Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

આઠમાં નોરતા સુધી વરસાદ રંગમાં ભંગ પાડે તેવી શકયતા

ગઇ કાલે વરસાદે ખમૈયાં કરતાં શેરી ગરબા સહિતનાં સ્થળોએ ખેલૈયા ઝૂમ્યા

અમદાવાદ તા.૩૦: સપ્ટેમ્બર મહિનામાં વરસાદના ભારે કોપથી ગુજરાતમાં હવે અતિવૃષ્ટિનું જોખમ ઊભું થયું છે. બીજી તરફ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અગાઉ પાંચમા નોરતા સુધી વરસાદ રંગમાં ભંગ પાડે તેવી શકયતા હતી પરંતુ હવે છેક આઠમ સુધી વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી છે.

શહેરની અમુક કલબોમાં અગાઉથી જ બે દિવસ સુધી ગરબાનું આયોજન નહીં કરાય તેવી જાહેરાત થઇ હતી. સદ્દનસીબે ગઇ કાલે વરસાદની આગાહી હોવા છતાં શહેરમાં વરસાદે ખમૈયા કરતા શેરી ગરબા સહિતના સ્થળોએ ખેલૈયાઓ રાતના બાર વાગ્યા સુધી ઝુમ્યા હતા.

દરમ્યાન આજે સવારે શહેરમાં હળવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શહેરમાં ચાલુ ચોમાસાની સિઝનમાં ૩૨.૯૫ ઇંચ વરસાદ નોંધાઇ ચૂકયો છે.

(3:59 pm IST)