Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હવે ખરા અર્થમાં કાશ્મીરી સંસ્કૃતિ સંવર્ધિત થશે : કમલેશ જોષીપુરા

અનુચ્છેદ ૩૭૦ અને ૩૫-એ હટાવવાના ઐતિહાસિક નિર્ણય અંગે યોજાયો માર્ગદર્શક સેમીનાર

રાજકોટ : જમ્મુ કાશમીરની ૩૭૦-કલમ હટાવીને દેશહિતમાં મજબૂત અને ઐતિહાસિક પગલાં દ્વારા દેશની જનતાનું ૭૦ વર્ષ જૂનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહે સાકાર કર્યુ છે. ત્યારે પ્રદેશ ભાજપની યોજના અનુસાર રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય એકતા અભિયાન હાથ ધરવામાં આવેલ છે. તે અંતર્ગત શહેરના મેયર બીનાબેન આચાર્ય, રાષ્ટ્રીય અનુ.મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, કમલેશભાઈ જોષીપુરા, રાષ્ટ્રીય એકતા અભિયાનના મહાનગરના સંયોજક મનીષ ભટ્ટ, સહસંયોજક મુકેશભાઈ દોશી, હરીવંદના કોલેજના ટ્રસ્ટી મહેશભાઈ ચૌહાણ તેમજ ભરતભાઈ રામાનુજ સહીતનાની ઉપસ્થિતિમાં મુંજકા સ્થિત હરીવંદના કોલેજ ખાતે સેમીનાર યોજાયો હતો. આ સેમીનારને સંબોધતા કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૭૦ અને ૩૫-એ હટાવવાના ઐતિહાસિક અપ્રતિમ અને અભુતપૂર્વ નિર્ણય સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં રાષ્ટ્રીય એકતા અભિયાન તેમજ એક દેશ એક બંધારણના નારા સાથે પ્રારંભ થઈ રહયો છે. ત્યારે જે કાયદા દેશના તમામ નાગરીકો માટે બનતા હતા, તેના લાભોથી જમ્મુ કાશમીરના દોઢ કરોડથી પણ વધારે લોકો વંચિત રહી જતા હતા. ત્યારે જમ્મુ- કાશમીરમાં કાયદો અને વ્યવસ્થાના નિયમનથી આતંકવાદ પર નિયંત્રણ આવશે અને જમ્મુ-કાશ્મીરના લોકોને નિષ્પક્ષ અને નિર્ભય રીતે પોતાના પ્રતિનિધિઓને પસંદ કરવાની તક મળશે અને કાશ્મિરીયતની ભાવનાને વધુ બળવતર કરવાની સાથે સાથે કાશમીરી સંસ્કૃતિને પણ સંવર્ધિત કરવામાં આવશે અને દેશના બાકી ભાગોની જેમ જમ્મુ કાશ્મીર અને લડાખના લોકોને નિઃશુલ્ક ગેસ, વીજળી, અને શૌચાલયની સુવિધા મળશે. રાજયમાં ઉદ્યોગ, સ્વાથ્ય સેવાઓ, શૈક્ષણિક સંસાધનોની સ્થાપનાથી રોજગારીની વધુ સારી તકો નિર્માણ પામશે અને સર્વક્ષેત્રે વિકાસની નવી ક્ષીતીજો ઉઘડશે. આ સેમીનારનો હરીવંદના કોલેજના પ૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

(4:03 pm IST)