Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સામાન્ય સભા 'તંદુરસ્ત' વાતાવરણમાં સંપન્ન, નાણાપંચના નાણા અંગે પ્રમુખ-ડી.ડી.ઓ.ને સત્તા

જિલ્લા પંચાયતમાં અલ્પાબેનના કાર્યકાળમાં કુલ ૪૧ ઠરાવો : વીંછીયા અને શાપર-વેરાવળના નગરપાલિકાનો દરજ્જો અપાવવા ઠરાવ

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયાની અધ્યક્ષતામાં મળેલ મંચ પર બાજુમાં ઉપપ્રમુખ સુભાષ માંકડિયા, કારોબારી અધ્યક્ષ કે.પી.પાદરિયા, ડે.ડી.ડી.ઓ. રામદેવસિંહ ગોહિલ અને માંડલિયા વગેરે તથા સામેની તરફ સભ્યો ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ તા. ૩૦ :.. જિલ્લા પંચાયતની વર્તમાન ચૂંટાયેલી પાંખની અંતિમ મનાતી સામાન્ય સભા આજે પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયાની અધ્યક્ષતામાં મળેલ. છેલ્લી, સામાન્ય સભા તંદુરસ્ત માહોલમાં શાંતિપૂર્ણ રીતે પુર્ણ થઇ હતી. ડી.ડી.ઓ. શ્રી અનિલકુમાર રાણાવાસિયા કલેકટરના ચાર્જમાં હોવાથી હાજર ન રહી શકતા તેમના વતી ડે. ડી. ડી. ઓ. રામદેવસિંહ ગોહીલે જવાબદારી સંભાળી હતી. સામાન્ય સભામાં કોઇ પ્રશ્નોની નોંધપાત્ર ચર્ચા થયેલ નહિ પ્રશ્ન પૂછનારા  સભ્યોને અગાઉથી જ લેખિત જવાબો  અપાઇ ગયા હોવાથી સભ્યોએ સંતોષ માન્યો હતો.

અધ્યક્ષ સ્થાનેથી ૩ ઠરાવો થયેલ જેમાં વીંછીયા તથા શાપર-વેરાવળ ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજજો આપવા તેમજ ગામડાઓના જનસેવા કાર્યાલયો (ઇ-ગ્રામમાં) સેવા આપતા કોન્ટ્રાકટના કર્મચારીઓનું કમિશન વધારવાના ઠરાવનો સમાવેશ થાય છે. ૧પ માં નાણાપંચની રૂ. ૪ કરોડ જેટલી ગ્રાન્ટનો વિસ્તારવાર સંતુલિત ઉપયોગ થાય તે રીતે કામો સુચવવા ડીડીઓ અને પંચાયત પ્રમુખને સત્તા આપતો ઠરાવ કરાયો હતો.

સભ્ય બાલુ નસિતે ડુમીયાણી અને પીઠડીયા ટોલનાકા પાસેથી ગ્રામ પંચાયત મોટી રકમ વસુલવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ઉપપ્રમુખ સુભાષ માકડિયાએ સામાન્ય સભામાં પ્રારંભે જણાવેલ કે અલ્પાબેન ખાટરીયાએ પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો ત્યારની સામાન્યસભા શરૂ કરી આજની આ ૧રમી સામાન્ય સભા છે. અત્યાર સુધીની ૧૧ સામાન્ય સભાના ૩૩ ઠરાવો અને ૮ અધ્યક્ષસ્થના ઠરાવ થઇ કુલ ૪૧ ઠરાવો સર્વાનુમતે મંજુર થયેલ છે. આ તમામ ઠરાવો જિલ્લા પંચાયતના અને જિલ્લાની ગ્રામ્ય પ્રજાજનોના હિતમાં કરવામાં આવેલ છે. જુદી જુદી સમિતિઓની કાર્યવાહી નોંધો સર્વાનુમતે મંજુર કરેલ છે. જેમાં જિલ્લામાં રોડ-રસ્તા, તળાવ, ચેકડેમ, પ્રાથમિક શિક્ષણ, સમાજ કલ્યાણ, આઇ.સી.ડી.એસ., પશુપાલન, ખેતીવાડી વિભાગની જાહેરહિતની બાબતો જે જિલ્લાના છેવાડાના ગામના ગ્રામ્યજનોની સુખાકારીને આવરી લે છે તેવા ઠરાવોનો પણ સમાવેશ થાય છે. અત્રે અધ્યક્ષ સ્થાનેના સંવેદનશીલ ઠરાવમાં રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં વસવાટ કરતા કોઇ જવાન સરહદ ઉપર શહીદ થઇ જાય તો તેના કુટુંબને રૂપિયા (એક) લાખની સહાય ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે મંજુર કરાયેલ છે અને બીજા સંવેદનશીલ ઠરાવમાં જિલ્લા પંચાયતના કોઇપણ વર્ગ-૩/૪ના કર્મચારી ફરજ દરમ્યાન અવસાન પામે તો તેમને રૂ. રપ૦૦૦/-ની સહાય આપવામાં આવતી હતી તે વધારીને રૂ.પ૦,૦૦૦ કરવામાં આવેલ છે.

વિકાસના કામોની ચર્ચા કરીએ તો જિલ્લામાં કુલ ૯૦૧ વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા જેની પાછળ રૂ.૧૮૯૭.૦૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ સિવાય જિલ્લાની ગ્રામ પંચાયતોની માંગણી અન્વયેના વિકાસના કામોને સૈદ્ધાંતિક અને વહીવટી મંજુરીની ઝડપી પ્રક્રિયા ચાલુ છે. વિકાસના કામોથી જિલ્લાના છેવાડાના ગામ અને પ્રજાજન સુધી પહોંચવાનો અગ્રીમ પ્રયાસ આ બોડીએ કરેલ છે અનેક રાજકીય દબાણ, પક્ષપાત જેવા પ્રયાસો વચ્ચે અમારા પ્રમુખશ્રીના માર્ગદર્શન અને સદસ્યશ્રીઓની ટીમની એકતાથી આવા ઉજજવળ તબક્કે પહોંચી શકયા છીએ.

(2:48 pm IST)