરંગવાડીથી ભોમેશ્વર તરફ જતાં હતાં ત્યારે મારા માતા અરૂણબા જાડેજાએ ફોન કરી કહેલ કે જયરાજસિંહને પુનિતનગરની ગોળાઇમાં અકસ્માત નડ્યો છે તું ત્યાં જઇને તપાસ કર. આથી હું અને સમર્થસિંહ ત્યાં જતાં મારો ભાઇ જયરાજસિંહ અને અજયસિંહ સામ-સામે એક બીજા સામે હાથ ઉંચા કરી ઝઘડો કરતાં હતાં. હું છોડાવવા જતાં અજયસિંહે પેન્ટના નેફામાંથી છરી કાઢી હતી અને મને મારવા દોડ્યો હતો. પણ નાનોભાઇ જયરાજસિંહ દોડીને વચ્ચે આવી જતાં તેની છાતી નીચે પડખામાં અજયસિંહે ઘા ઝીંકી દીધો હતો. તેમજ મને પણ ઇજા કરી હતી. સમર્થસિંહ બુલેટની ઘોડી ચડાવી છોડાવવા દોઢતાં અજયસિહ અને તેની સાથેના શખ્સે પથ્થર ઉગામ્યો હતો. સમર્થસિંહ પાછળ દોડતાં બંને જણા ભાગી ગયા હતાં.

મારા ભાઇને એક બોલેરો નીકળતાં તેના મારફત કડીવાર હોસ્પિટલે લઇ ગયેલ. પણ દવાખાનુ બંધ હોઇ ૧૦૮ મારફત સિવિલમાં ખસેડેલ. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. વાહન અથડાવા બાબતે ઝઘડો થયાનું જાણવા મળ્યું હતું. ગાંધીગ્રામ પી.આઇ. એચ.આર. ભાટુ, ભાનુભાઇ મિંયાત્રા, કેતનભાઇ પટેલ અને ડી. સ્ટાફની ટીમોએ અજયસિંહ વાળા અને સાથેના શખ્સને શોધી કાઢવા ઠેર-ઠેર દરોડા પાડ્યા છે. અજયસિંહ મુળ ભાવનગરના તળાજાનો વતની છે. તેના સગા કોઠારીયા રોડ હુડકો પાછળ આશાપુરાનગરમાં રહેતાં હોઇ ત્યાં તથા અજયસિંહની અન્ય બેઠકો પર દરોડા પાડ્યા છે. ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ સાત ટીમોએ જુદા-જુદા શહેરોમાં રવાના થઇ તપાસ શરૂ કરી છે.

દરમિયાન પોલીસને એવી વિગતો મળી છે કે અજયસિંહ સાથે જે શખ્સ હતો તે તેનો સાળો હતો. અજયસિંહ દારૂ ઉપરાંત ચલમનો પણ બંધાણી હોવાનું ચર્ચાય છે. તે ઝડપાયા બાદ ખરેખર શું બન્યું હતુંતે બહાર આવશે. (૧૪.૭)

(4:04 pm IST)