Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

વ્યાજખોરીમાં ફસાઇ જતાં કોઠારીયા શિવપાર્કના કમલેશભાઇ હિરાણીએ ઝેરી દવા ગટગટાવી લીધી

૨૧મીએ પોલીસ કમિશનરને કરેલી લેખિત ફરિયાદમાં ૧૬ જણાના નામઃ નક્કર કાર્યવાહી ન થતાં પગલુ ભર્યુઃ મકાન માટે અને ભાઇ-માતાની બિમારીની સારવાર માટે અલગ-અલગ રકમ વ્યાજે લીધાનું સ્વજનોનું કથન

રાજકોટ તા. ૩૦: કોઠારીયાના શિવપાર્ક-૨માં રહેતાં અને બ્રહ્માણી હોલ નજીક વાળંદ કામની દૂકાન ધરાવતાં કમલેશભાઇ ધીરૂભાઇ હિરાણી (ઉ.વ.૫૨) નામના વાળંદ પ્રોૈઢે દૂકાનેથી ઘરે જતી વખતે રસ્તામાં રાત્રે અગિયારેક વાગ્યે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. વ્યાજખોરીમાં ફસાઇ જવાને કારણે આ પગલુ ભર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

કમલેશભાઇને મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં આજીડેમ પોલીને જાણ કરવામાં આવી છે. તે બે ભાઇ અને એક બહેનમાં બીજા છે. સંતાનમાં બે પુત્ર છે. પરિવારજનોએ કહ્યું હતું કે વ્યાજખોરીમાં ફસાઇ જવાને કારણે આ પગલુ ભર્યુ છે. વ્યાજની ઉઘરાણી માટે સોળ જેટલા શખ્સો હેરાન કરતાં હોઇ બધાના નામ જોગ ૨૧મીએ પોલીસ કમિશનરશ્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આમ છતાં કોઇ નક્કર કાર્યવાહી ન થતાં કંટાળીને આ પગલુ ભરી લીધાનો આક્ષેપ કરાયો હતો.

ગત ૨૧/૦૯/૨૦ના રોજ પોલીસ કમિશનરશ્રીની કચેરી નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે ઇન્વર્ડ કરાયેલી અરજીમાં લખુભાઇ, બહાદુરભાઇ, જયદેવભાઇ, બાબુભાઇ, અશોકભાઇ, સંજયભાઇ, ઉમેશભાઇ, લાલજીભાઇ, નાગજીભાઇ, લાભુભાઇ, મહિપતભાઇ, મનહરભાઇ, વિજયભાઇ, હિતેષભાઇ, પરેશભાઇ અને ધીરૂભાઇના નામ છે.

લખુભાઇ પાસેથી ૨ લાખ લઇ ૨,૯૦,૦૦૦ ચુકવ્યા હતાં. બહાદુરભાઇ પાસેથી ૫૦ હજાર સામે ૪૭ હજાર, જયદેવભાઇને ૧ લાખ સામે ૬૦ હજાર, બાબુભાઇને ૩ લાખ સામે ૧,૪૮,૪૦૦, અશોકભાઇને ૫ લાખ સામે ૩,૯૭,૪૦૦, સંજયભાઇને ૨ લાખ સામે ૧,૦૪,૨૦૦, ઉમેશભાઇને ૧ લાખ સામે ૮૧,૦૦૦, લાલજીભાઇને ૫૦ હજાર સામે ૩૭૦૦૦, નાગજીભાઇને ૫૦ હજાર સામે ૧૭૦૦૦ લાભુભાઇને ૧ લાખે સામે ૨૫૦૦૦, મહિપતભાઇને ૨,૫૦,૦૦૦ સામે ૯૪૯૦૦, મનહરભાઇને ૧ લાખ સામે ૧,૨૦,૦૦૦, વિજયભાઇને ૫૦ હજાર સામે ૩૫ હજાર, હિતેષભાઇને ૫૦ હજાર સામે ૩૫ હજાર, પરેશભાઇને ૧,૧૦,૦૦૦ સામે ૮૬૫૦૦ અને ધીરૂભાઇને ૯૦ હજાર સામે ૪૧૧૦૦ ચુકવી દીધા હોવા છતાં વધુ વ્યાજ માંગી હેરાન કરતાં હોવાનો આરોપ આ લેખિત ફરિયાદમાં મુકાયો છે. વ્યાજ ન આપે તો મારી નાંખવાની ધમકી અપાય છે. મકાન પણ વેંચાવી નાંખ્યુ છે. ત્રાસને કારણે મરી જવાના સતત વિચારો આવતાં હોવાનું પણ જે તે દિવસે થયેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું. આ અરજી કરાયા બાદ પણ કોઇ કાર્યવાહી ન થતાં અંતે ઝેર પી લીધાનું તેમના સ્વજનોએ કહ્યું હતું.

(11:34 am IST)