Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ઉદય કોવિડ અગ્નિકાંડના મૂળમાં ભ્રષ્ટાચાર : જવાબદારો સામે પગલા લેવાને બદલે ડોકટરોને બલીના બકરા બનાવ્યા

ડોકટરો સામે ગુન્હો નોંધતા પહેલા જવાબદાર અધિકારી સામે ગુન્હો નોંધો : જસ્ટીસ શ્રી પુંજને રજૂઆત માટે સમય માંગતા પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા

રાજકોટ તા. ૩૦ : ઉદય કોવિડ અગ્નિકાંડ માટે ડોકટરોને જવાબદાર ઠેરવી તેની સામે ગુન્હો નોંધાયો છે ત્યારે આ ઘટનાના મૂળમાં ભ્રષ્ટ સરકારી તંત્ર હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ કર્યો છે અને આ ઘટનામાં ડોકટરોને બલીના બકરા બનાવાયાનું એક નિવેદનમાં જણાવાયું છે.

તેઓએ નિવેદનમાં આક્ષેપો કર્યા છે કે ઉદય કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં દુર્ઘટનામાં મૂળમાં આળસુ અને ભ્રષ્ટ સરકારી તંત્ર છે. ફોરેન્સીક અભિપ્રાયના ગાણા ગાતા પોલીસ તંત્રે, ફોરેન્સીક રીપોર્ટ પહેલા 'સોફટ ટાર્ગેટ' ડોકટરો સામે ગુનો નોંધી આખા પ્રકરણમાં પડદો પાડવાનો અસફળ પ્રયાસ કર્યો છે. 'સીટ'ના વડાએ ઉતાવળે જે મુદ્દાઓ જાહેર કર્યા છે કે તે મુદ્દા 'NOC' આપતી વખતે ન હતા? હોસ્પિટલને ત્યારે બીજો ઇમરજન્સી એકઝીટ દરવાજા હતો ? લોબી ૩.૪ ફુટની ન હતી ? આઇસીયુમાં બે ખાટલા વચ્ચેની જગ્યા પૂરી હતી ? આ બધી ત્રુટીઓ હોવા છતાં કયા અધિકારીએ ફાયર સેફટી સર્ટીફીકેટ આપ્યું ? કલેકટરે ખુદ શા માટે કોવીડ હોસ્પિટલ શરૂ કરવા મંજુરી આપી ? આખી દુર્ઘટનામાં જવાબદાર અધિકારી સામે શા માટે ગુનો નોંધાયો નહીં ? મારી સ્પષ્ટ માંગણી છે કે ડોકટરો સામે ગુનો નોંધતા પહેલા જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધો.

જે ઇલેકટ્રીક ઉપકરણ છે તેમાં શોટ સર્કિટ થયાની વાત છે. જેમાં ધમણ વેન્ટીલેટર પણ હાલ શંકાના પરીઘમાં છે. સયાજી હોસ્પિટલ ખાતે લાગેલી આગમાં પણ 'ધમણ' પર આરોપો થયા છે, ત્યારે જે કોઇ ઇલેકટ્રોનીક ઉપકરણ જવાબદાર નીકળે તેના ઉત્પાદક પર પણ ગુનો નોંધવો જરૂરી છે.

ડો. વસાવડાએ આક્ષેપ મુકયો છે કે મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હોય કે વડાપ્રધાને ફંડમાંથી નીધી આપેલ હોય એટલે ગુનો નોંધવાનો નહીં ? સરકારે સજાગ થઇ આ અંગે આ પ્રકરણમાં આગળ વધવું જ પડશે નહીં તો સરકારની 'ઢાંક પીછોડા'ની નીતિ હજુ વધુ બહુમૂલ્ય માનવ જિંદગી ભરખી શકે છે. માટે જાહેર માધ્યમ દ્વારા હું નામદાર જસ્ટીસશ્રી પુંજ સાહેબને આ બાબતે રજુઆત કરાશે તે માટે સમય પણ માંગવામાં આવ્યાનું ડો. વસાવડાએ જણાવ્યું હતું.

(3:49 pm IST)
  • વલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 94 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 1.37 લાખથી વધુ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 37,685 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94, 30,724 થઇ :એક્ટીવ કેસ 4,46,658 થયા : વધુ 43,590 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,44,751 રિકવર થયા :વધુ 419 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,152 થયો access_time 12:08 am IST

  • આજે છાયા ચંદ્રગ્રહણ : ભારતના પૂર્વ ભાગમાં દેખાશે : ગુજરાતમાં નહીં દેખાય ગ્રહણની અવધિ ૪ કલાકને ૨૩ મિનિટ : ગ્રહણ સ્પર્શ ૧૨ કલાકને ૫૯ મિનિટ ૪૧ સેકન્ડ : ગ્રહણ મોક્ષ : પ કલાક ૨૫ મિનિટ ૩૨ સેકન્ડ : ટેલિસ્કોપની મદદથી આ અવકાશી ખગોળીય ઘટના નિહાળી શકાશે : ગુજરાતમાં ગ્રહણ જોવા નહીં મળે : માત્ર ભારતના પૂર્વ વિભાગના અલ્હાબાદ, બાલી, ભાગલપુર, કટક સહીતના વિસ્તારોમાં જોવા મળશે : વિજ્ઞાન જાથા દ્વારા અવકાશી ખગોળી ઘટનાના અવલોકન : ગેરમાન્યતાના ખંડન સાથે લોકોને સાચુ માર્ગદર્શન આપવા ઠેરઠેર કાર્યક્રમો થશે તેમ જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે access_time 11:25 am IST