Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

માસ્ક ઉતારીને સિગારેટ ફુંકતા કારખાનેદાર મનિષ પટેલની ધરપકડઃ ૧૨૦૦નો દંડ વસુલાયો

રાજકોટમાં આવો પ્રથમ ગુનોઃ ભકિતનગર પોલીસે નિલકંઠ સિનેમા નજીક કરી કાર્યવાહી : ચેતજો...કોરોનાનું સંક્રમણ અટકાવવા હવે આવા કેસ થશે

રાજકોટ તા. ૩૦: કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા જાહેરમાં માસ્ક ઉતારીને ફરતાં લોકો સામે વધુને વધુ કાર્યવાહી કરવા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સુચના આપી હોઇ હવેથી ચા-પાનના થડે માસ્ક ઉતારનારા વિરૂધ્ધ પણ કાર્યવાહી શરૂ થઇ ચુકી છે. જે અંતર્ગત આજે ભકિતનગર પોલીસે એક કેસ દાખલ કરી દંડ વસુલ્યો છે. નિલકંઠ ટોકિઝ સામે ખોડિયાર ટી સ્ટોલ નજીક એક શખ્સ માસ્ક ઉતારી સિગારેટના દમ લેતો જોવા મળતાં જાહેરનામા ભંગ મુજબ કાર્યવાહી કરી તમાકુ અધિનિયમ ભંગના રૂા. ૨૦૦ અને માસ્કના રૂા. ૧૦૦૦ મળી રૂા. ૧૨૦૦નો દંડ વસુલવાની કાર્યવાહી થઇ હતી.

ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જે. ડી. ઝાલા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, રાજશીભાઇ, નિકુલભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો ત્યારે આ કામગીરી કરી હતી. પકડાયેલા વ્યકિતનું નામ મનિષ દેવળભાઇ ચોૈધરી (પટેલ) (ઉ.વ.૪૨-રહે. સહકાર રોડ, અવધ મેડિકલ સામે કલ્યાણનગર-૨) હોવાનું અને તે કારખાનેદાર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. લોકો બેફીકર બનીને માસ્ક વગર ફરતા રહેતાં હોઇ હવે પોલીસ માસ્ક બાબતે વધુ કડક બનશે.

(3:47 pm IST)