Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વકીલો સહિત અનેક લોકો સાથે કરોડોની ઠગાઇ કરવા અંગે તુલશી સોલંકીના આગોતરા જામીન રદ

અગાઉ જામીન મેળવીને પોલીસ સમક્ષ હાજર નહિં થતાં આગોતરા રદ કરતી કોર્ટ

રાજકોટ તા. ૩૦: ઉંચા વ્યાજની લાલચ આપી જુદા જુદા ૧૦૦ જેટલાં લોકો પાસેથી રૂ. આઠેક કરોડ ઉઘરાવી એકાદ-બે મહિના વ્યાજ આપ્યા બાદ ફરાર થઇ ગયેલા આરોપી તુલશી ઇશ્વર સોલંકીએ આગોતરા જામીન મેળવ્યા બાદ શરતોનો ભંગ કરીને પોલીસ સમક્ષ હાજર રહેતો ન હોય તેમજ અન્ય કેસોમાં પણ હાજર રહેતો ન હોય આરોપીની આગોતરા જામીન અરજીને એડી. સેસ. જજ શ્રી પી. એન. દવે એ ફગાવી દીધી હતી.

આ બનાવ અંગે ફરીયાદી અમૃતભાઇ જયંતિભાઇ લવારીયાએ ૧ કરોડ ૩૧ લાખ પ૦ હજાર ઉંચા વ્યાજની લાલચમાં ફસાઇ જઇને આરોપીને આપેલ હતાં આ રીતે અન્યો પાસેથી પણ આરોપીએ જુદી જુદી રકમો મેળવીને કુલ ૮ કરોડ ૮ લાખ ૬પ લાખ ૮૯૦ની છેતરપીંડી કરીને વિશ્વાસઘાત કર્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ બનાવની ફરિયાદો પૈકીની ફરિયાદના સંદર્ભે અહીંના ભકિતનગર સોસાયટી મેઇન રોડ ઉપર રહેતા આરોપી તુલશી ઇશ્વર સોલંકી અગાઉ જામીનમુકત થયેલ પરંતુ ત્યારબાદ કોર્ટે મુકેલ શરતો મુજબ બે વર્ષથી હાજર રહેતો ન હોય સરકાર દ્વારા આરોપીના જામીન રદ કરવા રજુઆત થતાં સેસન્સ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી રદ કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરેલ કે આરોપીના અગાઉ જામીન મંજુર થયેલ જયારે દર મહિને પોલીસ સ્ટેશનમાં હાજર રહેલાની શરત હતી પરંતુ આરોપી પોલીસ સમક્ષ હાજર થયેલ નથી અને છેલ્લા બે વર્ષથી નાસતો ફરે છે. તેથી આરોપીના આગોતરા જામીન રદ કરવા જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેસન્સ જજ શ્રી દવે એ આરોપીની આગોતરા જામીન અરજી રદ કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આરોપીએ અનેક લોકો સાથે કરોડોની ઠગાઇ કરી છે, જેમાં ચારેક જેટલા વકીલોની મોટી રકમ પણ આરોપીની ચાઉં કરી ગયાનું કહેવાય છે.

આ કામમાં સરકારપક્ષે જીલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા રોકાયા હતાં.

(3:43 pm IST)